21મી સદીમાં વિકાસના પરિમાણ ઉર્જાના વપરાશ વિનિમય અને તેના સ્ત્રોત પર નિર્ભર બને છે. વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું કદ પ્રાપ્ત કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે આર્થિક વિકાસ દરને મજબૂત બનાવવા માટે કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગીક ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથેસાથે ભારત પેટ્રોલ અને ડીઝલની આયાત, ભારણ ઘટાડવાની તાતી જરૂરીયાત છે. હાઇડ્રોઇ કાર્બનની આયાતમાં જ આપણું મોટાભાગનું હુંડીયામણ ખર્ચાય જાય છે ત્યારે વિદ્યુતના ઉત્પાદન માટે તો વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત સૂર્ય ઉર્જા, પવન ઉર્જા આદર્શ સ્ત્રોત બની રહે તેમ છે.
તેની સાથેસાથે પેટ્રોલ-ડીઝલનું આયાત બીલનું કદ 12 લાખ કરોડનું છે. જેને ઘટાડવા માટે વૈકલ્પિક ઉર્જાની સાથે ગ્રીન હાઇડ્રોજનનો વપરાશ વધારવાથી કાર્બનના ઉત્સર્જનની સમસ્યા કોલસાની અછતની સમસ્યાનું બેવણું નિવારણ થઇ શકે છે. આવનારા સમયમાં ભારત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં અવ્વલ બની ક્રાંતિ સર્જવામાં જો સફળ થઇ જાય તો પેટ્રોલ-ડીઝલ, કોલસાની આયાતની અવેજીનું ઘર આંગણે જ ઉકેલ મળી જાય. પાણીના વિઘટનથી વિશાળ દરિયા કાંઠાનો લાભ લઇને ગ્રીન હાઇડ્રોજનનું ભવિષ્ય ખૂબ જ ઉજળું દેખાઇ રહ્યું છે ત્યારે અર્થતંત્રની સધ્ધરતા, સમયની જરૂરીયાત અને વિકાસ માટે જરૂરી નાણાંકીય સધ્ધરતાના તમામ વિકલ્પ એકમાત્ર ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને વિકલ્પથી મળી શકે તેમ છે.
ટેકનોલોજીના વિકાસની સાથેસાથે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોનું નિર્માણ, તેની ઉપલબ્ધિ, ઉપયોગ અને વિનિમયમાં જે દેશ એડવાન્સ રહેશે તેનો દાયકો આવશે. ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગે આગળ વધી રહી છે ત્યારે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની મર્યાદા, વધતા-જતા ભાવ વધારાનું ભારણ અને પરનિર્ભરતા જેવા પરિમાણોથી મુક્તિ મેળવવા માટે ગ્રીન હાઇડ્રોજન આદર્શ વિકલ્પ બની રહે તેમ છે. વળી ભારતમાં ગ્રીન હાઇડ્રોજનના નિર્માણ અને વપરાશની કુદરતી તકો રહેલી છે તો તેનો મહત્તમ ઉપયોગ કેમ ન કરવો જોઇએ?
બિનહાઇડ્રોજનના ઉત્પાદન માટે ભારતમાં ખૂબ જ સુવિધા અને કુદરતી સ્ત્રોત ઉપલબ્ધ છે. ઉર્જાની જરૂરીયાત દીન-પ્રતિદિન વધતી રહી છે. વિકાસની ઉપલબ્ધિ પેટ્રોલ-ડીઝલ અને ગેસના આયાત ભારણમાં ક્યાંય દેખાતી નથી. જો ઘર આંગણે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઉ5યોગ થાય તો પાંચ ટ્રિલિયન ડોલરનું આર્થિક સામ્રાજ્ય ઉભું કરતાં વાર નહીં લાગે, બસ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ અને ઉત્પાદન વધારવું જરૂરી બન્યું છે.