વન મહોત્સવ અને વૃક્ષારોપણ મુદ્દે આવેલી જાગૃતિના કારણે રાજ્યમાં મક્કમ
ગતિએ વન વિસ્તાર વધ્યો: પર્યાવરણ મંત્રાલયને ફોરેસ્ટ સર્વે દ્વારા અપાયો રિપોર્ટ
રાજ્યમાં વન વિસ્તારના પ્રમાણમાં વધારો થયો હોવાનું તાજેતરમાં થયેલા એક સર્વે પરથી ફલીત થઈ રહ્યું છે. વન વિસ્તાર બહારના વિસ્તારોમાં પણ વૃક્ષોની સંખ્યામાં મહત્વનો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વન વિસ્તારમાં ૧૦૦ ચો.કિ.મી.નો વધારો થયો હોવાનો દાવો તાજેતરમાં કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૭માં ફોરેસ્ટ સર્વે થયો હતો. જેના આંકડા મુજબ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વન વિસ્તારનું પ્રમાણ વધ્યું છે. એકંદરે ૨ વર્ષ દરમિયાન દેશમાં ૫૦૦૦ સ્કવેર કિ.મી. વન વિસ્તારમાં વધારો થયો છે. જેની સાથે ગુજરાતમાં પણ વન વિસ્તાર વધવા પામ્યો છે. વૃક્ષ ગણતરી ૨૦૧૮ના આંકડા મુજબ વન વિસ્તાર વધવાનું કારણ વન મહોત્સવ અને વૃક્ષારોપણના મુદ્દે લોકોમાં આવેલી જાગૃતિ છે. વન મહોત્સવ થકી રાજ્યમાં વન વિભાગનું ક્ષેત્ર વધારવામાં સરકારને નોંધપાત્ર સફળતા મળી છે.
વર્ષ ૨૦૧૫માં ગુજરાતમાં વન વિસ્તાર ૧૪૬૬૦ ચો.કિ.મી. હતો. જે વર્ષ ૨૦૧૭માં ૧૪૭૫૭ ચો.કિ.મી. સુધી પહોંચ્યો હતો. દરમિયાન ૨૦૧૯ સુધીમાં આ આંકડામાં ૧૦૦ ચો.કિ.મી.નો નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વન વિસ્તાર બહારના વૃક્ષો આછાદિત વિસ્તારમાં પણ વૃક્ષોની સંખ્યા વધી જવા પામી છે. રાજ્યના ૫ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં વન વિસ્તાર વધ્યો હોવાનું આંકડા કહી રહ્યાં છે. મહેસાણા, સુરત, પંચમહાલ, અમદાવાદ અને નર્મદા જિલ્લામાં વન વિસ્તારનું પ્રમાણ વધ્યું હોવાનું જાણવા મળે છે.
અહીં નોંધનીય છે કે, છેલ્લા ૨ વર્ષમાં ભારતના વન વિસ્તારમાં ૧ ટકા જેટલો વધારો થવા પામ્યો છે. વર્ષ ૨૦૧૫માં ભારતમાં વન વિસ્તાર ૭ લાખ વર્ગ કિલોમીટરથી વધુ હતો જે ૨૦૧૭માં ૭,૧૦,૦૦૦ સુધી પહોંચી જવા પામ્યો હતો. ૫,૦૦૦ ચો.કિ.મી.નો વધારો ૨ વર્ષમાં થયો હતો. ગુજરાતની સાથે આંધ્રપ્રદેશ, કેરણ, ઓડિસ્સા અને તેલંગણામાં પણ વન વિસ્તાર વધવા પામ્યો છે. આ વધારા સાથે દેશની કુલ જમીનમાં વન વિસ્તાર વધીને ૨૩ ટકાની આસપાસ રહ્યો છે. ૬ કેન્દ્ર શાસીત પ્રદેશો, મિઝોરમ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર તેમજ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને મણીપુર જેવા રાજ્યોમાં વન વિસ્તારનું પ્રમાણ વધુ છે ત્યારે ગુજરાતે પણ આધુનિકતાની સાથે વન વિસ્તારને પણ આગળ ધપાવવામાં સફળતા હાસલ કરી હોવાનું ફોરેસ્ટ સર્વેના આંકડા કરી રહ્યાં છે.
અહીં નોંધનીય છે કે, ગુજરાતમાં ઔદ્યોગીક સેકટરનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે. ઉદ્યોગોના વિકાસમાં ગુજરાતે ભરેલી હરણફાળે સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ ગુજરાતે ઔદ્યોગીક વિકાસની સાથે પર્યાવરણની પણ જાળવણી કરી છે. ગુજરાતમાં વન વિસ્તાર ધીમી ગતિએ પરંતુ મક્કમતાથી વધ્યો હોવાનું થો ડા વર્ષો પહેલા પણ જણાવાયું હતું. ત્યારે ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના આંકડા પરથી જણાય રહ્યું છે કે, રાજ્યમાં વન વિસ્તારમાં ધીમીગતિએ મકકમ વધારો થયો છે. જેની પાછળ સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વિવિધ યોજનાઓ જવાબદાર છે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ થોડા સમય પહેલા દેશમાં રહેલા વન વિસ્તારનો સર્વે કર્યો હતો. આ સર્વેના આંકડા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરને તાજહેતરમાં સોંપાયા હતા. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૭ કરતા વર્તમાન સમયે ૩૯૭૬ સ્કવેર કિ.મી. વન વિસ્તાર વધ્યો છે.
આ ઉપરાંત વૃક્ષોની સંખ્યા વધી હોય તેવો વિસ્તાર પણ ૧૨૧૨ સ્કવેર કિ.મી. જેટલો થયો છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં વન વિસ્તાર ઝડપી વધ્યો છે. આંકડા મુજબ કર્ણાટકમાં ૧૦૨૫ સ્કવેર કિ.મી. વન વિસ્તાર વધવા પામ્યો છે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં ૯૯૦ સ્કવેર કિ.મી. જ્યારે કેરળમાં ૮૨૩ સ્કવેર કિ.મી. વન વિસ્તાર છેલ્લા ૨ વર્ષમાં વધ્યો છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ વન વિસ્તારનું પ્રમાણ ઝડપી વધ્યું હોવાનું આંકડા કહી રહ્યાં છે.