ગુજકોટ, નાફેડ અને વેરહાઉસનો ૫ અધિકારીઓનું એક જ રટણ, અમે કાંઈ નથી જાણતા
સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડમાં જેતપુર નજીક બે ગોડાઉનમાં મગફળીના જથ્થામાં માટી અને પથ્થરોની ભેળસેળ કરાતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.. મગફળી કૌભાંડમાં મગફળીમાં માટી અને પથ્થરોની ભેળસેળ કરનાર મજુરોના જેતપુર પોલીસે નિવેદન લેતા ચોંકાવનારી વિગતો ખુલી હતી. મજુરોના જણાવ્યા મુજબ જેતપુર પાસે એક ગોડાઉન નહિ પણ બે ગોડાઉનોમાં મગફળીના જથ્થામાં માટી અને પથ્થરોની ભેળસેળ કરાતી હતી. જેતપુર નજીક રબારીકા ગામે પણ ગોડાઉનમાં મગફળીના જથ્થામાં ભેળસેળ કરાતી હતી.
જો કે ત્યાં માથાકુટ થતા ૮ દિવસ બાદ આ ગોડાઉન બંધ કરી દેવાયું હતું અને હાલ જેતપુર પાસે બંધ પડેલ મીલના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં ભેળસેળ કરાતી હતી. આ બંન્ને ગોડાઉનો અગાઉ પકડાઇ ગયેલ વિક્રમ દેવાભાઇ લાખાણી (રહે. લાખોદરા) તથા જીતુ બચુભાઇ (રહે. માળીયા મિયાણા)એ ભાડે રાખ્યા હતા. પોલીસે મજુરો ઉપરાંત મગફળીની હેરફેર કરનાર ટ્રક ડ્રાઇવરોના પણ નિવેદનો લીધા હતા. ટ્રક ડ્રાઇવરોએ મોટી ધાણેજ મંડળી દ્વારા ખરીદ કરાયેલ સારી મગફળી ક્રાંતી ઓઇલ મીલમાં ઠાલવતા હોવાની અને ત્યાંથી ખાલી ફેરો લઇ જેતપુર નજીકના ગોડાઉનમાં ભેળસેળયુકત મગફળી જેતપુરના વેપારી વિશાલની સુચનાથી લઇ જઇ ગુજકોટના ગોડાઉનમાં ઠાલવતા હોવાની કેફીયત આપી હતી.
મગફળી ની બોરીમાં ભેળસેળ કરેલ પથ્થરો પણ માળીયા હતી થી મંગાવામાં આવેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું પોલીસે ટ્રક ડ્રાઈવરો ના લેવાયેલ નિવેદનો માં ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી હતી જેમાં મગફળીમાં ભેળસેળ કરવા માટે ચાર ટ્રક પથ્થર ભરેલ મંગાવામાં આવેલ હતા જે બે અલગ અલગ ગોડાઉન જેમાં બે ડમ્પર પથ્થર ધારેશ્વર ખાતે આવેલ ક્રિષ્ના પ્રેસિંગ ના ગોડાઉન માં તેમજ બે પથ્થર ભરેલ ટ્રક રબારીકા રોડ પર આવેલ વિનોદભાઈ ભાદાભાઈ પાદરીયા ના ગોડાઉન માં ઠાલવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પર ટ્રક ડ્રાઈવર ને લઇ પંચ રોજકામ કરવામાં આવેલ હતું જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડે ગુજકોટ, નાફેડ અને વેર હાઉસના પાંચ અધિકારીઓ મહેન્દ્ર દવે (વેર હાઉસ) મનોજ જોષી (વેર હાઉસ) એન.એમ.શર્મા (ગુજકોટ) દેવી પ્રસાદ મિશ્રા (ગુજકોટ) અને સુધીર મલહોત્રા (નાફેડ) ના નિવેદનો નોંધ્યા હતા. આ તમામે પોતે નિર્દોષ હોવાનું અને કઇ ન જાણતા હોવાનો કક્કો ઘુટયો હતો. પોલીસે આ તમામ અધિકારીઓને તેની ફરજમાં શું આવે છે? તે અંગેની માહીતી મેળવી હતી અને જો તેમાં બેદરકારી બહાર આવશે તો આગળની કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું.