સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં ખંઢેરી સ્ટેડિયમમાં

વિકેટ અને વાતાવરણ જોઈ બેટીંગ-બોલીંગમાં ફેરફાર કરવાના અને ટીમની રણનીતિ નકકી કરવાનાં સંકેતો ભારતીય સુકાની રોહિત શર્માએ ગઈકાલે જ આપી દીધા હતા

મહા વાવાઝોડાની તાકાત ઘટતા સાંજે વરસાદ પડવાની સંભાવના ખુબ જ નહિવત: વરસાદ આવશે તો પ્રેક્ષકોને ટિકિટનાં પૈસા પરત અપાશે

બુકીબજારમાં ટીમ ઈન્ડિયા ફેવરીટ: સ્ટેડિયમમાં પ્રેક્ષકો હેલ્મેટ, ટિફિન, પાણીની બોટલ કે કેમેરા નહીં લઈ જઈ શકે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે સાંજે ૭:૦૦ કલાકથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી-૨૦ મેચ રમાશે. પ્રથમ ટી-૨૦ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ શ્રેણી બચાવવાના તો બાંગ્લાદેશની ટીમ શ્રેણી જીતવાના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મહામુકાબલામાં આકાશમાંથી વરસાદ નહીં વરસે તો બેટસમેનોનાં બેટમાંથી રનનો વરસાદ થાય તેવી પ્રબળ સંભાવના છે. પ્રથમ મેચમાં હાર પછી પણ ભારતીય સુકાની રોહિત શર્માએ ટીમનાં બેટીંગ અને બોલીંગ આક્રમણમાં વિકેટ અને વાતાવરણ જોયા બાદ જ કોઈ ફેરફાર કરવાના સંકેતો ગઈકાલે જ આપી દીધા છે. વાવાઝોડાની તાકાત ક્રમશ: ઘટી રહી હોય આજે વરસાદની સંભાવના ખુબ જ નહિવત છે છતાં જો વરસાદ પડશે તો પ્રેક્ષકોને ટીકીટનાં પૈસા પરત આપવામાં આવશે તેવી જાહેરાત પણ એચસીએ દ્વારા કરવામાં આવી છે. સાંજે ૬:૩૦ કલાકે ટોસ થશે અને ૭ કલાકથી મેચનો આરંભ થશે. રાજકોટની વિકેટ બેટસમેનોને યારી આપવા માટે વિશ્ર્વભરમાં જાણીતી હોય. આજનો મેચ હાઈસ્કોરીંગ રહે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

DSC 5052

દિલ્હી ખાતે રવિવારે રમાયેલી મેચમાં ભારતનો પરાજય થયો હતો. સોમવારે બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ગયું હતું અને મંગળવાર તથા બુધવારે બંને ટીમોએ એકબીજાને ભરી પીવા માટે તનતોડ નેટ પ્રેકટીશ કરી હતી. ઘરઆંગણે રમાતી ૨૦-૨૦ શ્રેણીમાં બાંગ્લાદેશ જેવી પ્રમાણમાં નબળી મનાતી ટીમ સામે શ્રેણી ગુમાવવી ભારતને કોઈ કાળે પોશાય તેમ નથી. બીજી તરફ બાંગ્લાદેશ પણ ભારતને ઘર આંગણે શ્રેણી હરાવવા માટે તત્પર છે. આજનો મુકાબલો બંને ટીમ માટે કરો યા મરો સમાન બની રહેશે. બેટીંગ આક્રમણ પર નજર કરવામાં આવે તો ભારતની ટીમ ખુબ જ મજબુત છે પરંતુ બોલીંગ આક્રમણ પ્રમાણમાં નબળુ હોવાનાં કારણે બાંગ્લાદેશ તેનો પુરો ફાયદો ઉઠાવી રહ્યું છે. રાજકોટની વિકેટ પર રનનાં ઢગલા થતા હોય છે આવામાં કોઈપણ ટીમ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લેતી હોય છે પરંતુ ગઈકાલે સાંજે વરસાદ પડયો હતો અને આજે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બંને ટીમોનાં સુકાનીએ વાતાવરણ જોઈને રણનીતિ ઘડવાના સંકેતો આપી દીધા છે.  રાજકોટ ખાતે અત્યાર સુધીમાં બે ૨૦-૨૦ મેચ રમાઈ છે જેમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતનો વિજય થયો હતો જયારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતે પરાજયનો સામનો કરવો પડયો હતો. આજે શ્રેણી સરભર થશે તો આગામી ૧૦મીએ નાગપુર ખાતે રમાનારી શ્રેણીની ત્રીજી ટી-૨૦ મેચ ફાઈનલ મુકાબલો બની જશે.

DSC 5125

પત્રકાર પરિષદમાં રોહિત શર્માને જયારે ટીમનાં નબળા પ્રદર્શન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેને જવાબમાં જણાવ્યું હતું કે, શરુઆતને બેટ્સમેનની માનસિકતા કરતા વધારે પિચ સાથે લેવા દેવા હતા. રાજકોટમાં અમે આક્રમક અંદાજ સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળીશું. દિલ્હીમાં બાંગ્લાદેશે સારી રમત દાખવી હતી. મહેમાન ટીમે ગઈ મેચમાં સારી બેટિંગ કરી હતી. દબાણમાં તેમણે સારી રમત દાખવી હતી. અમે દરેક ડિપાર્ટમેન્ટમાં નબળા પૂરવાર થયા હતા. અમારી ટીમ યુવા છે અને સમય સાથે તેઓ પોતાની રમતમાં સુધારો કરતી રહેશે. સારી ટીમ એ છે જે પોતાની ભૂલો રિપીટ ન કરે. હું તમને અમારી સ્ટ્રેટેજી નહિ કહું. પરંતુ એ ચોક્કસ છે કે અમે આક્રમક એપ્રોચ સાથે મેદાને ઉતરીશું. આવતીકાલે અમે બેટિંગ લાઈનઅપમાં ફેરફાર કરવા અંગે અત્યારે વિચારી રહ્યા નથી. કાલે પિચને જોઈને નક્કી કરીશું કે કેટલા બોલર્સ અને કેવા પ્રકારના કોમ્બિનેશન સાથે રમવું છે. દિલ્હીમાં બોલ ટર્ન અને ગ્રીપ થતો હતો, અહિયાં એવી સંભાવના નહિવત છે.

IMG 20191106 WA0011

ગઈ મેચમાં બોલર્સ નહિ પરંતુ અમારી ટીમ હારી હતી. તે સમજવું જરૂરી છે કે આ બધા બોલર્સ યુવા છે અને સમય સાથે તેમની રમતનું સ્તર ઉપર જ જશે. બધા સારો દેખાવ કરે તે બીજી ટી-૨૦ જીતવા માટે જરૂરી છે. એક ટીમ તરીકે અમારે ગઈ મેચની ભૂલોને સુધારવી જરૂરી છે. અમે તેના પર કામ કર્યું છે. તમે એવું નહિ કહી શકો કે બોલર્સ પર પ્રેસર છે, મેચ જીતવાનું પ્રેસર આખી ટીમ પર છે. અમે આ ફોર્મેટમાં બહુ બધા પ્લેયર્સને તક આપી રહ્યા છીએ. અમારા મુખ્ય ખેલાડીઓ આ સિરીઝમાં રમી રહ્યા નથી. અમે આ ફોર્મેટમાં વધુને વધુ પ્લેયર્સને તક આપીને તેમને ટેસ્ટ અને વનડે માટે પણ તૈયાર કરવા માંગીએ છીએ. આપણે અગાઉ જોયું છે કે પ્લેયર્સ આ ફોર્મેટમાં સારો દેખાવ કરીને વનડે અને ટી-૨૦ ટીમનો ભાગ બન્યા છે. મેં પણ ટી-૨૦થી શરૂઆત કરી હતી. જોકે મેચ જીતવી અમારી ટોપ પ્રાયોરિટી છે અને અમે તેના માટે જ આવતીકાલે રમીશું. હું ભારત માટે રમું છું. તેનાથી મોટું મોટિવેશન બીજું કઈ ન હોય શકે. તેનાથી ફર્ક નથી પડતો કે તમે ક્યુ ફોર્મેટ રમો છો. દિવસના અંતે દેશ માટે સારો દેખાવ કરવો એકમાત્ર લક્ષ્ય હોય છે. ફોર્મેટ તો બદલાતા રહેશે, હું અત્યારે ટી-૨૦ રમું છું, થોડા અઠવાડિયામાં ટેસ્ટ રમીશ. હું ૧.૫ બિલિયન લોકોને રિપ્રેઝન્ટ કરું છું, તે વાત મારા કરિયરના અંત સુધી મને સારો દેખાવ કરવા પ્રેરણા આપતી રહેશે.

IMG 20191107 WA0018

ત્રણ ટી-૨૦ મેચની સીરીઝમાં પ્રથમ જીત્યા બાદ બાંગ્લાદેશ ટીમનો મનોબળ ખુબ જ ઉંચો મનાઈ રહ્યો છે ત્યારે મેચ પૂર્વે જયારે સુકાની રિયાદ મહંમદુલ્લાહને પ્રશ્ર્ન પુછવામાં આવ્યો તો તેને મજબુતાઈથી અને આત્મવિશ્ર્વાસથી દરેક પ્રશ્ર્નોનાં જવાબો આપ્યા હતા અને જણાવ્યું હતું કે, પહેલી મેચ જીત્યા પછી આવતીકાલે અમારી પાસે સીરિઝ જીતવાની સારી તક છે. અમને આશા છે કે અમે સારો દેખાવ કરીશું. મને લાગે છે કે રાજકોટની વિકેટ દિલ્હી કરતા જુદી છે અને અહિયાં ૧૭૦-૧૮૦ રનનો સ્કોર જોવા મળી શકે છે. મેં સીરિઝની પ્રથમ મેચમાં પણ કહ્યું હતું કે અમારી પાસે ગુમાવવા માટે કઈ નથી. અમે એક ટીમ તરીકે જાણીએ છીએ કે આવતીકાલે અમારી પાસે સીરિઝ જીતવાની ઉજળી તક છે. અમે મેચ માટે બહુ પોઝિટિવ છીએ. ટીમ ઊર્જાથી ભરપૂર છે. અમે પ્લેઇંગ ૧૧માં ફેરફાર કરવા માંગતા નથી અને લગભગ વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખીશું.

IMG 20191107 WA0019

ભારતીય ટીમમાં સ્પિનર્સ અને ફાસ્ટ બોલર્સનું સારું મિશ્રણ છે. અમારે મેચની શરુઆતથી તેમના પર હાવી થવું પડશે તો જ અમે મુકાબલો જીતી શકીશું. અમે પ્લેઇંગ ૧૧ ટોસ પહેલા પિચ જોઈને નક્કી કરીશું. તેમજ તે રીતે રન ચેઝ કરવા કે ડિફેન્ડ તેનો નિર્ણય લેવામાં આવશે.અમે પહેલી મેચ જીત્યા પછી આરામથી બેઠા નથી. ભારતમાં પહેલીવાર બાઇલેટરલ સીરિઝ રમવી અને તેને જીતવી અમારા માટે મોટી ઉપલબ્ધી બની રહેશે. અમે સારા અભિગમ સાથે રમીશું, તે હાર અને જીત કરતાં વધુ મહત્ત્વનું છે. ભારતને તેના ઘરઆંગણે હરાવવું બહુ મોટી વાત છે. ગઈ મેચ જીત્યા પછી અમને ડિફેન્ડ કરવા કરતા ચેઝ કરવું વધુ ગમશે. જોકે જો પિચ સૂકી હોય અથવા ડબલ પેસ હોય તો અમે પ્રથમ બેટિંગ કરી શકીએ છીએ.ટીમમાં કોઈ નાનું મોટું નથી. હું કપ્તાન છું પરંતુ મેદાનમાં બધા સમાન છે. ઓફ ધ ફિલ્ડ (શાકિબ અલ હસનની બાદબાકી) જે પણ થાય છે તેના પર અમારું ધ્યાન નથી. અમારે ઓલરેડી બીજા પ્રકારના પ્રેસરનો સામનો કરવાનો હોય છે. બહાર શુ ચાલી રહ્યું છે તેના પર ટીમ ધ્યાન આપતી નથી.

IMG 20191107 WA0017

ત્રણ ટી-૨૦ મેચની સીરીઝમાં પ્રથમ મેચ જે રીતે બાંગ્લાદેશ જીતી ભારતને બેકફુટ ઉપર ધકેલ્યું હતું ત્યારે જો આજનો મેચ બાંગ્લાદેશ ટીમ જીતે તો સીરીઝ પણ જીતી જશે ત્યારે ભારતે કોઈપણ સંજોગમાં ત્રણ મેચની સીરીઝમાં જીવંત રહેવું હોય તો આજનો મેચ ફરજીયાતપણે જીતવો પડશે. બીજી તરફ મહાવાવાઝોડાની આશંકાને પગલે ક્રિકેટ રસિકોમાં પણ ડર વ્યાપી ગયો છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં હોદેદારોનું માનવું છે કે, જો આજનાં દિવસે વરસાદ વરસે અને મેચ પૂર્વે ગ્રાઉન્ડ સ્ટાફને ગણતરીની ૩ થી ૪ કલાક આપવામાં આવશે તો મેચ રમાશે. હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન પાસે ૩ સુપર સોપર હોવાથી પાણી નિકાલની ઉતમ વ્યવસ્થા રાખવામાં આવી છે.

એફકેઝેડ

ભારતીય ટીમ રાજકોટનાં મહેમાન બન્યા બાદ આર વર્લ્ડ સિનેમા ખાતે હાઉસફુલ-૪ મુવી પણ ખુબ જ ઉત્સાહથી નિહાળી હતી ત્યારે બુકી બજારમાં પણ ભારતીય ટીમને ફેવરીટ માનવામાં આવે છે. એચસીએ દ્વારા ક્રિકેટ રસિકો કે જે મેચ નિહાળવા આવશે તેઓ તેમની સાથે કોઈપણ પ્રકારની ખાન-પાનની ચીજ-વસ્તુઓ કે પછી સામગ્રી તથા કેમેરો નહીં લઈ જશે. હેલ્મેટનો કાયદો જે મજબુત બન્યો છે તેને જોતા હેલ્મેટ ગ્રાઉન્ડમાં ન લઈ જવાનું પણ એચસીએ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

DSC 5037

ખંઢેરી સ્ટેડિયમની વિકેટ વિશે જો વાત કરવામાં આવે તો ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામેનાં ટી-૨૦ મેચમાં ભારતનો વિજય થયો હતો તે સમયે આગલા દિવસે પણ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. કહેવાય છે કે, ખંઢેરીની વિકેટ અનિશ્ર્ચિત છે. ગ્રાઉન્ડ પર કોઈકવાર ૨૦૦થી વધુનો રન ચેઈસ પણ થતો હોય છે તો કોઈકવાર ટીમનો ધબડકો પણ વહેલાસર થઈ જતો હોય છે ત્યારે આજનો દિવસ બંને ટીમો માટે અને તેમાં પણ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.

ભારતીય ટીમની જો વાત કરવામાં આવે તો ટીમમાં રોહિત શર્મા, રિષભ પંત, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયાંશ અય્યર, શિવમ દૂબે, કૃણાલ પંડયા, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર, યજુવેન્દ્ર ચહલ અને ખલીલ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ બાંગ્લાદેશમાં મુસફીકુર રહીમ, મહમદુલ્લાહ, લીટનદાસ, મોહમંદ નાઈમ, સોમ્ય સરકાર, અફીફ હોસેન, મોસાદેક હોસેન, અમીનુલ ઈસ્લામ, સફીઉલ ઈસ્લામ, અલ અમીન હોસેન, મુસ્તફીઝુર રહેમાન, અબુ હાયદર રોની, અરાફત સની, મોહમંદ મિથુન અને તેજુલ ઈસ્લામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમની જો વાત કરવામાં આવે તો આગામી વિશ્ર્વકપ માટે જે ટીમ ઉપર દાવ લગાવવામાં આવી રહ્યો છે અને જે પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે તે કેટલાઅંશે સફળ થશે તે આજે ખબર પડી જશે.

IMG 20191106 WA0007 1

૧૦૦મી ટી-૨૦ મેચ રમનાર રોહિત બનશે પ્રથમ ભારતીય

બાંગ્લાદેશ સામેની ટી૨૦ સીરિઝમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા રાજકોટમાં જ્યારે ટોસ માટે ઉતરશે ત્યારે એક મોટો રેકોર્ડ તેની રાહ જોઈ રહ્યો હશે. ૭ નવેમ્બરે રમાનારી ટી૨૦ ઈન્ટરનેશનલ હિટમેનના કરિયરની ૧૦૦મી ટી૨૦ મેચ હશે અને તે આ સિદ્ધિ મેળવનારો એકમાત્ર ભારતીય ક્રિકેટર બની જશે. ઓવરઑલ ક્રિકેટમાં પણ તે માત્ર બીજો એવો ક્રિકેટર બનશે જેને આ સિદ્ધિ મેળવી હોય. રેકોર્ડ લિસ્ટ પર નજર કરીએ તો ૧૦૦ ઈન્ટરનેશનલ ટી૨૦ મેચ રમનારો પ્રથમ ખેલાડી પાકિસ્તાનનો શોએબ મલીક છે. તેના નામે ૧૧૧ ટી૨૦ મેચો છે. ત્યારબાદ રોહિત શર્મા અને શાહિદ આફ્રિદીના નામ આવે છે. આ બંને ખેલાડીઓના નામે ૯૯-૯૯ મેચો છે. બીજી તરફ પૂર્વ ભારતીય કેપ્ટન ૯૮ ટી૨૦ સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી૨૦માં રોહિતે તેને પાછળ છોડ્યો હતો. ભારતીય ક્રિકેટર્સના રેકોર્ડની વાત કરીએ તો રોહિત શર્મા (૯૯), એમ એસ ધોની (૯૮) બાદ ઑલરાઉન્ડર સુરેશ રૈના (૭૮) અને કેપ્ટન વિરાટ કોહલી (૭૨)નો નંબર આવે છે. આ લિસ્ટમાં યુવરાજ સિંહ (૫૭) અને ઓપનર શિખર ધવન (૫૬) અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને આવે છે. રોહિત નામે અત્યારે ૯૯ મેચોમાં ૨૪૫૨ રન છે જે કોઈપણ બેટ્સમેન દ્વારા ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન છે. વિરાટ કોહલી તેનાથી થોડા જ રન પાછળ છે. તેણે ૭૨ મેચોમાં ૨૪૫૦ રન બનાવ્યા છે. રોહિત વિરાટનો રેકોર્ડ દિલ્હીમાં રમાયેલી ટી૨૦ મેચમાં તોડ્યો હતો. આ ઉપરાંત રોહિતના નામે ટી૨૦માં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ છે. તેણે ૧૦૬ સિક્સર ફટકારી છે આ ઉપરાંત તેણે સૌથી વદુ ૪ સેન્ચુરી પણ લગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.