- સંત, સુરા, સાવજની ભૂમિ જૂનાગઢ હવે અંગદાનની ભૂમિ તરીકે પણ ઓળખાશે
- ગ્રીન કોરીડોર બનાવવા માટે જૂનાગઢના ડીવાયએસપી પી.જી.જાડેજા અને કેશોદના ડીવાયએસપી ગઢવીની સીધી દેખરેખ હેઠળ 2 પીઆઇ, 8 પીએસઆઇ અને 60 જવાનો ખડેપગે રખાયા હતા
- ગ્રીન કોરીડોર બન્યો 3 દર્દી માટે સંજીવની: ડોક્ટરની ટીમે સાડા ત્રણસો કિ.મી.નું અંતર 118 મિનિટમાં કાંપ્યુ
સંત, સુરા, સાવજ, શિક્ષણ અને સંસ્કારની ભૂમિ જુનાગઢ હવે અંગદાનની ભૂમિ તરીકે પણ ઓળખાશે. કારણ કે, ગઈકાલે સોરઠ પંથકના રવનિ ગામના એક 65 વર્ષીય પટેલ સજ્જનનું બ્રેઈન ડેડ થતાં તેમના લિવર તથા બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. જે માટે જુનાગઢ પોલીસે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. જેને લઇને દેહ દાન કરનાર પરિવાર તથા પોલીસતંત્ર અને તબીબોની સમગ્ર સુરત સહિત ગુજરાતભરમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં રવની ગામના મગનભાઈ વાલજીભાઈ ગજેરા આજથી સાતેક દિવસ અગાઉ પડી જતા તેમના મગજનાં ભાગે ઇજાઓ થઇ હતી, અને તેમને જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે આવેલા ડો. આકાશ પટોડીયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, મગનભાઈ ગજેરાની મગજની નસ ફાટી ગયેલ હોવાથી તેમની પૂરતી સારવાર છતાં સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી હતી અને અંતે મગજ રિસ્પોન્સ આપતું બંધ થઈ ગયું હતું ત્યારે તબીબો દ્વારા તેમને ડેડ જાહેર કરાયા હતા.
જો કે આ સાથે ડો. આકાશ પટોડીયા એ મગનભાઈના પરિવારજનોને અંગદાન આપવા અંગે સમજણ આપતા મગનભાઈના પુત્ર સંજયભાઈ સહિતના પરિવારજનોએ મગનભાઈની કિડની, લિવર, હૃદય અને ફેફસાંનું દાન કરવા માટે સંમતિ આપી હતી. જેને લઇને જુનાગઢના સુપર સ્પેશિયાલિસ્ટ આકાશ પટોડીયા દ્વારા દાન માટે વૈશ્વિક કક્ષાએ નિયંત્રણ કરતી અમદાવાદ સ્થિત સંસ્થા સોટો અને દિલ્હી ખાતે નોટોને જાણ કરી હતી, અને તે માટેના સંલગ્ન રિપોર્ટ પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારે મગનભાઈના લીવર માટે અમદાવાદની ઝાઈડ્સના દર્દી અને બંને કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જરૂરિયાતમંદ દર્દીના ટ્રાન્સપ્લાન્ટ માટે મેળવવા તૈયારી દર્શાવવામાં આવી હતી. અને આ માટે અમદાવાદની ટીમ જૂનાગઢ ખાતે ગઈકાલે પહોંચી હતી, બાદમાં બપોરના બ્રેઈન ડેડ થયેલ મગનભાઇ ગજેરાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમની બંને કિડની તથા લીવર દાનમાં મેળવવામાં આવ્યા હતા.
તબીબોના જણાવ્યા અનુસાર કિડની અને લિવર માનવ શરીરમાંથી કાઢ્યા બાદ 12 કલાકમાં બીજા શરીરમાં ટ્રાન્સફર કરી દેવું પડે તેમ હોય જેથી જુનાગઢથી આ અંગો સમયસર અમદાવાદ પહોંચાડવા ખાસ જરૂરી હતા અને તે માટે ખાસ પ્રકારના ઓર્ગોન પ્રિઝર્વેટિવ સોલ્યુશનમાં રાખી તેને બરફમાં મૂકી અમદાવાદ ખાતે મોકલવા માટેની એક એક મિનિટની તૈયારીઓ કરી લેવામાં આવી હતી જે માટે જુનાગઢ પોલીસ તંત્રનો પણ પૂરતો સહયોગ લેવામાં આવ્યો હતો.
આ અંગે જૂનાગઢના વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ વડાના સુચન અને માર્ગદર્શન હેઠળ સમયસર ઓર્ગન કેશોદ એરપોર્ટ સુધી પહોંચવામાં આવે તે માટે પોલીસ તંત્ર દ્વારા ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાને રાખી, રોડ ઉપર ઓર્ગન લઈ જતી એમ્બ્યુલન્સને ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે અમુક રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા, આ સાથે ખુદ પોતે પાયલોટિંગમાં જોડાયા હતા અને સાંજે પ:21 મીનીટે જૂનાગઢની ઝાંઝરડા ચોકડી ખાતેની હોસ્પિટલથી માત્ર 23 મિનિટમાં 37 કિલોમીટરનું અંતર કાપી 3 પોલીસ પેટ્રોલિંગ વાન સાથેની એમ્બ્યુલન્સ કેશોદના એરપોર્ટ ઉપર જ્યાં એર એમ્બ્યુલન્સ ઊભી હતી ત્યાં પહોંચાડવામાં આવી હતી.
બાદમાં કેશોદ ખાતેથી એર એમ્બ્યુલન્સ એ ઉડાન ભર્યું હતું અને 45 મિનિટમાં એર એમ્બ્યુલન્સ અમદાવાદ ખાતે પહોંચી હતી, અને બીજી 50 મિનિટમાં એમ્બ્યુલન્સ દ્વારા એરપોર્ટથી અંગો ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા, આમ કુલ 118 મિનિટમાં જુનાગઢથી મગનભાઇ ગજેરાની બે કિડની અને 1 લીવરને અમદાવાદની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને આજે સાંજના 3 વાગ્યા પહેલા આ ત્રણેય અંગો ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને શરીરમાં રોપણ કરવામાં આવશે અને તેને લઈને ત્રણ દર્દીઓની જિંદગી બચી જશે.
ગજેરા પરિવારે 3 લોકોની જીંદગી બચાવી: ધારાસભ્ય ભીખાભાઇ જોશી
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ વંથલીના મગનભાઇ ગજેરાના પુત્ર સંજયભાઈ તથા તેમના પરિવારજનોની આ સેવા વૃત્તિને બિરદાવી જણાવ્યું હતું કે, આ પરિવારને નતમસ્તક પ્રણામ કરું છું. કારણ કે, સોરઠ એટલે સંત, શૂરા અને સંસ્કૃતિ નગરી છે અને આજે રવનીના ગજેરા પરિવાર એ પ્રેરણાદાયી એક નવો ઇતિહાસ રચી 3 લોકોની જિંદગી બચાવી છે, બીજી બાજુ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તથા જૂનાગઢના ડીવાયએસપી શહીત જૂનાગઢ પોલીસે માત્ર 23 મિનિટમાં 37 કિલોમીટરનું અંતર વિના વિઘ્ને કાપી જુનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી જે સુંદર સરાહનીય કામગીરી કરી છે તેને સો સો સલામ છે.
પિતાનો પરોપકારી જીવ સદાય ધબકતો રહેશે: સંજયભાઇ
પોતાના બ્રેઇન ડેડ થયેલ પિતાના 3 અંગોનું સહર્ષ દાન કરનાર મગનભાઇ ગજેરાના પુત્ર સંજયભાઈએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, મારા પિતાને અમે અનેક સારવાર અને સેવા કરવા છતાં બચાવી શક્યા નથી, ભગવાન તેમના આત્માને શાંતિ આપશે, પરંતુ તેમનો પરોપકારી જીવ સદાય ધબકતો રહે અને તેમના અંગોથી અન્ય લોકોના જીવન સ્વસ્થ આરોગ્યપ્રદ બને તે માટે અમે અમારા પિતાજીના ત્રણ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું તેના માટે મારા માતા સહિતના તમામ પરિવારજનોએ સહમતી આપી છે, સાથોસાથ તેમણે જૂનાગઢના તબીબ ડોકટર પટોડીયા તથા જુનાગઢ પોલીસ સહિત આ કાર્યમાં સહભાગી તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.