અબતક, નવી દિલ્હીઃ
હવે ફરીથી અમેરિકાથી દિલ્હી સુધી નોનસ્ટોપ હવાઈ મુસાફરી ખેડી શકાશે..!! લગભગ એક દાયકા પછી અમેરિકન એરલાઇન્સ દ્વારા દિલ્હી સુધી ફરી ફ્લાઇટ્સ શરૂ થતાં ભારત-યુએસ નોનસ્ટોપ કનેક્ટિવિટીને વેગ મળ્યો છે. 10 વર્ષ પછી અમેરિકાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટ શનિવારે રાત્રે રાજધાનીના દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. આ ફ્લાઇટ ઑક્ટોબરના અંતમાં શરૂ થવાની હતી પરંતુ 8 નવેમ્બરે યુએસ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ફરીથી આંતરરાષ્ટ્રીય પ્રવાસને પુન: શરૂ કરવા માટે થોડા અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી હતી.
હવે અમેરિકામાં વસતા ભારતીયો સીધા જ દિલ્હી સુધી પહોંચી જશે. અમેરિકન એરલાઈન્સ બેંગલુરુ-સિએટલ કે જે 4 જાન્યુઆરી, 2022 થી શરૂ થવાની હતી, તે માર્ચ-એન્ડ સુધી થોડા મહિનાઓ માટે મોકૂફ રાખવામાં આવી છે. એરલાઇન્સે છેલ્લે વર્ષ 2012માં ભારતમાં ઉડાન ભરી હતી. નોંધનીય છે કે વર્ષ 2007માં શરૂ કરાયેલો શિકાગો-દિલ્હી રૂટ બંધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને યુએસ વચ્ચે મુસાફરીની જબરદસ્ત માંગ છે, જે દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે. મોટા ડાયસ્પોરા અને વધતા વેપાર સંબંધોને કારણે માંગ વધી છે.
એમાં પણ હાલ કોરોના રોગચાળાને કારણે લોકો વન-સ્ટોપ જવાને બદલે નોનસ્ટોપ મુસાફરી કરવાનું પસંદ કરે છે. જેના પગલે આવા સમયે અમેરિકન એરલાઇન્સ શરૂ થતાં ભારત-અમેરિકાના મુસાફરોને મોટી રાહત મળી છે. દિલ્હી બાદ હવે આગગામી સમયમાં મુંબઈ માટે પણ અમેરિકાથી સીધી જ ફ્લાઈટ શરૂ થશે એવી ધારણા છે. તેમ અમેરિકનના એમડી (સેલ્સ)ટોમ લેટિગે જણાવ્યું છે.