ગિરનાર પર્વત ગુજરાતના ધાર્મિક સ્થળોમાં નો એક છે. હિન્દુ ધર્મના લોકો તેમજ જૈન ધર્મના લોકો માટે ગિરનાર પર્વત એક પવિત્ર યાત્રાધામ છે. ગિરનાર એ સાધુ-સંતો, શુરાઓ અને સતીઓની ભૂમિ છે.
ગિરનારને પુરાણોમાં રૈવત કે રૈવતાચળ પર્વત તરીકે ઓળખવામાં આવતો હતો. દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવત (ગિરનાર) પર્વત દરિયામાં છુપાઈ ગયેલો.
ગીરનાર હિમાલય નો પુત્ર છે તેથી તે માતા પાર્વતી ના ભાઈ થાય. માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન હિમાલયમાં થયા હતા. બહેનના લગ્નમાં જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને 50 કિલોમીટર દૂર જઈ જમીન પર સ્થિર થઈ ગયો. બહેન પાર્વતીના લગ્નમાં પહોંચવું શક્ય ન હતું, તેથી આગામી ત્રિપુરા પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા.
શિવ પાર્વતી ના લગ્ન માં સર્વ દેવ-દેવી,ઋષિ-મુનિ, નવગ્રહ, અષ્ટ સિદ્ધિ નવનિધિ, 52 વીર, 64 જોગણીયો, 11 જળદેવતા નવનાગ, અષ્ટવસુ, કુબેર ભંડારી તે બધાએ શિવ પાર્વતી સાથે ચાર દિવસ ગિરનારની પરિક્રમા કરી હતી.ત્યારે આ બધા દેવી દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા. અને આજે પણ કારતકી એકાદશી થી કારતકી પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનારના જંગલમાં રોકાય છે.
આ પરંપરાને જાળવી રાખવા આજે પણ “જય ગિરનારી” ના નાદ સાથે લાખોની સંખ્યામાં લોકો કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ગિરનાર પર્વત ને ફરતે 36 કિલોમીટર ની પ્રદક્ષિણા કરે છે, આ પ્રદક્ષિણાને લીલી પરિક્રમા કહેવાય છે. પહેલા ના સમયમાં ચોમાસુ પૂરું થતાં લીલાછમ ગિરનાર પર્વત ફરતે આ પાવનકારી પરિક્રમા ફક્ત સાધુ સંતો જ કરતા હતા પરંતુ હવે સંસારી લોકો પણ આ પરિક્રમા કરવા લાગ્યા છે.
શ્રદ્ધાળુઓ એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દુધેશ્વર મહાદેવના દર્શન કરી, ભવનાથ તળેટીમાં રાત્રી રોકાણ કરીને, બારસના દિવસે રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ કરે છે. જીણાબાવાની મઢી એ વિસામો લઈ સરકડીયા હનુમાન, સૂરજકુંડ, પાટનાથ થઈ માળવેલા રાત્રી રોકાણ કરીને ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજળીયા કુંડ થઈને બોરદેવી માં પડાવ નાખે છે. અહીં માં અંબિકા માતાજી બોરડીમાંથી પ્રગટ થયા હતા, તેથી તેનું નામ બોરદેવી પડ્યું. અહીંયા બારેમાસ પાણી રહે છે તેમજ આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતકી પૂનમે બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે અને શ્રદ્ધાથી પરિક્રમા પૂર્ણ કરે છે.
સાતમી સદીમાં રચાયેલ સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાત્મ્ય આપેલું છે.
જ્યારે અર્જુન પોતાના વનવાસ દરમિયાન દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યો ત્યારે શ્રીકૃષ્ણએ ગિરનાર પર્વત પાસે જ અર્જુનને સુભદ્રા બતાવી હતી અને અર્જુને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કર્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણના કાકાના દીકરા ભાઈ શ્રી નેમિનાથ ભગવાન કે જે જૈનોના 22 માં તીર્થંકર છે, તેઓ જુનાગઢ જાન લઈને રાજુલને પરણવા આવેલા, લગ્ન સમારંભમાં જીવ હિંસા થવાના કારણે તેઓ સંસારનો ત્યાગ કરીને ગિરનારની ગોદમાં જઈને દીક્ષા લઈ લીધી. કઠોર તપસ્યા કરીને ગિરનારમાં જ કેવળ જ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કર્યો. જેથી ગીરનાર જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે.
શાસ્ત્રોમાં ગીરીરાજ ગીરનાર નું મહત્વ આંકતા કહ્યું છે કે ગિરનાર પર્વત ઉપરથી કોઈ પણ પક્ષી અન્ય જીવનું હાડકું લઈને ઉડે તો તે જીવનો પણ મોક્ષ થઈ જાય છે.
જેણે ન ચડ્યો ગઢ ગીરનાર,
એનો એળે ગયો અવતાર…
આ પંક્તિ પ્રમાણે ગિરનાર પર્વત સર્વે મનુષ્યને સેવા કરવા લાયક સર્વ પર્વતોના આભૂષણરૂપ અને પોતાની સેવા કરનારના દુ:ખોને હરનાર એવો આ ગીરીરાજ ગિરનાર કરોડો વર્ષ થી જયવંતો છે. આ લોક અને પરલોકમાં મનવાંછિત ફળ આપનાર છે. આ ગિરિરાજ ના સ્મરણ માત્રથી દુ:ખો નાશ પામે છે અને ગિરનારનું ધ્યાન કરવાથી ચોથા ભવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. એવા આ ગીરીરાજ ગિરનારની પરિક્રમા કરવી એ સદભાગ્યની વાત છે.