જીઆઈડીસીના ગોડાઉનમાં રખાયેલા જીરાના સ્ટોક પર રૂ.૨.૫૦ કરોડ લોન મેળવી રૂ.૧.૪૦ કરોડની કિંમતનું ૪૦૦ ગુણી જીરૂ બારોબાર વેંચી નખાયું
રાજકોટ, જસદણ અને સુરતના શખ્સો સામે નોંધાતો ગુનો
સરકાર દ્વારા મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરી ગોડાઉનમાં રખાયા બાદ મગફળીનો સ્ટોક સગેવગે કરી આગ ચાંપી કરોડોના કૌભાંડના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ભેદી રીતે લાગેલી આગની પોલીસ દ્વારા છાનબીન ચાલી રહી છે ત્યાં જ ગોંડલ તાલુકાના જામવાડી નજીક ગોડાઉનમાં રખાયેલા જીનો સ્ટોક પર રૂ.૨.૫૦ કરોડની લોન મેળવી ગોડાઉનમાંથી રૂ.૧.૪૦ કરોડની કિંમતનું ૪૦૦ ગુણી જીરૂ સગેવગે કરી નાખ્યા અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસે રાજકોટ, જસદણ અને સુરતના છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ આવેલ પાવન પાર્ક-૨માં રહેતા અને જામવાડી ખાતેના સ્ટાર એગ્રી વેરહાઉસીંગ એન્ડ કોલેટરોલના મેનેજર સુદેશ રમેશભાઈ શર્માએ જસદણના કલ્પેશ જેન્તી વઘાસીયા, સુરતના પ્રવિણ દલસુખ પંચાલ, રૂષીત ભુપત દેશાઈ, ભુપત કેશા દેસાઈ અને રાજકોટના ભાવિન કૈલાશપરી ગોસાઈ સામે પૂર્વયોજીત કાવતરુ રચી ગોડાઉનમાંથી રૂ.૧.૪૦ કરોડની કિંમતનું ૪૦૦ ગુણી જીરૂ ચોરી કરી બારોબાર વેંચી નાખ્યા અંગેની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ રૂરલ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ જે.એમ.ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
ગોંડલ તાલુકાના જામવાડી જીઆઈડીસી ખાતે જેન્તીભાઈ ગોવિંદભાઈ સાટોડીયાનું ગોડાઉન ભાડે રાખી ગોડાઉનમાં જીરૂનો સ્ટોક રાખી સ્ટાર એગ્રીના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કલ્પેશ વઘાસીયા અને પ્રવિણ પંચાલે જીરૂ સારી કવોલીટીનું હોવા અંગેની પ્રમાણીત કરાવ્યા બાદ જીરૂ અંગેની તમામ પ્રકારની જવાબદારી તેઓની હોવા છતાં ભાવેશ ગોસાઈ સાથે મળી જીરૂના સેમ્પલ ગોંડલની લેબોરેટરીના સીઆઈએસ રિપોર્ટ ખોટા તૈયાર કરાવી મુંબઈ ખાતેની ઓફિસને મોકલી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જીરૂના સ્ટોક પર જસદણ અને ગોંડલ એકસીસ બેંકની બ્રાન્ચમાંથી રૂ.૨.૫૦ કરોડની લોન મેળવી લીધી હતી.
લોન મેળવ્યા બાદ પાંચેય શખ્સોએ કાવતરુ રચી જીરૂના બાચકામાં ભુસુ ભરી સારી કવોલીટીનું જી બારોબાર વેંચી નાખી રૂ.૧.૪૦ કરોડનું કૌભાંડ આચર્યા અંગેનું ફરિયાદમાં જણાવ્યું છે.
મગફળીકાંડ જેવું જ જામવાડી જીઆઈડીસીના ગોડાઉનમાં જીરૂ કૌભાંડ આચરવામાં આવ્યા અંગેનું જિલ્લા પોલીસવડા બલરામ મીણાના ધ્યાનમાં આવતા સમગ્ર કૌભાંડની ઉંડી તપાસ કરી એલસીબીને સોંપી હતી. એલસીબી પીઆઈ જે.એમ.ચાવડાએ કલ્પેશ વઘાસીયા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી ત્રણ શખ્સોની અટકાયત કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.