કેરેલાને 51 રનની મહત્વપૂર્ણ લીડ
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફી-2021-22 એલીટ ગ્રુપ-એ ની મેચો પૈકી એક મેચમાં આજે મધ્યપ્રદેશનો મેઘાલય સામે શાનદાર વિજય થયો છે. જ્યારે બીજી મેચમાં ગુજરાત સામે કેરેલાએ 51 રનની મહત્વપૂર્ણ લીડ હાંસીલ કરી લીધી છે. અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને ઓડિશા વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રની ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગયુ છે.ગઇકાલે બીજા દિવસની રમતના અંતે કેરેલાનો સ્કોર 4 વિકેટના ભોગે 277 રન થયો હતો.
ગુજરાતની ટીમે પ્રથમ દાવમાં 388 રન બનાવ્યા હતા. આજે ત્રીજા દિવસે કેરેલાની ટીમ 437 રનમાં ઓલઆઉટ થઇ જતા 51 રનની મહત્વપૂર્ણ લીડ પ્રાપ્ત કરી હતી. જેની સામે ગુજરાતની ટીમે આ લખાઇ રહ્યુ છે ત્યારે બે વિકેટે 58 રન બનાવી લીધા છે અને 7 રનની લીડ હાંસીલ કરી લીધી છે. ખંઢેરી ખાતે રમાઇ રહેલી અન્ય એક મેચમાં મધ્યપ્રદેશની ટીમે મેઘાલયને એક ઇનિંગ્સ અને 301 રને કારમો પરાજય આપ્યો છે. મેઘાલયની ટીમ પ્રથમ દાવમાં 61 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
જેની સામે મધ્યપ્રદેશે 6 વિકેટના ભોગે 499 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. મેઘાલયની ટીમ બીજા દાવમાં 137 રનમાં ઓલઆઉટ થઇ જતા મધ્યપ્રદેશનો એક ઇનિંગ્સ અને 301 રને શાનદાર વિજય થયો હતો. અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે એલીટ ગ્રુપ-ડીની સૌરાષ્ટ્ર અને ઓડિશા વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ચિરાગ જાનીની આકર્ષક બેવડી સદીની મદદથી 501 રનનો તોતીંગ જુમલો ખડક્યો હતો.
જેની સામે ઓડિશાની ટીમ સૌરાષ્ટ્રનો બોલરોની આગ ઝરતી બોલિંગનો સામનો કરવામાં નિષ્ફળ રહેતા 165 રને ઓલઆઉટ થઇ જતા સૌરાષ્ટ્રને 336 રનની મહત્વપૂર્ણ લીડ પ્રાપ્ત થઇ હતી. સૌરાષ્ટ્રએ ઓડિશાને ફોલોઓન આપ્યુ હતું. સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટે 50 રનમાં 4 વિકેટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા 48 રન આપી 4 વિકેટ ખેડવી હતી. ઓડિશા સામેની મેચમાં સૌરાષ્ટ્રની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.