કરો યોગ, રહો નિરોગ
યોગાસનમાં 350 અને સૂર્ય નમસ્કારમાં 300 સ્પર્ધકોએ લીધો ઉત્સાહભેર ભાગ
ઓપન ગુજરાત સ્ટેટ યોગાસન એન્ડ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપ 2021નું આયોજન રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 વર્ષના બાળકોથી 75 વર્ષ સુધીના વ્યોવૃદ્ધઓએ પણ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં રાજ્યના 26 જિલ્લાઓએ ભાગ લીધો હતો. જેમાં 27મીએ યોગાસન સ્પર્ધા અને 28મીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા રાખવામાં આવી હતી. 28મીએ યોજાયેલા સૂર્ય નમસ્કારમાં રેકોર્ડ એકસાથે 566 સૂર્ય નમસ્કારનો રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ વાર ઓપન સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશીપ
યોજાઈ હતી. જેમાં સૂર્ય નમસ્કારમાં 300 અને યોગાસનમાં 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ બાબત છે કે, આ સ્પર્ધામાં સૌથી વધુ દાહોદ-પંચમહાલ, કચ્છ-ભુજ જેવા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાના ઇનામ વિતરણમાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, રામકૃષ્ણ આશ્રમના મહંત સ્વામી નિખિલેશ્વરાનંદજી, ડોલ્સ એન્ડ ડ્યુલ્સ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી બ્રિજેશભાઈ ઝાલાવડીયા, શ્રી શ્રી એકેડમીના મેનેજિંગ ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોએ હાજર રહીને યોગવિરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
સૂર્ય નમસ્કારમાં ગુજરાત રાજયે નવો ઇતિહાસ સર્જ્યો: અર્જુન ઠાકર
ડિવાઇન યોગા અને ફિટનેસ સ્ટુડિયો ના મેનેજીંગ ડાયરેક્ટર અર્જુન ઠાકર એ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર મહિનાથી યોજાતી સ્પર્ધાઓના આયોજનમાં ઓપન ગુજરાત રાજ્ય યોગાસન અને સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપ 2021 નું આયોજન રાજકોટ ખાતે કરાયું હતું આ તકે 26 જિલ્લાઓના 15 વર્ષ થી લઈ 75 વર્ષના લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, આ સ્પર્ધા ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ તેનો અમને આનંદ તો છે જ સાથોસાથ આ સ્પર્ધામાં પછાત ગણાતા જિલ્લાઓ જેવા કે દાહોદ, પંચમહાલ, કચ્છ જેવા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
યોગ કરવા હંમેશા મન થનગનતું રહે છે: 75 વર્ષીય વૃદ્ધનો પ્રેરક સંદેશ
બાબરા જિલ્લાના ખેડૂત પરસોતમ લાલજી બાયાણી યોગા સ્પર્ધામાં ભાગ લેવા રાજકોટ પહોંચ્યા હતા. લાલજીભાઈની ઉંમર 75 વર્ષની હોવા છતાં ઉત્સાહભેર આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્યારે તેઓએ સ્વસ્થ રહેવા માટે યોગને વિશેષ મહત્વ આપ્યું હતું અને બધાને યોગા કરવા પ્રોત્સાહન આપ્યું હતું આ ઉપરાંત તેઓ હાલની તકે રોજ સવારે એક કલાક યોગા કરે છે. તેમણે આ સ્પર્ધામાં હાજર રહીને યુવાનોને યોગ કરવા માટે પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.
હરહંમેશ તંદુરસ્ત રહેવા માટે યોગ મહત્વપૂર્ણ: ભગવતીભાઈ સેલર
72 વર્ષના યોગા અને સંઘના ચેરમેન ભગવતીભાઈ સેલરે કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું હતું કે વિદ્યાર્થી સહિત સમસ્ત ભાગ લેનાર લોકોને આ પ્રતિયોગીતાથી ખૂબ આનંદ થયો હતો. આ ઉપરાંત યુવાનોને પ્રોત્સાહિત કરવા તેઓ હજુ પણ યોગા કરી રહ્યા છે અને બધા યુવાનોએ વધુને વધુ આગળ વધવું જોઈએ.