વિશ્ર્વમાં ૪૯ દેશો એવા છે જયાં જીએસટીનો એક જ સ્લેબ છે જયારે ર૮ દેશો બે સ્લેબ વાપરે છે
નરેન્દ્ર મોદી સરકારે ગયા વર્ષે પહેલી જુલાઇથી લાગુ કરેલો ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) વિશ્ર્વમાં સૌથી જટીલ ટેકસીસ પૈકીનો એક અને બીજા ક્રમે સૌથી ઊંચો ટેકસ રેટ છે એમ વર્લ્ડ બેન્કે એક રીપોર્ટમાં જણાવ્યું છે. વર્લ્ડ બેન્કે આ માટે વિશ્ર્વના ૧૧૫ દેશોની આ પ્રકારની ટેકસ સિસ્ટમને ગણતરીમાં લીધી છે.
ભારતના જીએસટી સ્ટ્રકચરમાં ૦.૫ ટકા, ૧૨ ટકા, અને ર૮ ટકા એમ પાંચ ટેકસ સ્લેબ્સ છે. ઉપરાંત કેટલાક વેચાણ અને નિકાસો પર ઝીરો રેટ છે. જેના પર નિકાસકારો ઇનપુટ પર ચુકવેલા ટેકસ માટે માટે રીફંડને કલેમ કરી શકે છે. સોના પર અલગ રીતે ૩ ટકા અને કિંમતી સ્ટોન્સ પર ૦.૨૫ ટકા ટેકસ વસુલ કરવામાં આવે છે જયારે આલ્કોહોલ, પેટ્રોલિયમ પ્રોડકટસ, રીયલ એસ્ટેટ પરની સ્ટેમ્પ ડયુેટી અને વીજ દરોને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો કે તેમના પર રાજય સરકારો દ્વારા ચોકકસ દરે ટેકસ વસુલ કરવામાં આવે છે.
વિશ્ર્વમાં ૪૯ દેશો એવા છે કે જયાં જીએસટીનો એક જ સ્લેબ છે. જયારે ર૮ દેશો બે સ્લેબ વાપરે છે. ભારત સહીતના માત્ર પ દેશો ચાર ઝીરો સિવાયના ચાર સ્લેબનો ઉપયોગ કરે છે. જીએસટીના ચાર કે તેથી વધુ સ્લેબ હોય એવા દેશોમાં ઇટલી, લકઝમ્બર્ગ, પાકિસ્તાન અને ધાનાનો સમાવેશ થાય છે.