જાણીતા સેવાભાવી સર્જન ડો. રોહિત ગજેરાની વતન તણસવામાં સરાહનીય કામગીરી

આજે સમગ્ર દેશમાં કોરોનાને કારણે મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓનાં વેઈટીંગ બોલી રહ્યા છે. અને લાખો રૂપીયા આપવા છતાં કોરોનાની સારવાર મળતી નથી આવા સમય નામાંકિત ડોકટરોની વિઝીટ લેવાની વાત તો દૂર રહી પણ મોબાઈલ ઉપર વાત કરવી પણ દુલર્ભ બની ગઈ છે. ત્યારે ઉપલેટા શહેરમાં એક અલગ માટીના અને માનવતા વાદી ડોકટરમાં જેનું પ્રથમ નામ આવે છે. તેવા ડો. રોહિત ગજેરા પોતાની લાખો રૂપીયાની પ્રેકટીશ જતી કરી પાતેના વતન તણસવા ગામે દરરોજ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે.

શહેર અને તાલુકામાં કોરોના બિમારીને કારણે છેલ્લા એક માસમાં 450 કરતા વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. તેમાં મોટાભાગના દર્દીઓ સારવારના અભાવે મોત થતા સમગ્ર શહેર તાલુકાની જનતા મોત સામે જ ઝઝુમી રહી છે.શહરેનાં મોટાભાગના દવાખાનાઓ માં પગ મુકવાની જગ્યા નથી ત્યારે શહેરના વિશ્ર્વાસ હોસ્પિટલના સેવા ભાવી જાણીતા સર્જન ડો.રોહિત ગજેરા પોતાના વતન તણસવા ગામે દરરોજ બપોર બાદ જઈ ગામની સ્કુલના ગ્રાઉન્ડમાં સામાન્ય માણસની જેમ ટેબલ નાખી ત્રણ કલાક પોતાની ટીમ સાથે વિના મૂલ્ય સેવા આપી રહ્યા છે. દરરોજ 50 થી 60 દર્દીઓને કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓને પોતાના જીવના જોખમે સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત પોતાના ગામનાં લોકોને બહાર ગામમાંથી સારવાર લેવા જવી ન પડે તે માટે ગામની અંદર 10 જેટલા બેડ ઓકિસજનના બાટલા સાથે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત દવા અને ઈન્જેકશન પણ વિનામૂલ્યે આપી દર્દીઓને ખર્ચમાંથી ઉગારી લ્યે છે. આવા કપરા સમયમાં માદરે વતનનું રૂણ અદા કરવા ઉનાળાનાં આકરા તાપમાં ખૂલ્લા સ્કુલનાં મેદાનમાં સતત સાંજ સુધી બેસી સેવા ભાવી સર્જન ડો. રોહિત ગજેરાને ખરા અર્થમાં સો-સો સલામ છે. આ સાથે તણસવા ગામના અને હાલ જૂનાગઢ ડો. કિશોર ગજેર, વડોદરાથી મુકેશભાઈ ગજેરા પણ સેવા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.