વીજ કંપનીઓ પોતાની નાણાકિય સગવડતા ખાતર વધારાની રકમ ઉઘરાવતી હોવાનો આક્ષેપ
રાજકોટના જુના સમયથી વિદ્યુત કનેકશન ધરાવતા નાના કારખાનેદારોને વીજ વપરાશ અંગે એડવાન્સ પેમેન્ટ/ બીલ ડિપોઝીટ પેટે મોટી રકમની માંગણાની નોટીસ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવી રહેલ છે. આવા કારખાનેદારો દર માસે આપવામાં આવતા વીજ વપરાશના બીલોનું પેમેન્ટ વર્ષોથી નિયમિત રીતે કરી રહેલ હોવા છતાં આ પ્રકારની નોટીસો આપી પશ્ર્ચિમ ગુજરાત વિદ્યુત કંપની લીમીટેડ જેવી કંપનીઓ પોતાની નાણાકીય સગવડતા ખાતર નાના કારખાનેદાર ગ્રાહકો પાસેથી વધારાની રકમ ઉઘરાવી કંપનીની નાણાકીય વ્યવસ્થામાં સરળતા કરાવ કરી રહેલ છે. જયારે આવા નાના કારખાનેદાર હાલના સંજોગોમાં ભયંકર મંદીમાંથી પસાર થઈ રહેલ છે અને ખુબ જ નાણાકીય ખેંચ ભોગવી રહેલ છે ત્યારે એકમાત્ર વિદ્યુત ડિસ્ટ્રીબ્યુશન કંપની કે જેમાં ૫૧%ની ભાગીદારી સરકારની રહેલ છે. આ કંપની સિવાય અન્ય બીજી કોઈ વ્યવસ્થા દ્વારા વિદ્યુત સપ્લાય મેળવી શકાય તેમ નથી. તેથી આ કંપનીની મોનોપોલી હોય. સર્વે વિદ્યુત વપરાશકારોનો ગેરલાભ લઈ આવી કંપની વપરાશકારોને મજબુરી અવસ્થામાં મુકી રહેલ છે. આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સૌરભ પટેલ, કેબીનેટ કક્ષાના મંત્રી વિદ્યુત વિભાગ ગુજરાત રાજયને તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. સને ૨૦૧૧ના વર્ષમાં પણ વિજ કંપનીઓ દ્વારા આવી જ પ્રક્રિયા હાથ ધરવા પ્રયત્ન કરેલ ત્યારે પણ ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા એસોસીએશનો તથા ચેમ્બરોના પદાધિકારીઓની મીટીંગ રાજકોટ ખાતે યોજવામાં આવેલ. આ જ પ્રકારે જરૂર જણાયે એક મિટીંગનું નજીકના ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે. આ અંગે સર્વે એસોસીએશનો તથા ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ પોતાના પ્રતિભાવ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સમક્ષ રજુ કરવા અપીલ કરવામાં આવે છે. તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઈન્ચાર્જ મંત્રી ઈશ્વરભાઈ બાંભરોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.