છેતરપીંડી તો આજે જાણે લોકોનો ડાબા હાથનો ખેલ થઈ ગયો હોય એવી ઘટનાઓ દિવસેને દિવસે પ્રકાશમાં આવી રહી છે ત્યારે સુરતમાં વધુ એક છેતરપીંડીની ઘટના સામે આવી છે જેમાં સાડીના વેપારીને ડરાવી અને ધમકાવી ૧૨ લાખ રૂ. પડાવી લેવામાં આવ્યા હતા ત્યારે આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી જી એસ ટી કર્મચારી સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના સુરતની છે જ્યાં બોમ્બે માર્કેટના સાડીના વેપારી સાથે છેતરપીંડીની ઘટના બની હતી. રાજસ્થાનના જોધપુરના વતની અને છેલ્લા ૧૦ વર્ષથી વરાછા જુની બોમ્બે માર્કેટમાં સાડીનો વેપાર કરે છે ત્યારે ધિરેન્દ્રસિંહ ઉર્ફે ધિરજ મંગલસિંહ રાજપુરોહીતએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ૩૦ માર્ચના રોજ રાબેતા મુજબ ધિરેન્દ્રસિંહ તેમની ધિરજ ફેશન નામની દુકાને હાજ૨ હતા તે સમયે સાંજે પાંચ વાગતા ત્રણ અજાણ્યા દુકાનમાં પ્રવેશી ગયા હતા.
ત્રણ પૈકી એકના હાથમાં ભારત સરકારના લોગો વાળી ફાઇલ હતી. ત્રણેયએ જીએસટી અધિકારીની ઓળખ આપી હતી પરંતુ તેમાંથી એક જ અધિકારી હતો અને અન્ય બન્નેએ ખોટી ઓળખ આપીને દુકાનમાં
રેડ કરી હતી. વેપારીને આરોપીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ૮૦ લાખ જીએસટી ભરવું પડશે નહીં તો કેસ થશે અને ૧૦ વર્ષ જેલમાં જવું પડશે.
૮૦ લાખ ન હોવાનું ધિરેન્દ્રસિંહે જણાવતા દંડ પણ ન ભરવો પડે અને સેટલમેન્ટ કરવું હોય તો ૪૫ લાખ રૂપિયા માંગ્યા હતા… વાત-ચીત બાદ વેપારી ધિરેન્દ્રસિંહ રોકડા રૂ.૭ લાખ અને ઘરેથી ૫ લાખ મળી કુલ રૂ.૧૨ લાખ રૂપિયા આપ્યા હતા. બળજબરીથી ડરાવીને જીએસટીનાં અધિકારીના નામે રૂપીયા કઢાવી લીધા બાદ ત્રણેય ઠગબાજો જતા રહ્યા હતા. બાદમાં આ અંગે વેપારી વેપારી ધિરેન્દ્રસિંહે તેમના સીએને આખા મામલાની જાણ કરતા આ રીતે જીએસટીના અધિકારી દંડ પણ ન લે અને દુકાન તેમજ સીસીટીવી બંધ કરાવીને કોઇપણ કામગીરી ન કરે તેમ જણાવ્યું હતું.
ત્રણેય જણા અધિકારીઓનાં નામે રૂપીયા કઢાવી ગયા હોવાની ખાતરી વેપારીને થતા તેમને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે એક જીએસટી અધિકારી અને બીજા ૨ લોકો જે આ ગુન્હામાં સંડોવાયેલ હતા તેમની ધરપકડ કરી હતી.