ભગવતીપરાની વિધવા અને યુવક વચ્ચેના આડા સંબંધનો કરૂણ અંજામ
પરિણીતા સામે પતિ બાદ પ્રેમીને આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો
પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યા કરતા વિધવા બનેલી બે સંતાનની માતાએ પાડોશી યુવકને પણ મરવા મજબુર કર્યો
અઢી શબ્દના પ્રેમના વહેમમાં રહેલા ભગવતીપરાના યુવાન વિધવાના પ્રેમમાં બરબાદ થતા કંટાળીને આપઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પતિ બાદ પ્રેમીને આત્મહત્યાની ફરજ પાડનાર બે સંતાનની માતા સામે ગુનો નોંધાતા ફરાર થઇ ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા પાસે આવેલા જયનંદન સોસાયટીમાં રહેતા રવિભાઇ ભરતભાઇ વાઘેલા નામના ૨૪ વર્ષના યુવાને ગત તા.૯ ઓકટોમ્બરે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન તા.૧૪ ઓકટોમ્બરે મૃત્યુ નીપજ્યું હતુ. મૃતક રવિ વાઘેલાના આપઘાત પાછળ પાડોશમાં રહેતી વિધવા શિતલ પ્રકાશ ચાવડા નામની મહિલા જવાબદાર હોવાના ચોકાવનારા આક્ષેપ સાથે મૃતકના પિતા ભરતભાઇ કાળાભાઇ વાઘેલાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભગવતીપરા વિસ્તારમાં વિવાદાસ્પદ બનેલી શિતલ ચાવડાના મોરબીના પ્રકાશ સાથે લગ્ન થયા હતા. તેના લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. શિતલ ચાવડા સાથે પતિ પ્રકાશ ચાવડાને ઝઘડો થતા તેણી રિસામણે આવી ગઇ હતી. પત્નીના ત્રાસથી કંટાળી પતિ પ્રકાશ ચાવડા મોરબીથી રાજકોટના ભગવતીપરામાં આવીને આપઘાત કરતા પત્ની શિતલ ચાવડા સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો દસેક માસ પહેલાં ગુનો નોંધાયો હતો.
પતિના આપઘાત બાદ ભગવતીપરામાં રહેતા રવિ વાઘેલાના પરિચયમાં આવતા બંને વચ્ચે આડો સંબંધ બંધાયો હતો. શિતલ ચાવડાના લાલચુ સ્વભાવના કારણે રવિ વાઘેલાએ સગા સંબંધીઓ પાસેથી મોટી રકમ ઉછીના લીધા બાદ ફાયનાન્સરો પાસેથી ઉચા વ્યાજે મોટી રકમ લઇ શિતલ ચાવડા પાછળ રૂા.૪ લાખ જેટલી રકમ ખર્ચી નાખ્યાનો ભરતભાઇ વાઘેલાએ આક્ષેપ કર્યો હતો. રવિ વાઘેલા પાસેથી વધુ રકમ પડાવવા માટે શિતલ ચાવડાએ ફિનાઇલ પી આત્મહત્યાનું સ્ટંટ કર્યુ હતી. ત્યારે રવિ ચાવડાએ પણ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થતા શિતલ ચાવડાએ ફરી બ્લેક મેઇલીંગ કરી પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી દઇ પૈસા પડાવવાનો પ્રયાસ કરતા ગત તા.૯ ઓકટોમ્બરે રવિ વાઘેલાએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન તા.૧૪ ઓકટોમ્બરે મોત નીપજયું હતું. પોલીસે ભરતભાઇ વાઘેલાની ફરિયાદ પરથી શિતલ ચાવડા સામે આત્મહત્યાની ફરજ પાડવાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.