બજરંગ પુનિયા સાક્ષી મલિક અને દીપક પુનિયાએ જીત્યા ગોલ્ડ, અંશુ મલિકને સિલ્વર મેડલ: કોમનવેલ્થ ગેમ્સની મેડલ ટેલીમાં ભારત પાંચમા ક્રમે પહોંચ્યું જેમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝનો સમાવેશ
બર્મિંઘમમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારત માટે શુક્રવારનો દિવસ શાનદાર રહ્યો હતો. ભારતના રેસલર્સે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને દેશને વધુ ત્રણ ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. ભારતના અનુભવી રેસલર બજરંગ પૂનિયા અને મહિલા રેસલર સાક્ષી મલિકે પોત-પોતાની કેટગરીમાં લાજવાબ પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. બજરંગ પૂનિયાએ સળંગ ત્રીજો કોમનવેલ્થ મેડલ જીત્યો છે. 65 કિલો વર્ગ ફ્રીસ્ટાઈલમાં ટોક્યો ઓલિમ્પિક મેડાલિસ્ટ બજરંગ પૂનિયાને કોઈ ટક્કર મળી ન હતી અને તેણે આસાનીથી દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ સાક્ષી મલિક અને દીપક પૂનિયાએ પણ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. જ્યારે અંશુ મલિકે સિલ્વર મેડલ જીતીને રેસલિંગમાં ભારતના મેડલનું ખાતું ખોલ્યું હતું.
જ્યારે મહિલા રેસલર દિવ્યા કાકરને મહિલાઓની 68 કિલો કેટેગરીની ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ટોંગાની ટાઈગર લિલી કોકર લેમાલીને હરાવી હતી. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી નવ ગોલ્ડ મેડલ સહિત કુલ 25 મેડલ જીત્યા છે.
બર્મિંઘમમાં ફાઈનલમાં બજરંગનો સામનો કેનેડાના લચલાન મેકનીલા સામે હતો. બજરંગે આ મેચ 9-2થી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં બજરંગ પૂનિયાનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં તેણે બે ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા છે. તેણે આ ત્રણેય મેડલ સળંગ ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા છે. તેણે 2014માં 61 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2018માં 65 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ તેના નામે બે ગોલ્ડ મેડલ છે. બર્મિંઘમમાં બજરંગ પૂનિયાનો ગોલ્ડ મેડલ ભારતનો સાતમો ગોલ્ડ મેડલ છે.
રિયો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાક્ષી મલિકે શાનદાર પ્રદર્શન કરતાં 62 કિલો વર્ગ ફ્રીસ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં તેણે કેનેડાની એના ગોન્ડિનેઝ ગોન્ઝાલેસને પરાજય આપ્યો હતો. સાક્ષી મલિકે ચાર વર્ષ અગાઉ ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે, બર્મિંઘમમાં તેણે અલગ જ અંદાજમાં જોવા મળી હતી અને પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
શુક્રવારે રેસલિંગમાં બજરંગ પૂનિયાએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ સાક્ષી મલિકે બીજો અને દીપક પૂનિયાએ ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. દીપક પૂનિયાએ પુરૂષોની 86 કિલો વર્ગની ફ્રીસ્ટાઈલ ફાઈનલમાં પાકિસ્તાની રેસલર મોહમ્મદ ઈનામને 3-0થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં દીપક પૂનિયાનો આ પ્રથમ મેડલ છે.
મણિકા બત્રા-સાથિયાન, શરત-શ્રીજાની જોડી ક્વાર્ટર ફાઈનલમાં
શુક્રવારે ભારતના પેડલર્સ માટે સારો દિવસ રહ્યો હતો. સ્ટાર પેડલર્સ મણિકા બત્રા અને શ્રીજા અકુલા વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. બત્રાએ ઓસ્ટ્રેલિયાની જી મિનહ્યુંગને 11-4, 11-8,11-6,12-10થી પરાજય આપ્યો હતો અને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે શ્રીજાએ વેલ્સની ચાર્લોટ કેરીને 8-11, 11-7, 12-14, 9-11, 11-4, 15-13, 12-10થી પરાજય આપ્યો હતો. અગાઉ દિવસની શરૂઆતમાં મણિકા અને શ્રીજા મિક્સ્ડ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા હતા.
બત્રા અને મિક્સ્ડ ડબલ્સમાં તેના જોડીદાર જી સાથિયાને નાઈજિરિયાની ઓલાજિદે ઓમોટાયો અને અજોકે ઓજોમુની જોડીને 11-7, 11-6, 11-7થી પરાજય આપ્યો હતો. હવે તેમનો સામનો મલેશિયાની જાવેન ચુંગ અને કારેન લીનની જોડી સામે થશે. બીજી તરફ શ્રીજા અને તેના જોડીદાર અચંતા શરત કમલે મલેશિયાની લિઓન્ડ ચી ફાંગ અને હો યિંગની જોડીને 5-11, 11-2, 11-6, 11-5થી પરાજય આપ્યો હતો.
પેરા એથ્લેટ ભાવિના પટેલ ટેબલ ટેનિસની ફાઇનલમાં
ભારતની સ્ટાર ટેબલ ટેનિસ પેરા એથ્લેટ ભાવિના પટેલે બર્મિંઘમમાં રમાઈ રહેલી કોમનેવેલ્થ ગેમ્સમાં વિમેન્સ સિંગલ્સ ક્લાસ 3-5ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ ભાવિનાએ દેશ માટે એક મેડલ સુનિશ્ચિત કરી લીધો છે. શુક્રવારે રમાયેલી સેમિફાઈનલમાં ગુજરાતની ભાવિના પટેલે ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-6, 11-6, 11-6થી પરાજય આપ્યો હતો. ટોક્યોમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ શનિવારે ફાઈનલમાં નાઈજિરિયાની ક્રિસ્ટિના ઈકપેઓઈ સામે રમશે. બીજી તરફ સોનલ પટેલેને સેમિફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઈનલમાં સોનલ પટેલને ઈકપેઓઈ સામે 6-11, 4-11, 7-11થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે તે બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં બેઈલીનો સામનો કરશે. જ્યારે મેન્સ 3-5 ક્લાસની સેમિફાઈનલમાં ભારતના રાજ અરવિંદન અલગરને નાઈજિરિયાના નાસિરુ સુલે સામે 11-7, 8-11, 4-11, 7-11થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે તે રવિવારે બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં નાઈજિરિયાના ઈસાઉ ઓગુન્કુન્લેનો સામનો કરશે.
પ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં જ 21 વર્ષીય અંશુ મલિકે જીત્યો સિલ્વર મેડલ
શુક્રવારે રેસલિંગમાં ભારતને પ્રથમ મેડલ 21 વર્ષીય મહિલા રેસલર અંશુ મલિકે અપાવ્યો હતો. અંશુ મલિક પોતાની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં રમી રહી હતી. તેણે શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓના 57 કિલો વર્ગમાં પોતાના ત્રણમાંથી બે મુકાબલા ફક્ત 64 સેક્ધડમાં જ જીત્યા હતા. જોકે, ફાઈનલમાં તેનો સામનો નાઈજીરિયાની ઓદુનાયો ફોલાસાદે સામે હતો. જેમાં તેને 7-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ સાથે બર્મિંઘમમાં તેણે રેસલિંગમાં ભારતના મેડલનું ખાતું ખોલ્યું હતું. ઓદુનાયોએ 2014, 2018 અને હવે 2022માં પણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.