ગુજરાત સરહદી રાજ્ય હોવાથી નાણાં પંચ સમક્ષ ખાસ પેકેજ માંગતી સરકાર
ચેરમેને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાત સરકારે આરોગ્ય અને એજ્યુકેશન ક્ષેત્રમાં સુધારા માટે ખર્ચ વધાર્યો છે. આગામી વર્ષો પણ આ જ બે ક્ષેત્રોમાં ધ્યાન અપાશે. અમે દેશભરમાં રાજ્યોની મુલાકાત લેવાના છીએ. ગુજરાતમાં તમામ સ્તરે આર્થિક વિકાસ થયો છે. ગુજરાત સરકાર દ્વારા પંચને અગાઉથી જ આવેદનપત્ર અપાયું હતું. અમે તેનો અભ્યાસ કરી લીધો છે.
સરકારે પંચને કેટલાક સૂચનો પણ કર્યા છે. પંચ તરફથી ગુજરાતને વધુ નાણાંકીય સહાય (હિસ્સો) મળે તેવી માગણી પણ કરાઈ છે. ગુજરાતે કેટલાક ઈનોવેશન પણ કર્યા છે. જેના પર વિચાર કરાશે. ગુજરાતની પ્રોગ્રેસ વચ્ચે જીએસટી વધુ પ્રશ્નો ઉભા કરી શકે છે. ગુજરાતની નાણાંકીય ખાધ પણ ત્રણ ટકાથી નીચે છે.
કેન્દ્ર અને રાજ્યોએ પોતાનાં જીએસટીની આવકનાં પ્રોજેક્શનો આપ્યા છે જેમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે. પંચ પણ જીએસટીની આવકના પોતાના પ્રોજેક્શનો આપશે.
જીએસટીના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેઓની સાથે નાણા પંચના સભ્ય શશિકાંત દાસે જણાવ્યું હતું કે, જીએસટીની અપેક્ષા મુજબની આવક મળતી નથી. જીએસટીના અમલને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે નક્કર બાબતો ખબર પડશે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષથી સરકાર દ્વારા પંચ દ્વારા અપાતી સહાયનો રીપોર્ટ વિધાનસભામાં મુકાતો નથી. જેના સંદર્ભમાં ચેરમેને ખાતરી આપી છે કે સરકાર સાથે વાતચીત થઈ ગઈ છે અને આ રીપોર્ટ વિધાનસભામાં મુકાશે.