દીકરી રથ ગામડે-ગામડે ફરી પુત્રીનું મહત્વ સમજાવી રહ્યો છે
દીકરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારની દીકરીઓને સમાજમાંથી દાન ઉઘરાવી ગરીબ દીકરીઓના લગ્નમાં કરિયાવર કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ‘દીકરી રથ’ના માધ્યમથી ગામડે ગામડે જઈ દીકરીનું મહત્વ શું છે ? તે સમજાવવામાં આવે છે. વણસતી જતી સમાજ વ્યવસ્થા અને વકરતા જતા કુરિવાજોની જાગૃતિ ફેલાવવામાં આવે છે. તેમજ દિકરો-દિકરી એક સમાનના વિચારને મજબુત કરવામાં આવી રહ્યો છે. બહોળા પ્રતિસાદ સાથે રાણપુર (ભેંસાણ)થી પ્રસ્થાન થયેલો ‘દીકરી રથ’ આજ સુધીમાં ૫૫૦ ગામડાઓ ખુંદી વળ્યો છે.
ગીર સોમનાથ જીલ્લામાં આવેલ ગીર ગઢડા તાલુકામાં બંધારડા ગામે ગતરોજ દીકરી રથ આવી પહોંચ્યો હતો. અશ્વીનભાઈ સાવલિયા, કલ્પેશભાઈ દુધાત, વિનુભાઈ બાળધા, નિલેશભાઈ બોરડ અને પ્રકાશભાઈ માંડળકા સહિતના આગેવાનોએ ગામ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે અને ગામની એકતા માટે સમુહ ભોજન રાખેલ હતું. કુમારીકાઓએ દીકરી રથનું સામૈયું કર્યું હતું. મહાઆરતી સાથે લોકજાગૃતિના ભાગરૂપે રથને ગામની શેરીએ શેરીએ ફેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોક જાગૃતિ માટે મહાસભા તથા અભ્યાસક્ષેત્રે જાગૃતિ લાવવા દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેને ઘરે ફકત દીકરીઓ જ હોય તેવા માતા-પિતાનું ગામ સમક્ષ માતૃશકિત સન્માન કરવામાં આવ્યું હતું. અ.સૌ.ભારતીબેન તથા પ્રકાશભાઈ માંડળકાની એક વર્ષની દીકરી જીયાને ગામ લોકોએ પારણે ઝુલાવી દીકરીએ સાક્ષાત લક્ષ્મી છે એ ભાવનાને જાગૃત કરી હતી.
સંસ્થાના પ્રમુખ હિતેષભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દીકરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરીવારની દીકરીઓને શિક્ષણ ફી અને કરિયાવરમાં સહાય, ગૌરક્ષા અને જીવદયા અભિયાન, વૃદ્ધ નિરાધાર માવતરને તીર્થયાત્રાનો લાભ, વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ જાગૃતિ, સર્વરોગ નિદાન કેમ્પ, ગુજરાતના દરેક ગામડે બેટી બચાવો, બેટી પઢાઓ કાર્યક્રમ દ્વારા જાગૃતિ, વ્યસન મુકિત અભિયાન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘દીકરી રથ’ના માધ્યમથી અમો ગુજરાતભરના તમામ ગામોને આવરી લઈ, સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરીશું. તેમજ દિકરો-દીકરી એક સમાનના વિચારને મજબુત બનાવીશું.
સાઉથ ગુજરાત પ્રમુખ ભરત કોટડિયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દીકરી રથના માધ્યમથી દીકરીઓને સમાજમાં સુયોગ્ય સ્થાન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. શિક્ષણક્ષેત્રે દિકરીઓ આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેમજ દીકરીને સમાજમાં યોગ્ય સ્થાન મળી રહે તે માટે જેને ઘરે માત્ર દીકરીઓ જ હોય તેવા માવતરને ગામ સમક્ષ માતૃશકિત સન્માનથી સન્માનવામાં આવી રહ્યા છે.