ફેસબુક મારફતે સંપર્ક કેળવી દિલ્હી પોલીસ, કસ્ટમ અધિકારીની ઓળખ આપી માલ છોડાવવા અને લોકડાઉનમાં ફસાયેલા લોકોને મદદના બહાને 63 બેંક ખાતામાં રકમ જમા કરાવી

આઈજી સાયબર સેલ દ્વારા દિલ્હીથી નાઈઝીરીયન શખ્સની ધરપકડ: ગેંગ દ્વારા ગુડગાવ, રાજસ્થાન અને મુંબઈમાં આવા પ્રકારનાં ગુના આચર્યા

જૂનાગઢ આઇજી સાયબર સેલે ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને  મેંદરડાના એક તબીબ પાસેથી છેલ્લા 15 મહિનામાં 1.32 કરોડની રકમ પડાવી લેનાર ભેજાબાજ નાઈજીરીયન શખ્સને દિલ્હીથી ઝડપી પડ્યો છે.

સમગ્ર રાજ્યમાં ટુરીંગ આયુર્વેદિક કેમ્પ ચલાવતા અને મેંદરડાના ઝીઝૂડા રોડ ઉપર ગોવિંદપાર્ક ખાતે રહેતા 70 વર્ષીય નિવૃત તબીબ જીવરાજભાઈ ભોવાનભાઈ પાનસુરીયાને 15 મહિના પહેલા તેના ફેસબુક એકાઉન્ટ પર એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતા તેમણે એક્સેપ્ટ કરી હતી, બાદમાં જોન્સન એન્જલ, જેનીફટ બીલીકલિંગ, જોયનાટીનો, સ્ટેલાજીયોજેનામ નામના ફેસબુક એકાઉન્ટ ધરાવતા લોકો સાથે વોટ્સઅપના માધ્યમથી ચેટીંગ શરુ થયું હતું. જેમાં આ ટોળકી દ્વારા મેંદરડાના નિવૃત તબીબને જવેલરી એક્ઝીબીશનમાં ભાગ લેવા, ફેમીલી ટ્રસ્ટ હોસ્પિટલ એનજીઓના નામે લોકોને મદદ કરવા, લોકડાઉનમાં ફસાયેલા લોકોને મદદ કરવાના બહાને તેમજ વિદેશી કરન્સી, સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ જેવી ગીફ્ટના પાર્સલ છોડાવવાના બહાને અલગ અલગ સમયે અલગ અલગ બેંકના 63 જેટલા ખાતામાં કુલ રૂ. 1,32,25,000ની રકમ જમા કરાવ્યા હતા.

આ છેતરપિંડીના શ્વેતા મિશ્રા, મિ.એડમ, જીયોજ્રનામ, લંડન રેંજ કુરિયા નામે નિવૃત્ત તબીબ સાથે ફોનમાં વાત કરીને પોતે દિલ્હી પોલીસ, કસ્ટમ અધિકારીની ઓળખ આપીને પાર્સલ છોડાવવાના બહાને પણ રૂપિયા પડાવ્યા હતા.

બાદમાં તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થઈ હોવાનું નિવૃત તબીબ જીવરાજભાઈ ભોવાનભાઈ પાનસુરીયાને ગત ઓક્ટોમ્બર મહિનામાં જણાતા તેમણે મેંદરડા પોલીસમાં તેમની સાથે 1,32,25,000ની કિમતની છેતરપીંડી થયાની અરજી આપી હતી. જે અંગે જૂનાગઢ રેંજ આઈજી સાયબર સેલના સ્ટાફે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેને લઈને આ ગેંગનો એક શખ્સ દિલ્હીમાં હોવાનું જણાતા સાયબર સેલનો સ્ટાફ દીલ્હો પહોચ્યો હતો અને ત્યાં પાલમ રોડ ઉપરથી નાઈઝીરીયન દેશના પ્રિન્સ ચુકુવ હેઝોકીયા ઉર્ફે જ્યોર્જ માર્ટીન ઉર્ફે ઇનન્યુલ ચુકુવ (ઉ.વ. 38) ને  ઝડપી લીધો હતો.

હાલમાં જૂનાગઢ આઇજી સાયબર સેલ દ્વારા દિલ્હીમાથી પકડાયેલા નાઈઝીરીયન શખ્સની પૂછતાછ ચાલુ છે, અને પ્રાથમિક તપાસમાં આ શખ્સ અને તેની ગેંગ દ્વારા સને 2016 માં ગુડગાવમાં આવા જ પ્રકારની ઠગાઈ કરીને 15 લાખની છેતરપીંડી આચરી હોવાનું જયારે ચાર વર્ષ પહેલા રાજસ્થાનમાં એક મહિલાને અલગ અલગ જગ્યાએ બોલાવીને 8 લાખ અને 2015 માં મુંબઈમાં એક મહિલા પાસેથી 1.80 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.