સુરતના પ્રવેશદ્વાર પર જ વાહન ચાલકોને મુશ્કેલી
મોટા મોટા ખાડામાં પાણીનો ભરાવો થતાં વાહન ચાલકો ત્રાહિમામ
અનેક વિસ્તારમાં રસ્તા ખોદાયા પણ તંત્ર તમાશો જુએ છે
સુરતના સહારા દરવાજા વિસ્તારના રસ્તાની હાલત જોતાં આ વિસ્તાર સુરત મહાગનરપાલિકા હદની બહાર હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના પ્રવેશ દ્વારા કહેવાતા આ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયાં છે.
ખાડાઓના કારણે અહી ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. હાલ વરસાદના પાણી મોટા ખાડાઓમાં ભરાઈ જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પરના ખાડા પુરવામાં ન આવે તો મોટો અકસ્માત થાય તેવી ભીતી છે.
સુરતના એ.પી.એમ.સી. – સરદાર માર્કેટથી સહારા દરવાજા સુધીનો રોડ હાલ વાહન ચાલકો માટે આફતરૃપ બની ગયો છે. હાઈવેથી સુરત આવતો રોડ શહેરનું પ્રવેશદ્વાર છે. આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો હોવાના કારણે વ્યસ્ત રોડ છે. પરંતુ હાલ ચોમાસામાં આ રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયાં છે. આ ખાડાઓના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામની સ્થિતિ રોજ જ થાય છે દરમિયાન છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના કારણે ખાડાઓમાં પાણીનો ભરાવો થયો છે.
ખાડામાં પાણી હોવાથી વાહન ચાલકોને ખાડો કેટલો ઉંડો છે તેનો ખ્યાલ નથી આવતો. ખાડામાં વાહન ચાલકોના વાહન પડતા રોજ નાના અકસ્માત થાય છે. હાલ પાણીનો ભરાવો થતાં મોટો અકસ્માત થાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.
સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડને જો મ્યુનિ. તંત્ર તાકીદે રિપેર ન કરાવે તો મોટો અકસ્માત થશે તેવું સ્થાનિકોનું કહેવું છે. આ રોડ ઉપરાંત શહેરમમાં અનેક જગ્યાએ રોડ તુટી ગયાં છે. મ્યુનિ. તંત્ર એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિમાં આવી ગયું છે. રોડ તુટવાની ઘટનમા કોન્ટ્રાક્ટર પણ જવાબદાર હોવા છતાં હાલ મ્યુનિ. તંત્ર તેમની સામે પણ કડક કામગીરી ન કરતાં લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.