જેલના કેદીઓએ પણ દેશભકિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની તક ઝડપી
૨૬મી જાન્યુઆરીના રોજ આન બાન શાનથી રાષ્ટ્રઘ્વજ લહેરાવી, શહેરીજનોએ દેશભકિત દર્શાવી હતી. શાળા, કોલેજો અને સંસ્થાઓથી લઇ મોબાઇલ અને ગાડીઓના શો-રૂમ પણ કેસરી, સફેદ અને લીલા રંગથી સુશોભીત થયા હતા. યે દેશ હૈ વિર જવાનો કા, એ મેરે વતન કે લોગો…. જેવા દેશભકિતના ગીતોએ લોકોના દિલ જીત્યા અને બંધારણના આ પર્વની જોશભેર ઉજવણી કરી ત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના ૭૦માં ગણતંત્ર પર્વની દશેભરની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ ઉજવણીમાં જેલમાં સજા ભોગવતા કેદીઓ પણ બાકાત રહ્યા નથી. રાજકોટની મઘ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા પણ આ ઉજવણીમાં હર્ષભેર ભાગ લઇને ઘ્વજવંદન અને દેશભકિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર જેલ પરિસરમાં દેશભકિતનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
રાજકોટની મઘ્યસ્થ જેલમાં અધિક્ષક ધમેન્દ્ર શર્માના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેલમાં રહેલા તમામ કેદી ભાઇ-બહેનોએ ઉત્સાહભેર જોડાઇને ત્રિરંગાને સલામી આપી હતી. ઘ્વજવંદન બાદ દેશભકિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદીઓએ દેશ ભકિતના ગીતોના આઝાદીના લડવૈયાઓના જીવનચરિત્ર આઝાદી અને પ્રજાસત્તાક પર્વનો મહિમા સહીતના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ ઉજવણીના ભાગરુપે જેલ અધિક્ષક શર્મા દ્વારા દરેક કેદીઓને મીઠાઇ ખવડાવીને ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન જેલ પરીષદમાં દેશભકિતનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.