- ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એન્ડ સીડ્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા મળી
મોટી માત્રામાં વાવેતર થયા બાદ વાતાવરણની અનુકૂળતાને લીધે રાજ્યમાં નવી સિઝન દરમિયાન મગફળીનું ઉત્પાદન 40.56 લાખ ટનનું રહેશે. તેવો અંદાજો ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડસ એસોસિએશનની બેઠક ગોંડલ ખાતે મુકાયો હતો. મગફળીનો આ અંદાજો રેકોર્ડબ્રેક હશે. એટલે આ વર્ષે યાર્ડમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક થવાની છે. સંસ્થાની પ્રથમ જ સામાન્ય સભામાં સિંગદાળાના ઉત્પાદકો, વેપારીઓ, તેલ મિલરો અને અન્ય દલાલો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત વર્ષમાં 30થી 32 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવા પામ્યું હતું. જે ચાલુ વર્ષે વધીને ખૂબ મોટું ઉત્પાદન થાય તેવી ધારણા છે. કપાસનો વિસ્તાર પણ મગફળીને મળતા ખેડૂતો આ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન મેળવવાના છે. મગફળીના વધતાં ઉત્પાદનની સાથે સિંગતેલના ઉત્પાદનમાં પણ મોટો વધારો થશે. ત્યારે તેનો નિકાલ સરળતાથી થાય તે હેતુથી સિંગદાળા અને સિંગતેલના પોષક તત્વો વિશે જાગૃત્તિ ફેલાવવા માટે ઝુંબેશ ચલાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આગળ આવવું જોઇએ. તેવી ચર્ચા-વિચારણાંઓ પણ આ સામાન્ય સભામાં કરવામાં આવી હતી.
સરકારે તાજેતરમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીની જાહેરાત કરી છે પણ તેની સામે અફસોસ વ્યક્ત કરતા સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે ભાવાંતર યોજના જેવી યોજના ગુજરાતમાં પણ ચાલુ કરવી જોઇએ. આ મુદ્ે અમારા તરફથી પણ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ સમીરભાઇ શાહ, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, મહુવા યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ, વિસાવદર યાર્ડના ચેરમેન વિનુભાઇ હાપાણી તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતનાઓ હાજર રહ્યા હતા.
સિંગતેલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે કોઇ જ ભેળસેળ થતી નથી: સમીરભાઇ શાહ
ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એન્ડ સીડસ એસોસિએશનના પ્રમુખ સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે ગત વર્ષની તુલના કરતા આ વર્ષે મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનું છે ત્યારે મગફળીના વધતાં ઉત્પાદનની સાથે સિંગતેલના ઉત્પાદનમાં પણ મોટો વધારો થશે. સિંગતેલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે એકપણ પ્રકારની ભેળસેળ થતી નથી અને આ વાત સમીરની ગેરેન્ટી છે. અત્યાર સુધી ઓઇલ મિલર્સ પ્રત્યે જે પ્રકારનું વર્ણન દાખવવામાં આવ્યું છે. તે અયોગ્ય છે. આ ઉપરાંત સિંગદાળા અને સિંગતેલમાં ભારોભાર પોષત તત્વો હોય છે. પ્રોટીન ઉપરાંત કેલ્શિયમ, વિટામીન પણ હોય છે અને કેન્સર જેવી બિમારી સામે લડવાની તાકાત પણ હોય છે. સિંગખોળના ભાવ નીચે છે એટલે સિંગતેલના ભાવ નવી સિઝનમાં ખાસ ઘટી શકશે નહિં. ગુજરાતના પશુ પાલકોને કપાસિયા ખોળ સાથે સિંગતેલ પણ વાપરવા માટે મારો અનુરોધ છે. સિંગખોળમાં પ્રોટીનનું પ્રમાણ 60 ટકા જેટલું છે અને સિંગદાળા અને સિંગતેલના પોષક દ્રવ્યો વિશેષ જાગૃત્તિ ચલાવવા માટે અને ઝુંબેશ ચલાવવા કેન્દ્ર-રાજ્ય સરકારને મારો અનુરોધ છે.
યાર્ડમાં મગફળીની ખરીદી મોટાપાયે થાય તેવી સુવિધા પુરી પાડવાની બાહેંધરી આપતા અલ્પેશ ઢોલરીયા
ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ગોંડલ સૌથી મોટું યાર્ડ છે. એપીએમસીમાં મગફળી પુષ્કળ પ્રમાણમાં આવે છે ત્યારે આ વર્ષે તો મગફળીની મબલખ આવક થવાની હોય, હું બાહેંધરી આપું છું કે એપીએમસીમાં મગફળીની ખરીદી મોટા પ્રમાણમાં થાય તે માટે ખૂટતું બધું કરવા હું તત્પર છું. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે ફક્ત રાજ્ય સરકાર જ નહિં પરંતુ તેલ મિલરો અને તેલ ઉત્પાદકો પણ સિંગતેલ શું કામે ખાવું જોઇએ તે માટેની જાગૃત્તિ લાવવા અભિયાનો શરૂ કરે, માર્કેટીંગ કરે, જેથી લોકોમાં સિંગતેલની સાચી વાત સામે આવે. આ ઉપરાંત ખેડૂતોને લગતા મગફળીના સેમિનારો કરવા માટે પણ અમારી તૈયારી છે અને આ માટે ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એન્ડ સીડસ એસોસિએશનની સાથે હર હમેંશ હું ઉભો છું.