આ વર્ષ પણ ગો ગ્રીન યોજના અમલમાં મૂકાશે, ટૂંકમાં ટેન્ડર પ્રસિધ્ધ કરાશે: મેયર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું. તેમજ શહેરમાં લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરરોના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. જેના અનુસંધાને શહેરમાં વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. જેના અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવે ચાલુ વર્ષે ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક એજન્સીઓ મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનું નક્કી કરાયેલ. આ માટે માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃધ્ધાશ્રમ)ને કામગીરી સોપવામાં આવી હતી. સંસ્થા દ્વારા ખાડા-ખોદાણ, માટી, ખાતર, વૃક્ષારોપણ અને ટ્રી-ગાર્ડ અને વૃક્ષારોપણ વાવેતર પાણી અને ત્રણ વર્ષ નિભાવવાની જવાબદારી સાથે કામગીરી કરવામાં આવે છે.
બંને યોજના માટે શહેરના મુખ્ય માર્ગો સોસાયટીના મુખ્ય માર્ગો, કોમન પ્લોટ, સરકારી સ્કુલના પટાંગણ કોર્પોરેશનની જુદી જુદી બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં વિગેરે જગ્યાઓ પર ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવેલ.
ટ્રસ્ટ દ્વારા ગત વર્ષના વૃક્ષોનું વાવેતર કરવાનું બાકી હોય શહેરીજનોને પોતાની સોસાયટીના રસ્તાઓ, કોમન પ્લોટ વગેરે જગ્યાએ વૃક્ષારોપણ કરવાનું હોય તેઓએ વિગતસર પોતાના વોર્ડના કોર્પોરેટરો મારફત વોર્ડ ઓફિસરને પહોંચાડવાનું રહેશે. જેથી સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાશે.
ચાલુ વર્ષે પણ ટ્રી ગાર્ડ આપવાના બદલે ગો ગ્રીન યોજના અમલમાં રહેશે અને આ માટે ટુંક સમયમાંજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. તેમ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું.
શહેર હરિયાળું બને તે માટે શહેરીજનોએ શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે રસ દાખવવા મેયરે અપીલ કરેલ છે.
આ ઉપરાંત ગાર્ડન વિભાગ દ્વારા શહેરીજનોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી હાલમાં ઉપલબ્ધ હશે ત્યાં સુધી એવન્યુ વૃક્ષોના રોપા વિનામુલ્યે આપવામાં આવશે અને આ માટે શહેરીજનોએ ગાર્ડન વિભાગ (સેન્ટ્રલ ઝોન) ખાતે રોપા મેળવવાનું અરજી ફોર્મ ભર્યેથી રોપાઓ રેસકોર્ષ સ્નાનાગાર નર્સરી તથા આજીડેમ નર્સરી ખાતેથી મેળવવાના રહેશે.