પાર્કિંગમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરતું મહાપાલિકા: બાંધકામ મટીરીયલ સ્ટોકના ૨૫ ડમ્પરોનું દબાણ પણ હટાવાયું
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની સુચના બાદ આજથી કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દુર કરવા માટે ઝુંબેશ શરૂકરવામાં આવી છે.
જે અંતર્ગત આજે ગ્રીનલેન્ડ ચોકડી અને ગોંડલ રોડ ચોકડી પરથી ૧૦૮ છાપરા, કેબિન અને ઓટાનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો અને અંદાજે ૨.૫૦ લાખની કિંમતનું બાંધકામ મટીરીયલ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે ટીપી શાખા દ્વારા શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી અને વેસ્ટ ઝોન વિસ્તારમાં ગોંડલ રોડ ચોકડી પાસે ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ અંતર્ગત પાર્કિંગમાં ખડકાયેલા દબાણો જેવા કે છાપરા, કેબિન, ઓટા, રેતી અને કપચી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૫૨ છાપરા, ૩૮ કેબિન અને ૨૮ ઓટા સહિત કુલ ૧૦૮ દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨.૫૦ લાખની કિંમતનું બાંધકામ મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું હતું.