‘શક સંવત’ આપણું રાષ્ટ્રીય કેલેન્ડર છે
ભારતની વાત કરીએ તો આપણે ત્યાં કેલેન્ડરને પંચાંગ કહેવામાં આવે છે.
પંચાંગ એટલે સમય ગણનાના પાંચ અંગ. જેવા કે વાર, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણ. હિંદુ પંચાંગ અનુસાર ધાર્મિક તહેવારો ગણેશ ચતુર્થી, વસંત પંચમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રી, રક્ષાબંધન, પોંગલ, ઓણમ, રથયાત્રા, નવરાત્રી, રામનવમી, દુર્ગા પૂજા, લક્ષ્મી પૂજા તેમજ દીપાવલી વગેરે મનાવાય છે.
ભારતમાં 50 જેટલા પંચાંગ છે. જેવા કે હિજરી સંવત, વિક્રમ સંવત, શક સંવત, વીર નિર્વાણ સંવત, બૌદ્ધ સંવત, ખાલસા સંવત, બાંગ્લા સંવત, તમિલ સંવત, મલયાલમ સંવત, તેલુગુ સંવત વગેરે. અલગ અલગ ધર્મ,જાતિ કે પ્રદેશ પ્રમાણે પંચાગ નો ઉપયોગ કરવામાં આવે છે. આમાંથી ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર “શક સંવત” છે.શક સંવત ને શાલીવાહન શક સંવત ના રૂપમાં ઓળખાય છે. કહેવાય છે કે શક સમ્રાટ કનિષ્કએ ઈ.સ.78 થી શક સવંત શરૂ કર્યું હતું.
સ્વતંત્રતા પછી ભારત સરકારે શક સંવત માં મામૂલી ફેરફાર કરીને 22 માર્ચ 1957 ના દિવસે શક સવંતને રાષ્ટ્રીય કેલેન્ડર (પંચાગ) ના રૂપમાં માન્યતા આપી હતી. તેથી શક સંવત નું નવું વર્ષ 22 માર્ચના દિવસે હોય છે. અત્યારે શક સંવત 1944 ચાલે છે. ભારતમાં સૌથી પહેલા બનેલા કેલેન્ડરનું નામ વિક્રમ સવંત હતું. જે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના નામ પરથી પડ્યું હતું. આ વિક્રમ સંવત કેલેન્ડર ઈસુના કેલેન્ડર થી 57 વર્ષ આગળ ચાલે છે. અત્યારે વિક્રમ સંવત 2079 ચાલે છે.