લોનના નામે ઉઘરાણા કરતી ૧૦૦થી વધુ એપ્સને પ્લેસ્ટોરમાંથી દૂર કરતું ગૂગલ
ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ પર્સનલ લોનની એપ્સ ઘણા ખરા વપરાશકર્તાને જોખમમાં મૂકી દેતી હોય તેવી બાબતો હાલમાં પ્રકાશમાં આવી હતી. સસ્તી અને સરળ લોન આપવાની લાલચે આ પ્રકારની એપ્સ લોભાણણી જાહેરાતો થકી વપરાશકર્તાને લાલચ આપી ઉઘરાણા કરતી હોય તેવી વાતો પણ હાલ સામે આવી હતી જેના બાબતે હાલમાં જ વપરાશકર્તાઓ અને સરકારે પણ ચિંતા વ્યકત કરી હતી. જે બાદ ગૂગલે આ પ્રકારની આશરે ૧૦૦થી વધુ એપ્સને પ્લેસ્ટોરમાંથી દૂર કરી દીધી છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે.
ગૂગલ પ્લેસ્ટોર પર સરળ લોનની લાલચ આપી ગ્રાહકો પાસે પ્રથમ રજિસ્ટ્રેશન ફીની ઉઘરાણી કરીને લૂંટ કરતી હોય છે તેમજ નાની લોન આપી ગ્રાહકોને મોટા ચૂકવણા કરવા પણ કંપનીઓ પ્રેરતી હોય છે. અમુક કિસ્સામાં કંપની દ્વારા ધાક ધમકીઓ પણ આપવામાં આવી હોય તેવી બાબતો પણ સામે આવી હતી.
ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે ભારતમાં સેંકડો પર્સનલ લોન એપ્સની સમીક્ષા કરી છે અને તેમાંથી ઘણાને પ્લે સ્ટોર પરથી દૂર કરી છે. વપરાશકર્તાઓ અને સરકારી એજન્સીઓએ આ એપ્લિકેશન્સના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગુરુવારે ગૂગલે કહ્યું હતું કે, એપ્લિકેશનો કે જે વપરાશકર્તા સુરક્ષા નીતિઓનું ઉલ્લંઘન કરી રહી છે તેમને તરત જ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે.
ગૂગલે એપ્લિકેશનના બાકીના વિકાસકર્તાઓને સ્થાનિક કાયદા અને નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે કટિબદ્ધ થવા કહ્યું છે. જો એપ આ બાબતે નિષ્ફળ જાય તો તેમની એપ્લિકેશન પણ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે તેવું ગૂગલે સતાવાર કહ્યું છે. ગૂગલે બ્લોગપોસ્ટમાં કહ્યુ છે કે, ગૂગલના ઉત્પાદનો પર સલામત અનુભવ પ્રદાન કરવું એ અમારી પ્રાથમિકતા છે. વપરાશકર્તાની સલામતી સુધારવા માટે ગૂગલ સતત કામ કરી રહ્યું છે. અમારી વૈશ્વિક નીતિઓ ધ્યાનમાં રાખીને ડિઝાઇન અને અમલ કરવામાં આવે છે જેનું ધ્યાન તમામ ઉત્પાદકોએ રાખવું પડશે.
જો કે ગૂગલે જાહેર કર્યું નથી કે તેણે કઇ એપને પ્લેસ્ટોરમાંથી દૂર કરી છે. બ્લોગપોસ્ટમાં ગૂગલે નોંધ્યું છે કે, અમે ભારતમાં સેંકડો પર્સનલ લોન એપ્સની સમીક્ષા કરી હતી. વપરાશકર્તાઓ અને સરકારી એજન્સીઓએ તેમના વિશે ચિંતા વ્યક્ત કરી હતી. એપ્લિકેશન જે વપરાશકર્તાની સુરક્ષા નીતિનું ઉલ્લંઘન કરે છે તેને તરત જ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે.