ચાલુ વર્ષે 10 થી 12 આની જેટલો વરસાદ વરસ્યો: રાજ્યમાં ખરીફ પાકનું સરેરાશ 99.67 ટકા જેટલું વાવેતર
રાજ્યમાં જૂન-જુલાઇ મહિનામાં ભરપૂર વરસાદ બાદ મેઘરાજાએ લગભગ દોઢ મહિનો વિરામ લેતા ખરીફ પાકના વાવેતર ઉપર પણ તેની સામાન્ય અસર થઇ છે. જો કે 2023ની ખરીફ સિઝનનું સરેરાશ વાવેતર લગભગ 100 ટકા થઇ ગયું છે પરંતુ અનેક પાક એવા છે જેના વાવેતર વિસ્તારમાં ભારે ઘટાડો નોંધાયો છે. સિઝનમાં સરેરાશ વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધીનું મગફળીનું 86 ટકા જેટલું વાવેતર થયું છે. અને કપાસ-મગફળીના પાકને હજુ એક વરસાદની તાતી જરૂરિયાત છે તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞ ડો. જી.આર.ગોહિલે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લે જે વરસાદ થયો છે તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સમાન છે. હાલ ઓરવેલી સિવાયની જે મગફળી અને કપાસ છે તેમાં પાણીની ખાસી જરૂરિયાત છે. જુલાઈ મહિના બાદ દોઢ મહિનામાં વરસાદ ન વરશ્યો જેને લઈને ઘણા એવા વિસ્તાર છે કે, ત્યાં મગફળી-કપાસમાં નુકશાન થયું છે. ચાલુ વર્ષે 16 આનીમાં વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે હાલ 10 થી 12 આની જ વરસાદ થયો છે. કપાસની વાત કરવામાં આવે તો, મોટાભાગના ખેતરો એવા છે કે ત્યાં ચોથો કપાસનો ભાગ બળી ગયો છે. બીજીબાજુ જે ટૂંકા ગાળાના પાકો છે તેમાં ખુબ જ ફાયદો થયો છે.
કૃષિ વિભાગના આંકડા મુજબ 25 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ખરીફ ઋતુનું સરેરાશ 99.67 ટકા જેટલું વાવેતર નોંધાયું છે. તેમાં મગફળીનું છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર સામાન્ય રીતે 18.94 લાખ હેક્ટરનું થતું હોય છે તેની સામે હાલ 16.35 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે. ગત વર્ષે 17.09 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું તેના કરતા 73 હજાર હેક્ટર વિસ્તારમાં આ વખતે મગફળીનું વાવેતર ઓછુ થયું છે. તેવી જ રીતે જુવારનું વાવેતર સામાન્ય સામે 78.90 ટકા થયું છે. સામાન્ય વાવેતર 24,937 હેક્ટર વિસ્તારમાં થતું હોય છે તેની સામે હાલનું વાવેતર 19,676 હેક્ટરમાં છે. મગનું સરેરાશ વાવેતર 91,149 હેક્ટર વિસ્તારમાં થતું હોય છે તેની સામે આ વખતે 64,616 હેક્ટર વિસ્તારમાં થયું છે.
તલના વાવેતરમાં પણ આ વખતે નોંધપાત્ર ઘટાડો છે. તે મુજબ સરેરાશ 1.07 લાખ હેક્ટર વાવેતર સામે ચાલુ વર્ષે 58,205 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જે ફક્ત 54 ટકા છે. તો ગત વર્ષ કરતા પણ 14 હજાર હેક્ટરમાં ઓછું કરાયું છે. હાલ ખરીફ સિઝનનું વાવેતર થયું છે તે ત્રણ વર્ષની સરેરાશ કરતા 28 હજાર હેક્ટર વિસ્તારમાં ઓછું છે.