- આરોગ્ય કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર અને અસારવા સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન લાંચ લેતા ઝડપાયા
- ACBએ છટકું ગોઠવી રૂ.15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા
- ACBએ ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે
ગુજરાતમા ACB દ્વારા લાંચ લેતા ક્લાસ-1 અધિકારીને ઝડપ્યા છે. જેમા અમદાવાદમાં ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે,આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગીરીશ પરમાર પણ લાંચ લેતા ઝડપાયા છે. આ કેસમાં ફરિયાદી તથા સાથી પાસે 30 લાખની લાંચ માગી હતી. ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા લાંચ માગી હતી.
રાજ્યમાં ભ્રષ્ટાચારી બાબુઓ અવાર-નવાર લાંચ લેતાં પકડાતા હોય છે. ત્યારે એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી લાંચિયા આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને લાંચ લેતા રંગહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદીના તરફેણમાં કામગીરી કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસે 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
ફરિયાદી જેઓ અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી. જેથી ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મોકુફ પર ઉતારી દેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો. આ સમયગાળા દરમ્યાન ગિરીશ પરમાર જે સરકારી ડેન્ટલ કોલેજ, અસારવા અમદાવાદ ખાતેના નિવૃત્ત ડીન હતા.
આ દરમિયાન બીજા નંબરના આરોપીએ વચેટીયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુદ્ધની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે મુખ્ય આરોપી સાથે મીટિંગ કરવા બોલાવ્યા હતા, જેથી ફરિયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ એકબીજાની મિલીભગતમાં કૌભાંડ થયું હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. તેમના સાથી ડોકટર એમ બન્નેના 30 લાખની લાંચની માંગણી કરી હતી. તે પૈકી રૂ. 15 લાખ એડવાન્સ અને બાકીનાં કામ થઇ ગયા પછી આપવાનો વાયદો થયો હતો.
ત્યારબાદ આરોપી ગિરીશ પરમાર ફરિયાદીને ટેલીફોન કરી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમ્યાન ગિરીશ પરમારે શાહીબાગ અમદાવાદ ખાતે ફરિયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સાથે નક્કી થયેલા વાયદા મુજબ એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા સ્વીકારતાં રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા.