અંબાજી, સોમનાથ, પાવાગઢ, દ્વારકા અને ગીરનાર સહિતના તિર્થધામોનાં અદ્વિતિય વિકાસથી યાત્રીકોનાં હૈયે ટાઢક
અબતક,રાજકોટ
ગુજરાતની ભૂમિ પાવન ભૂમિ કહેવાય છે. એક તરફ અહીં માં અંબા અને માતા મહાકાળીના પાવન તિર્થ આવેલા છે. તો બીજી તરફ આ હરિહરની પણ ભૂમિ છે. અહીં સોમનાથ ખાતે પ્રથમ જ્યોર્તિલિંગ સ્વરૂપમાં મહાદેવ છે અને દ્વારકામાં શ્રી હરિ કૃષ્ણ બિરાજમાન છે. ડાકોરમાં ભક્ત બોડાણાના તપથી પ્રસન્ન ઠાકોરજી છે. સાથે જ, ગુજરાતમાં પાવન ગીરનાર એ અનેક સાધુ સંતોનું પવિત્ર આશ્રય સ્થાન છે. ગિરનારની લીલી પરિક્રમાનું શ્રદ્ધાળુઓમાં અદમ્ય મહાત્મ્ય રહેલું છે.
ગુજરાતી પ્રજા એટલે મૂળભૂત રીતે ભક્તિમય અને પ્રવાસી પ્રજા! રાજ્ય સરકાર પ્રવાસી શ્રદ્ધાળુઓની પ્રાર્થના અને પર્યટન બંન્ને સુગમ બને તે માટે સતત પ્રયત્નશીલ છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીક રાજ્યના પવિત્ર યાત્રાધામોને ભવ્ય બનાવા પાયો નાખ્યો હતો. આજે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યના યાત્રાધામોનો વિકાસ કરી રહી છે.
અંબાજી મંદિરનો વિકાસ:-
બનાસકાંઠાના દાંતામાં આવેલું અંબાજી મંદિર પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. જે 358 સુવર્ણ કળશ ધરાવતું દેશનું એક માત્ર શક્તિપીઠ છે. ગબ્બર ખાતે નવનિર્મિત 51 શક્તિપીઠ પરિક્રમા પથના વિકાસથી યાત્રિકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. વર્ષ 2008માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું, જે કામ વર્ષ 2014માં 61.57 કરોડના ખર્ચે પૂર્ણ થયું હતું. આ યાત્રાધામને કેન્દ્ર સ્થાને રાખીને રાજ્ય સરકાર ખૂબ ઝડપી નિર્ણયો લઈને અંબાજી યાત્રાધામને ભારત દેશનું આદર્શ યાત્રાધામ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140.43 કિલોગ્રામ સોનુ અને 15,711 કિલોગ્રામ ચાંદી વપરાઈ છે. રૂપિયા 2.40 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ પરિક્રમા પથ ખાતે લેન્ડસ્કેપીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંદિરમાં 44.22 લાખના ખર્ચે સોલાર રૂફટોપ નાખવામાં આવ્યું છે. 13.35 કરોડના ખર્ચે ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આવનાર દિવસોમાં અંબાજી ખાતે આવનાર યાત્રિકોની આગામી 50 વર્ષની ગણતરીને ધ્યાનમાં લઈને વિકાસનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
સોમનાથ મંદિરનો વિકાસ:-
સૌરાષ્ટ્રને કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ખાતે પ્રવાસીઓ માટે કેવ મ્યુઝીયમ અને રહેવા માટે આધુનિક સુવિધાઓ વાળા સર્કીટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અતંર્ગત સોમનાથ ધામમાં યાત્રિઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યા છે. હયાત પ્રવાસ ધામોનું રિ-ડેવલપમેન્ટ પણ સતત થતું જાય છે. ટુરિઝમના નવા આકર્ષણો પણ ઉમેરાતા રહે તેવી તેમની નેમ છે. 24ડ7 સ્વચ્છતા-સફાઇ સહિતની સુવિધા અહીં વિકસી છે. પ્રધાનમંત્રીશ્રી સ્વયં જેના અધ્યક્ષ છે તે સોમનાથ મંદિર પરિસરમાં સોલાર રૂફટોપ અને સોલાર એનર્જીના ઉપયોગથી ર00 કે.વી.એ. ગ્રીન ક્લીન એનર્જીનો વિનિયોગ થાય છે. એટલું જ નહીં, યાત્રાધામનું પર્યાવરણ પણ શુદ્ધ રહે તે માટે ગેસ્ટ હાઉસીસ અને ટોયલેટમાં ઝીરો ડીસ્ચાર્જ અંતર્ગત એસ.ટી.પી. બનાવવામાં આવ્યા છે અને રોજનું સવા લાખ લીટર ગંદુ પાણી શુદ્ધ થઇ બાગ-બગીચા વગેરેમાં પુન: ઉપયોગમાં લેવાય છે.
શ્રી સોમનાથ મંદિરનું નવીનતમ ટેકનોલોજીથી સ્કેનીંગ કરી થ્રી-ડી પ્રતિકૃતિથી પ્રચાર-પ્રસાર કરી શકાય તેમજ અન્ય જો મંદિરને અથવા તેના કોઇ ભાગને નુકશાન થાય તો તેનું આબેહુબ નિર્માણ કરી શકાય તે હેતુથી તેના થ્રી-ડી લીડાર સ્કેનીંગની રૂ.4.88 કરોડની અંદાજિત રકમની કામગીરી પ્રગતિ હેઠળ છે. સોમનાથ યાત્રાધામ ખાતે નેશનલ હાઇવેથી સોમનાથ મંદિર સુધીના 1 કિ.મી. લંબાઇના ટુ લેન રસ્તાને ફોર લેન કરવાની રૂ.5.00 કરોડની અંદાજિત કિંમતની કામગીરી પ્રગતિમાં છે.
પાવાગઢ યાત્રાધામ:-
પાવાગઢ મંદિર ખાતે લગભગ 500 વર્ષ પછી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાવાગઢના વિકાસ માટે કુલ રૂપિયા 121 કરોડની વહીવટી મંજુરી અંતર્ગત તબક્કા-1 માં પગથિયાનું વિસ્તૃતિકરણ, ટોયલેટ બ્લોકસ, પોલીસ બુથ, સીટીંગ પેવેલીયન વગેરે કામો વર્ષ 2017માં શરૂ કરી જાન્યુઆરી, 2021માં પૂર્ણ કરવામાં આવેલ તથા તબક્કા-2માં મુખ્ય મંદિર પરીસરનું વિસ્તૃતિકરણ, સ્ટ્રીટ લાઇટ, પી.એ.સીસ્ટમ, સી.સી.ટી.વી. વગેરે કામો વર્ષ 2017માં શરૂ કરી માર્ચ, 2022માં પૂર્ણ કરવામાં આવેલ છે. પાવાગઢ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓ માટે માંચી ચોક ખાતે રૂ.31.00 કરોડની અંદાજિત રકમના વિકાસકામો જેવા કે, મુખ્યત્વે પાર્કીંગ તથા પબ્લિક પ્લાઝા, રેસ્ટ એરીયા, ઓફીસ બિલ્ડીંગ, ડોરમેટરી, તેલીયા તળાવના બ્યુટીફીકેશનની કામગીરી વગેરે કામો હાથ ધરવા અંગે કાર્યવાહી પ્રગતિમાં છે.
દ્વારકા યાત્રાધામ:-
દ્વારકા યાત્રાધામ ખાતે દ્વારકા તથા પંચકુઇને જોડતા સુદામાસેતુ બ્રીજનું નિર્માણ ફેબ્રુઆરી, 2016માં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના 50:50% સહયોગથી કુલ રૂ.7.50 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું હતું..દ્વારકા યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓને વધુમાં વધુ સુવિધા મળે તથા આગામી વર્ષોમાં હાથ ધરી શકાય તેવા પ્રોજેકટના આયોજન માટે દ્વારકા યાત્રાધામના પ્રોસ્પેકટીવ પ્લાનિગ અને શેલ્ફ ઓફ પ્રોજેકટસ માટેની કાર્યવાહી પ્રગતિમાં છે.
ગીરનાર યાત્રાધામ:-
ગીરનાર યાત્રાધામ ખાતે રોપ-વે કાર્યાન્વિત થતા શ્રધ્ધાળુઓ/પ્રવાસીઓની સંખ્યામાં થતા વધારાને ધ્યાને રાખી અંબાજી ટુંક ઉપર યાત્રાળુઓની સુવિધાઓ અને સવલતોના રૂ.3.80 કરોડના વિકાસ કામો વર્ષ 2021માં પૂર્ણ કરવામાં આવ્યાં. ગીરનાર યાત્રાધામના સર્વાંગી વિકાસની કામગીરી કે જેમાં ભવનાથ તળેટીથી દત્તાત્રેય મંદિર સુધીના તમામ પગથિયાની મરામત તથા વિસ્તૃતિકરણ, પાયાની સુવિધા જેવી કે, શૌચાલય અને પીવાનું પાણી, અંબાજી ટુંક, દત્તાત્રેય ટુંક, ગોરખનાથ ટુંક વગેરે કામોનો સમાવેશ થાય છે તે હાથ ધરવા રૂ.72.00 કરોડની દરખાસ્ત વિચારણા હેઠળ છે.
અન્ય મહત્વની કામગીરી:-
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર મુકામે આવેલ ઐતિહાસીક શ્રી મહાકાલી વડ (કંથારપુર વડ) ખાતે વિકાસ કામો માટે મળેલ કુલ રૂ.14.96 કરોડની વહિવટી મંજુરી અંતર્ગત પ્રથમ તબક્કામાં રૂ.6.00 કરોડના અંદાજિત રકમના વિકાસ કામો જેવા કે, લેન્ડસ્કેપીંગ, ધ્યાન/યોગ કરવાની જગ્યાઓ, એક્ઝિબીશન હોલ, પાથ-વે, ગેધરીંગ એરીયા, બોર, ઇલેકટ્રીકલ અને પ્લમ્બિંગ વગેરે પ્રગતિ હેઠળ છે. કચ્છ જિલ્લામાં આવેલ માતાનો મઢ યાત્રાધામનું માસ્ટર પ્લાનિગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ કરવા અંગે અંદાજે રૂ.31.00 કરોડના કામો માટેની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.
પોરબંદર જિલ્લાના માધવાપુર ઘેડ મુકામે આવેલ શ્રી ક્રિષ્ણા રૂક્ષ્મણી યાત્રાધામનું માસ્ટર પ્લાનિગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ કરવા અંગે રૂ.47.99 કરોડના અંદાજિત રકમના કામો હાથ ધરવા અંગેની કાર્યવાહી પ્રગતિમાં છે.
કચ્છ જિલ્લામાં આવેલ નારાયણ સરોવર યાત્રાધામનું માસ્ટરપ્લાનીંગ કરી અંદાજિત રૂ.30.00 કરોડના ખર્ચે સર્વગ્રાહી વિકાસ કરવા બાબતેની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આદિવાસી વિસ્તારમાં આવેલ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ મુકામે આવેલ અનાવલ ત્રિવેણી સંગમ ખાતે યાત્રાળુઓની સુવિધાઓ માટે અંદાજિત રૂ.10.00 કરોડના ખર્ચે વિકાસ કામો માટે જરૂરી કાર્યવાહી પ્રગતિમાં છે. તદ્દઉપરાંત શ્રી શબરીધામ મંદિર, જિ.ડાંગ ખાતે રૂ.5.00 કરોડની અંદાજિત રકમના વિકાસ કામો પ્રગતિ હેઠળ છે.દલિત સમાજના શ્રધ્ધાના સ્થાનો જમાલપુર, અમદાવાદ શહેર (રૂ.1.21 કરોડ), શ્રી બેચરસ્વામી આશ્રમ, મુ.તા.સિધ્ધપુર, જિ.પાટણ (રૂ.3.00 કરોડ), શ્રી વીર મેઘમાયા સ્મારક, મુ.તા.જિ.પાટણ (રૂ.3.17 કરોડ), શ્રી ત્રિકમ સાહેબની જગ્યા, મુ.મુજપુર, તા.સમી, જિ.પાટણ (રૂ.0.99 કરોડ) ખાતે વિકાસ કામગીરી પૂર્ણ કરેલ છે તથા શ્રી બેચરસ્વામી આશ્રમ, મુ.તા.સિધ્ધપુર, જિ.પાટણ (તબક્કો 2), શ્રી વીર મેઘમાયા સ્મારક, મુ.તા.જિ.પાટણ (તબક્કો 2), શ્રી ત્રિકમ સાહેબની જગ્યા, મુ.ચિત્રોડ, તા.રાપર. જિ.કચ્છ વગેરે જગ્યાએ વિકાસ કામો હાથ ધરવા જરૂરી કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.