- કેમિકલ લીકેજથી આગ લાગી, જિલ્લાની ટીમો દોડી આવી, કેમિકલ વોશ આઉટ કરાયું, રાજકોટ ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ કાબુમાં લીધી: અંતે મોકડ્રીલ હોવાનું ખુલ્યું
રાજકોટ જિલ્લામાં હીરાસર પાસે આવેલી બામણબોર જી.આઈ.ડી.સી.માં ગ્રીનપ્લાય ફેક્ટરીમાં આજે સવારે ટેન્કરમાંથી જોખમી કેમિકલ લિકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન નજીકમાં વેલ્ડીંગના કારણે પ્લાયના જથ્થામાં વિકરાળ આગ ભભૂકી હતી. જેના કારણે ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, તેમજ જિલ્લા ઉદ્યોગ સલામતી અને આરોગ્ય ખાતા સહિતની ટીમો દોડતી થઈ ગઈ હતી. દરમિયાન આગ કાબુમાં ના આવતા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને બામણબોર બોલાવાઈ હતી. આખરે સંયુક્ત કવાયત પછી આગને કાબુમાં લેવામાં આવી હતી. દરમિયાન ધુમાડાના કારણે બે વ્યક્તિને ગુંગળામણ થતા એમ્બ્યુલન્સ મારફત સારવામાં ખસેડવામાં આવી હતી. આખરે આ કવાયત મોક ડ્રીલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટના બામણબોરમાં આજે સવારે 11 વાગ્યાના સુમારે એક ટેન્કર આવ્યું ત્યારે તેમાંથી અચાનક જ જોખમી કેમિકલ લીક થવાનું શરૂ થયું હતું. કંપનીના કર્મચારીઓ આ કેમિકલને પાણીથી વોશઆઉટ કરે તે પહેલા જ નજીકમાં પડેલા લાકડાના જથ્થામાં આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે કંપનીના કર્મચારીઓ ફાયર એક્સિ્ંટગ્વીશર સાથે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ઇમરજન્સી 108ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની બે ટીમ, પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ જિલ્લા ઉદ્યોગ સલામતી અને આરોગ્ય ખાતાની ટીમો તેમજ અન્ય વિભાગની ટીમો દોડતી આવી હતી.
એક તરફ આગને કાબુમાં લેવાની કવાયત ચાલુ હતી, તે દરમિયાન બે વ્યક્તિ ધુમાડાના કારણે ગુંગળાઈને ઢળી પડી હતી. આથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન પોલીસે આવીને ભીડને નિયંત્રિત કરી હતી.
કંપનીના કર્મચારીઓ દ્વારા અગ્નિ શમનના પ્રયાસો છતાં આગ કાબુમાં ન આવતાં આખરે રાજકોટ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. એ પછી રાજકોટની ફાયર બ્રિગેડની ટીમે આવીને આગને કાબુમાં લીધી હતી. આખરે મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
આ તકે રાજકોટ પ્રાંત – 2 અધિકારી આસિ. કલેકટર નિશા ચૌધરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર એમ. ડી. દવે, રાજકોટ ગ્રામ્ય મામલતદાર કિર્તીકુમાર મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયુ છે.