- સ્ટેટ જીએસટી કલેક્શન રૂપિયા 39,600 કરોડે પહોચ્યું : વર્ષ 2022-23ની સરખામણીમાં વર્ષ 2023-24માં કલેક્શન 11.7 ટકા વધુ
નાણા મંત્રાલયે 1 માર્ચે જણાવ્યું હતું કે ભારતે ફેબ્રુઆરીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં રૂ. 1.68 લાખ કરોડ એકત્ર કર્યા હતા, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 12.5 ટકા વધુ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા હતું. ફેબ્રુઆરીનું જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ છે, જે જાન્યુઆરીના રૂ. 1.72 લાખ કરોડ કરતાં 3.3 ટકા ઓછું છે. સતત 12મા મહિને રૂ. 1.5 લાખ કરોડથી વધુ છે. 2023-24માં સરેરાશ માસિક કલેક્શન 1.67 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. 2020-21માં કોરોના પછી, વર્ષ 2022-23માં કલેક્શન ઝડપથી વધીને સરેરાશ 1.51 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
ફેબ્રુઆરીનું સ્ટેટ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે રૂ. 34,900 કરોડથી વધીને રૂ. 39,600 કરોડ થયું છે. જ્યારે સેન્ટ્રલ જીએસટી ફેબ્રુઆરીમાં રૂ. 31,800 કરોડ હતો, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રૂ. 27,700 કરોડ હતો. એ જ રીતે, ફેબ્રુઆરીમાં આઇ. જીએસટી વાર્ષિક ધોરણે રૂ. 75,100 કરોડથી વધીને રૂ. 84,100 કરોડ અને જીએસટી સેસ વાર્ષિક ધોરણે રૂ. 11,900 કરોડથી વધીને રૂ. 12,800 કરોડ થયો છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે ફેબ્રુઆરી 2024 સુધી કુલ જીએસટી કલેક્શન 18.40 લાખ કરોડ રૂપિયા છે, જે 2022-23ના સમાન સમયગાળાના કલેક્શન કરતાં 11.7 ટકા વધુ છે. 2023-24ના પ્રથમ 11 મહિના માટે ચોખ્ખી જીએસટી આવકનું રિફંડ 16.36 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 13 ટકા વધુ છે. જીએસટીની આવક વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકારે આ પદ્ધતિમાં જે નબળી કર્યો હતી તેને દૂર કરી અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે જેના પરિણામ સ્વરૂપે સરકારની તિજોરી જીએસટી એ છલકાવી છે. એટલું જ નહીં સ્થાનિક સ્તર પરનો વિકાસ અને વ્યાપાર વૃદ્ધિના પગલે જીએસટીની આવક દિન પ્રતિદિન વધી રહી છે. સર્વાધિક જીએસટીની આવક એપ્રિલ 2023 માં નોંધાઈ હતી જે આંકડો 1.87 લાખ કરોડનો હતો જ્યારે જાન્યુઆરી 2024 માં જીએસટી આવક 1.74 લાખ કરોડ અને ઓક્ટોબર 2023 માં જીએસટી આવક 1.72 લાખ કરોડ ની હતી.