રાજયભરમાંથી ટેકાના ભાવે રૂ.૪૬૦૯ કરોડની મગફળી ખરીદાઈ, તેમાંથી ૨૦૦૦ કરોડની મગફળી વેચાઈ ગઈ તો તેમાં રૂ.૪૦૦૦ કરોડનું કૌભાંડ કઈ રીતે થયુ ?: વિપક્ષી નેતાને નિવેદન આપતા પૂર્વે આંકડાકીય માહિતી મેળવવાની સલાહ આપતા પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયા
મગફળીની ગુણીના વજનમાં ચેનચાળા કરાવીને જામજોધપુર મંડળીને બદનામ કરવાનો પ્રયાસ, ગેરરીતિ ન થઈ હોવાના તમામ આધાર-પુરાવાઓ ઉપલબ્ધ
તાજેતરમાં જ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડનું કૌભાંડ થયું હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આ નિવેદન પાયા વિહોણુ હોવાનું જણાવ્યું છે.
ઉપરાંત તેઓએ કહ્યું કે, રાજયભરમાંથી ટેકાના ભાવે રૂ.૪૬૦૯ કરોડની મગફળીની ખરીદી થઈ છે. તેમાંથી ૨૦૦૦ કરોડની મગફળી વેચાઈ ગઈ છે તો તેમાં રૂ.૪૦૦૦ કરોડનું કૌભાંડ કઈ રીતે શકય છે ? વધુમાં તેઓએ વિપક્ષી નેતાને નિવેદન આપતા પૂર્વે આંકડાકીય માહિતી મેળવવાની સલાહ આપી છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધારેલા કૃષિ અને ઉર્જા વિભાગના કેબીનેટ કક્ષાના પૂર્વ મંત્રી તેમજ જામજોધપુર સહકારી મંડળીના પ્રમુખ ચિમનભાઈ સાપરીયા જણાવ્યું હતું કે, રાજયમાં ૨૦૧૬-૧૭ દરમિયાન ૨ લાખ મેટ્રીક ટન મગફળીની રૂ.૮૮૯ કરોડમાં ખરીદી કરાઈ હતી. બાદમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૫ લાખ મેટ્રીક ટન મગફળીની રૂ.૩૭૨૦ કરોડમાં ખરીદી કરાઈ છે.
ટેકાના ભાવે કરાયેલી મગફળીની ખરીદીમાં મુખ્ય એજન્સી તરીકે નાફેડ છે. જયારે સેક્ધડ નોડલ એજન્સીની નિમણૂંક નાફેડ દ્વારા આપવામાં આવી છે. મગફળીની ગુણવત્તા અને વજન સહિતના તમામ પાસા નાફેડ તેમજ સેકન્ડ નોડલ એજન્સીના અધિકારીની હાજરીમાં થાય છે.
તાજેતરમાં વિપક્ષી નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની પ્રક્રિયામાં રૂ.૪૦૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ નિવેદન સંપૂર્ણ પાયા વિહોણું છે. કુલ રૂ.૪૬૦૯ કરોડની મગફળીની ખરીદી થઈ છે. સામે ૨૦૦૦ કરોડની મગફળી વેચાઈ પણ ગઈ છે. તો તેમાં રૂ.૪૦૦૦ કરોડનું કૌભાંડ કઈ રીતે શકય છે.
વધુમાં ચિમનભાઈ સાપરીયાએ કહ્યું કે, વિપક્ષી નેતાએ કોઈ પણ નિવેદન આપતા પૂર્વે આંકડાકીય માહિતી મેળવી લેવી જોઈએ. આ ઉપરાંત જયાં કયાંય પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ત્યાં રાજય સરકારે કડક પગલા ભર્યા છે. માળીયાની કોંગ્રેસ પ્રેરીત મંડળી દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર બદલ ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સાપરીયાએ વધુમાં ઉમેર્યું કે, જામજોધપુર સહકારી મંડળીને બદનામ કરવા માટે કેટલાક તત્ત્વોએ કાવતરુ રચી ધારાસભ્યની હાજરીમાં મગફળીની ગુણીનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૬૦ થી ૭૦ ગુણીનો જથ્થો ચેક કરવામાં આવ્યો હતો. આ સમયે પ્લેટફોર્મ પર અંદાજે ૧૫ થી ૨૦ હજાર ગુણીનો જથ્થો ઉપલબ્ધ હતો.
૫૦ થી ૬૦ જેટલી ગુણી પૈકી ૫ થી ૭ ગુણીમાં વજન ઓછો મળ્યો હતો. આ ગુણીમાંથી તત્ત્વો દ્વારા પૂર્વાયોજીત કાવતરું રચીને જ વજન ઓછો કરવામાં આવ્યો હતો. સહકારી મંડળી દ્વારા મગફળી ખરીદીમાં તોલાઈ તાથા ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેના એગ્રીમેન્ટ મુજબ વજન ઘટની જવાબદારી કોન્ટ્રાકટરની થાય છે. જેથી જામજોધપુર સહકારી મંડળી ઉપર કોઈપણ જાતના આક્ષેપ કરવા યોગ્ય નથી.
વધુમાં જામજોધપુર સહકારી મંડળીની ૭૮ હજાર ગુણી મગફળી જે પેઢલા-૨ ગોડાઉનમાં પડી હતી તેનું તાજેતરમાં વેંચાણ કરવામાં આવ્યું હતું. આ વેંચાણ દરમિયાન ૧૦૦ ગુણી જેટલો વજન વધારો નિકળ્યો હતો. આ વધારો ભેદના કારણે થયો હતો.
જેનાથી પુરવાર થાય છે કે, જામજોધપુર સહકારી મંડળી દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી. આ ઉપરાંત વિપક્ષી નેતાએ તો જામજોધપુર સહકારી મંડળીની મગફળીની ગુણીમાંથી ધુળ અને કાંકરા જેવો કચરો નિકળ્યો હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જયારે પંચરોજકામમાં માત્ર મગફળીની ગુણીમાં વજન જ ઓછો હોવાનું ફલીત થયું છે.
જામજોધપુર મંડળીને બદનામ કરવાના ષડયંત્ર સામે કાનૂની કાર્યવાહીની તૈયારી
ચિમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે જામજોધપુર સહકારી મંડળીની ૭૦મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં મંડળીને બદનામ કરવાનું જે ષડયંત્ર રચાયું હતું તેની સામે ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો હતો. ખેડૂતોએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો કે, મંડળીને દાગ લગાડવાના ષડયંત્ર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ચિમનભાઈ સાપરીયાએ વધુમાં ઉમેર્યું કે, લીગલ એડવાઈઝરની સલાહ લઈને મંડળી દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.