કાર ખરીદદારોનું વલણ બદલાયું!!
રૂ.૧૦ લાખથી ઉપરની એસયુવી કારના વેચાણમાં ૪૦%થી વધુનો ઉછાળો
સનરુફ, ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમ, ૩૬૦ ડીગ્રી કેમેરા, જાયન્ટ સ્ક્રીન, ક્રૂઝ કંટ્રોલ, છ એરબેગ સહિતના ફિચર્સનું આકર્ષણ વધ્યું
કોરોના મહામારી બાદ લોકોની માનસિકતા બદલાઈ રહી છે. અગાઉ જાહેર પરિવહનનો ઉપયોગ કરનારા લોકો હવે પોતાનું વાહન હોવું જ જોઈએ તેવું વલણ ધરાવે છે. ત્યારે હવે કાર ખરીદદારોનું પણ વલણ બદલાયું છે. અગાઉ ‘સસ્તી અને શ્રેષ્ઠ’ કારનો આગ્રહ રાખતા લોકો હવે સસ્તી નહીં પરંતુ સુરક્ષિત અને આકર્ષક કાર લેવાનું પસંદ કરી રહ્યા હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે.
ભારતીયની હવે ખુદની કારનું સ્વપ્ન વધુ આગળ વધ્યું છે. એક સમયે નાની કારની બોલબાલા હતી અને કુટુંબના ત્રણથી ચાર સભ્યોને એકીસાથે જવા માટે નાની કાર લેવાનો આગ્રહ રાખતા હતા પરંતુ હવે તો ભારતીય ‘ચીપ એન્ડ બેસ્ટ’ની વ્યાખ્યામાંથી પણ બહાર નીકળી ગયા છે અને કાર ખરીદીમાં પ્રિમીયમ કાર માર્કેટમાં આજે પણ વેઇટીંગ લીસ્ટ છે.
ખાસ કરીને એસયુવી કે મીડ સેગમેન્ટની કારમાં સનરુફ, ડ્રાઈવર આસીસ સિસ્ટમ, ૩૬૦ ડીગ્રી કેમેરા, જાયન્ટ ઇન્ફોમેન્ટ સ્ક્રીન, ક્રૂઝ કંટ્રોલ, છ એરબેગ આ બધી પ્રાથમિક જરુરિયાત બની ગઇ છે અને ભારતીય કાર ખરીદનારાઓ હવે પ્રિમીયર સેગમેન્ટ પર વધુ રસ દાખવી રહ્યા છે. રુ ૧૦ લાખ કે તેથી ઉપરની કારનું વેચાણ ૨૦૨૨માં ૪૧% જેટલું વધુ રહ્યું.
૨૦૧૮માં ૪.૫ લાખ કાર વેચાઇ પણ તેમાં ફક્ત ૧૬% જ પ્રિમીયમ કાર હતી. હવે આ આંકડો ૫૦ ટકા ઉપર પહોંચી ગયો છે. એન્ટ્રી લેવલ મોડલમાં મારુતિના અલ્ટો અને રેનોલ્ડની ક્વીડ પણ ટૂંક સમયમાં વિદાય લે તો આશ્ચર્ય સર્જાશે નહીં. મોટાભાગના કાર ખરીદનારાઓ હવે એસયુવી સેગમેન્ટમાં જઇ રહ્યા છે.
ગત વર્ષમાં એસયુવી કારની ડિમાન્ડ પિક પર રહી હતી. વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં પેસેન્જર કારનું વેચાણ રેકોર્ડબ્રેક રહ્યું હતું. ફક્ત ડીસેમ્બર માસમાં જ ૪ લાખ કારનું વેચાણ થયું છે. જે ૨૦૧૮માં ૩.૮૨ લાખ કાર વેચાઈ હતી તેનો રેકોર્ડ તોડી ચૂક્યું છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજા પણ હવે એસયુવી કાર તરફ વધી રહી છે. રૂ. ૧૦ લાખ કે તેથી વધુ કિંમતની કારનું સૌરાષ્ટ્રવાસીઓને પણ ઘેલું લાગ્યું છે. સૌરાષ્ટ્રમાં રૂ. ૧૦ લાખ કે તેથી વધુ કિંમતની કારના વેચાણમાં આશરે ૪૦% થી ૫૦% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
રૂ. ૧૦ લાખથી વધુની કારના વેચાણમાં આશરે ૪૦% થી ૫૦% સુધીનો ઉછાળો: સાગર ગોંડલીયા (પરીન ટાટા મોટર્સ)
પરીન ટાટા મોટર્સના ટીમ લીડર સાગર ગોંડલીયાએ અબતક મીડિયાને જણાવે છે કે છે, ૨૦૨૨માં વેચાણ સારામાં સારું રહ્યું છે. હાલ લોકો કારમાં સુરક્ષા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ટાટાની તમામ પ્રીમિયમ એસયુવીમાં ફાઇવસ્ટાર સુધીની સેફ્ટી રેટિંગ આપવામાં આવે છે. દસ લાખથી ઉપરની એસયુવી કારનું વેચાણ વર્ષ ૨૦૨૨માં ખૂબ વધારે રહ્યું છે. જેમનું બજેટ રૂ. ૧૦ લાખથી ઉપર છે તેમને એસયુવીકાર ખરીદવામાં વધારે રસ પડે છે. ટાટા કંપની દસ લાખથી ઉપરની રેન્જમાં પ્રીમિયમ એસયુવી કાર આપી રહી છે. જેમાં ટાટા નેક્સોન, સફારી, હેરિયર વગેરેનો સમાવેશ થાય છે.
ટાટા મોટર્સ તેમના ગ્રાહકોને બેસ્ટ ફીચર્સ આપવાનો આગ્રહ રાખે છે જેના ભાગરૂપે જ રૂ. ૪૦ લાખની કારમાં જે ફીચર્સ આવે છે તેવા જ ફીચર્સ ટાટા મોટર્સ પોતાની હેરિયર કારમાં પણ ફીચર્સ આપ્યા છે. જેમાં હાર્મન મ્યુઝિક સિસ્ટમ, લેધર સીટ્સ, વેન્ટિલેટેડ સીટ્સ વગેરે જેવા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં રૂ. ૧૦ લાખ કે તેથી વધુની કારના વેચાણમાં આશરે ૪૦% થી ૫૦% સુધીનો ઉછાળો નોંધાયો છે તેવું કહી શકાય છે.
અદ્યતન ફીચર્સ પ્રીમિયમ કાર પ્રત્યે આકર્ષકનું કેન્દ્ર : ચેતન વિરડીયા (મારુતિ સુઝુકી)
અબતક સાથેની વાતચીતમાં મારુતિ સુઝુકી નેકસાના સેલ્સ મેનેજર ચેતન વિરડીયાએ જણાવ્યું હતું કે, ૨૦૨૧ની સરખામણીમાં વર્ષ ૨૦૨૨માં માર્કેટ ઘણું સારું રહ્યું છે અને ઘણા નવા મોડલો પણ બજારમાં ઉપલબ્ધ થયા છે. જેના કારણે ગ્રાહકોને પસંગી કરવી સરળ થઈ ચુકી છે,જેના કારણે ડિમાન્ડ પણ વધી રહી છે. આ સમયમાં લોકો પ્રીમિયમ સેગમેન્ટને વધારે પસંદ રહ્યા છે. મારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારા, બ્રેઝા, ડિઝાયર, બલેનો વગેરે મોડેલની ડિમાન્ડ વધી રહી છે. અમારી પ્રીમીયમ સેગમેન્ટની કાર ગ્રેન્ડ વીટારામાં ૩૬૦ ડીગ્રી કેમેરા, એડ ઓફ ડિસ્પ્લે, સનરુફ જેવા ઘણા બધા ફીચર્સ આપીએ છીએ. સામાન્ય સેગમેન્ટ કરતા પ્રીમિયમ સેગમેન્ટ પર જવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. હાલ ૩૬૦ ડિગ્રી કેમેરા તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે.
કારની ખરીદીમાં લોકો સુરક્ષા પ્રત્યે વધુ જાગૃત થયા : શ્યામ રાયચુરા (આન હોન્ડા)
આન હોન્ડાના મેનેજિંગ ડિરેકટર શ્યામભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે,લોકો સેફટી સાથે ટેકનોલોજી તથા સારા ફીચર્સ વાળી કાર ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. ૧૦ લાખ તથા તેનાથી વધુની કિંમત વાળી કાર ખરીદનાર ગ્રાહકોનો રેશિયો ૨૫ ટકા જોવા મળે છે. આન હોન્ડાની સેડાન અને અમેઝ પ્રિયમ સેગમેન્ટની કાર છે.
ગ્રાહકોની ખરીદી માટેની પહેલી પસંદ આ બંને મોડલ વધુ રહેતી હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ લોકો સુરક્ષા બાબતે વધુ સજાગ થયા છે તેના લીધે પ્રીમિયમ કારની ખરીદી વધી રહી છે. સુરક્ષાની સાથે લોકોને આકર્ષક ફીચર્સ પણ વધુ ગમતા હોય છે તે દિશામાં ગ્રાહકો વધુ જાગૃત થયા છે.
મધ્યમ વર્ગના લોકો પણ રૂ. ૧૦ લાખથી વધુની કિંમતની કાર ખરીદતા થયા : મુળુંભાઈ ચૌહાણ (પટેલ ઓટોકેર)
સેકન્ડ કારના વેચાણ સાથે જોડાયેલા અને સૌરાષ્ટ્રમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતા પટેલ ઓટોકેરના મુળુભાઈ ચૌહાણે અબતક મીડિયાને જણાવ્યું છે કે, અમારી પેઢી છેલ્લા ૩૫ વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલી છે. અમે ફક્ત કમિશનથી કામ કરીએ છીએ. અમારે ત્યાં રૂ. ૧ લાખથી માંડી ૧૫ લાખ સુધીની અને તેનાથી પણ વધુ રેન્જની ગાડીઓ હોય છે.
દરેક ગ્રાહક પોતાની રીતે સમજણ અને અનુકૂળતા પ્રમાણે ગાડીઓ ચેક કરતા હોય છે અને ત્યારબાદ ગાડીની ખરીદી કરતા હોય છે. હાલના સમયમાં સામાન્ય માણસને પણ ગાડીની જરૂરિયાત ઊભી થાતી જ હોય છે કારણ કે હવે આ યુગમાં કોઈને પણ કાર વગર ચાલતું નથી. સામાન્ય નોકરીયાત માણસ હોય તો એ દોઢ લાખ સુધીની કાર ખરીદતો હોય છે. મધ્યમ વર્ગના લોકો હવે ૧૦ થી ૧૨ લાખ સુધીની ગાડી પણ ખરીદ કરી રહ્યા છે.