જીએસટી કાયદા અને ઈન્કમટેક્ષમાં કરવાની થતી જોગવાઈઓ અંગે સુચન અપાયા નાના વેપારીઓ તેમજ ઉધોગોને સરળતા રહે તેવા કાયદા બનાવવાની સલાહ
સને ૨૦૧૯-૨૦ના વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા રજુ થનાર અંદાજપત્રમાં સામેલ કરવા જુદા જુદા સુચનો રજુ કરવાના હોય, રાજકોટના અગ્રગણ્ય કરવેરા નિષ્ણાંતો તથા વિવિધ એસોસીએશનના પદાધિકારીઓ સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટીંગમાં જુદા જુદા સુચનો પર ચર્ચા વિચારણા કરી સુચનો મેમોરેન્ડમ રૂપે રજુ કરવામાં આવેલ છે.
જીએસટી રજીસ્ટ્રેશન માટે લઘુતમ ટર્નઓવરની મર્યાદા ૧ કરોડ સુધી કરવા રજુઆત કરવામાં આવેલ છે. તેમજ અનરજીસ્ટર સમયમાં વેપારી દ્વારા કરવામાં આવેલ ખરીદી પર લાગેલ વેરો સેટ ઓફ થઈ શકે તેવી વ્યવસ્થા અંગે વિચારણા કરવા સુચવવામાં આવ્યું જેથી નાના વેપારીઓને ખરીદ કિંમત ઉંચી ન જાય તે ઉદેશ રહેલ છે.
વાર્ષિક ૫ કરોડ સુધીના ટર્નઓવરવાળા જીએસટી રજીસ્ટર થયેલા વેપારીઓએ ત્રિમાસિક પત્રક ભરવાનું થાય એટલે કે, વર્ષના ચાર ત્રિમાસિક તથા એક વાર્ષિક પત્રક સરળ રીતે ભરી શકાય તેવું સુચન કરવામાં આવેલ છે. આ ઉપરાંત કોઈપણ સંજોગોમાં પત્રક મોડુ ભરાય તો તેવા વેપારીઓને નિયત કરેલ સમય મર્યાદામાં દંડ કે પેનલ્ટી ન લગાવવામાં આવે તેવી જોગવાઈ કરવી જોઈએ. આ ઉપરાંત બીજા વધારાના આઠ થી દસ સુચનો કરવામાં આવેલ છે.
વહીવટીકક્ષાના સુચનો જે રોજિંદા કાર્યમાં પ્રશ્નો ઉભા થતા હોય તેવા પ્રશ્નોના નિરાકરણ અંગે વહિવટી કક્ષાએ સ્થાનીક રાજય કે કેન્દ્ર સરકાર કક્ષાએ રજુ કરવાના રહે છે. તેવા પ્રશ્ર્નો જેવા કે ઈનપુટ ક્રેડીટનું રીફંડ સરળ રીતે અને નિયમિત રીતે મળવું જોઈએ. આવા રીફંડના કેસમાં મોડુ કરવામાં આવે તો ૧.૫%ના દરે વ્યાજ સાથે વેપારીને મળવું જોઈએ.
ગુજરાત રાજયમાં ઈ-વે બીલ લાગુ કરવામાં આવેલ છે. જેની બીલની મર્યાદા રૂ.૫૦,૦૦૦/- કે તેથી વધુ અને ૧૫ કિમીની પેરીફેરીથી વધારે બહાર જતા માલો માટે નકકી કરેલ છે. જે બીલ મર્યાદા રૂ.૨,૫૦,૦૦૦/- કે તેથી વધુ અને પેરીફેરીયલ અંતર ઓછામાં ઓછા ૫૦ કિમી રાખવું જોઈએ. કારણકે આપણા શહેરોનો વિસ્તાર છેલ્લા વર્ષોમાં ખુબ જ ફેલાયેલ છે. જે ધ્યાનમાં લેવું જરૂરી છે.
સામાન્ય રીતે દર માસના ૧૦ તારીખ તથા ૨૦ તારીખ સુધીમાં રીટર્ન પત્રક ભરવાના થતા હોય છે ત્યારે મોટા ભાગના વેપારીઓનો જીએસટીની સાઈટ પર પત્રક ભરવા ઘસારો થતો હોય છે. જેને કારણે જીએસટીની સાઈટ ક્રશ થઈ જતી હોય છે. તેથી પત્રકો સમયસર રજુ થઈ શકતા નથી તેથી આ સાઈટની કેપેસીટી વધારવી જરૂરી બને છે.
૧.ભારતના નાગરિક કે જેઓ સેલ્ફડ એપ્લોયડ હોય છે. તેઓ નિયમીત રીતે ટેક્ષ પેયર તરીકે તેમની સામાન્ય રીતે ૨૫ વર્ષની ઉંમરથી ૬૫ વર્ષની ઉંમર સુધી સરકારને ઈન્કમટેક્ષરૂપે પોતાની આવકનો અમુક ભાગ ચુકવે છે પરંતુ આવા સીનીયર સીટીઝન નાગરીકો પોતાના વ્યવસાયના નિવૃતિ પછી પરીવાર કે કોઈના પર આધારીત થતા હોય છે. ત્યારે આવા નાગરિકોને સરકાર તરફથી તેઓએ ભરેલ કુલ વેરાના ૧૦% હિસાબે દર માસે વળતરરૂપે ચુકવવા જોઈએ. જેથી સીનીયર સીટીઝન જીવનપર્યંત સ્વાવલંબી જીવન જીવી શકે અને તે કારણે ભારતના નાગરિકો વધુમાં વધુ આવકવેરો ભરવા પ્રોત્સાહિત થાય.
૨. હાલમાં વ્યકિતગત આવકવેરાની લઘુતમ મર્યાદા રૂ.૩,૦૦,૦૦૦/- નકકી થયેલ છે. જે ઘણા જ વર્ષો પહેલા નકકી કરવામાં આવેલ છે. ત્યારબાદ વિતેલા વર્ષો દરમ્યાન મોંઘવારીના આંકમાં વધારો થયેલ છે. તેથી સામાન્ય માણસ પણ આ પ્રકારની આવકમાં પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિ રહી નથી. ત્યારે આ લઘુતમ આવકની મર્યાદા વધારીને રૂ.૫,૦૦,૦૦૦/- સુધી મુકિત આપવી જોઈએ.
નાના વેપારીઓ અને નાના ઉધોગો દ્વારા નોટબંધી પછીથી હાલ તારીખ સુધી બેન્કો દ્વારા વ્યાજ તથા જુદા જુદા પ્રકારના ચાર્જ લગાડવામાં આવેલ છે. તે કુલ રકમ વેપારીઓને પરત આપવી જોઈએ. જેથી આ રકમ તેમની ચાલુ મુડીમાં ઉપયોગ કરી શકાય અને વેપાર ઉધોગના વિકાસમાં મદદરૂપ બની શકે. નાના વેપારીઓને તથા ઉધોગકારોને ચાલુ મુડીરૂપે પ્રથમ બે વર્ષ વગર વ્યાજે તથા પછીના સાત વર્ષ ઓછા વ્યાજે નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણ કરવું જોઈએ. જેથી આવા વેપાર ઉધોગ મંદીમાંથી બહાર આવી શકે તેમ ગ્રેટર ચેમ્બરનાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઈ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.