બંધાણીઓ લૂંટાયા બાદ તમાકુના વેપારી પર તવાઈ
કોરોના મહામારીમાં લોકડાઉનમાં બંધાણીઓ લૂંટાયા બાદ તંત્ર દ્વાર તમાકુના વેપારીઓ પર તવાઇ બોલાવામાં આવતા અનેક સવાલ અને શંકા ઉભી થઇ છે. જામનગરમાં હોલસેલના વેપારી પર રાજકોટ જીએસટીની ટીમ ત્રાટકી છે તો સપ્તાહ દરમ્યાન ખંભાળિયા, ધ્રોલ, જામનગરમાં વધુ ભાવ પડાવતા ૨૭ વેપારીઓ તોલમાપ વિભાગની ઝપટે ચડયા છે.કોરાના મહામારીમાં લોકડાઉનમાં પાન, મસાલા અને તમાકુની દુકાનો બંધ રહી હતી. આથી તમાકુના હોલસેલ વેપારીઓને જલસો પડી ગયો હતો. કારણ કે, હોલસેલ વેપારીઓએ બંધ બારણે બંધાણીઓને પેટભરીને લૂંટયા હોવાની ફરિયાદ ચોમેર ઉઠી હતી. આ સ્થિતિમાં રહી રહીને એટલે કે બંધાણીઓ લૂંટાઇ ગયા બાદ તંત્ર જાગ્યું હોય તેમ સોમવારે રાજકોટ જીએસટીની ટીમ શહેરમાં તમાકુ-સોપારીના હોલસેલ વેપારી ધીરજલાલ એન્ડ બ્રધર્સ પેઢીના ગોડાઉનમાં ત્રાટકી હતી. જયારે ૨૪ મે થી સપ્તાહ દરમ્યાન જિલ્લા તોલમાપ વિભાગે જામનગર, ખંભાળિયા, ધ્રોલમાં તમાકુમાં વધુ ભાવ પડાવતા ૨૭ વેપારી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જામનગર જિલ્લા તોલમાપ વિભાગે સપ્તાહ દરમ્યાન ખંભાળિયા, ધ્રોલ અને જામનગરમાં તમાકુના વેપારીઓ સામે કરેલી કાર્યવાહીમાં વેપારીઓ સીગારેટના પેકેટમાં રૂ.૫ થી ૨૦ અને ચૂનાના પેકેટમાં રૂ.૫ થી ૧૦ વધુ પડાવતા હોવાનું ખૂલ્યું હતું.હોલસેલ વેપારીઓનું પાન, બીડી, તમાકુનું કરોડોનું ટર્નઓવર છે. આ સ્થિતિમાં લોકડાઉનમાં અને મંજૂરી મળ્યા બાદ પણ હોલસેલ વેપારીઓએ પાછલા બારણે બંધાણીઓ પાસે તમાકુના મનસ્વી ભાવ પડાવ્યા હતાં. સ્થાનિક જીએસટી વિભાગે કોઇ કાર્યવાહી ન કરતા વેપારીઓને મોજ પડી ગઇ હતી.