ટ્રસ્ટ દ્વારા બીજા બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૧૦૦ બોટલ રકત એકત્રીત કરવાના સંકલ્પને લઈ આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. ત્યારે આવી જ એક સેવાકીય પ્રવૃત્તિના ભાગ રૂપે ૨૧ જુલાઈને રવિવારે સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી ન્યુ સરદાર માર્કેટીંગ યાર્ડ ગોંડલ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રકતદાન કેમ્પમાં ૫૧૦૦ બ્લડ એકત્ર કરવાના સંકલ્પ સાથે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી. છેલ્લા કેટલાક સમયથી કાર્યરત યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટમાં હાલ ૨૫૦૦ જેટલા સભ્યો કાર્યરત છે. અને આ ટ્રસ્ટ દ્વારા સામાજીક પ્રવૃત્તિઓનાં ભાગરૂપે રકતદાન કેમ્પનું બીજીવાર આયોજન કરવામા આવ્યું છે. ગત વર્ષે રકતદાન કેમ્પમાં ૨૮૦૦ બોટલ જેટલુ બ્લડ કેમ્પમાં એકત્રીત થયું હતુ અને આ વર્ષે ૫૧૦૦ બોટલ બ્લડ એકત્રીત થાય તેવો સંકલ્પ છે.
આ અંગે વધુ જણાવતા યુધ્ધએજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના નીખીલભાઈ દોંગાએ કહ્યું કે આ મહારકતદાન કેમ્પમાં નાથાણી, ફિલ્ડ માર્શલ, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદરની હોસ્પિટલ અને કેટલીક સંસ્થાઓને સાંકળવામાં આવી છે. કેમ્પ દ્વારા એકત્ર થયેલુ બ્લડ જરૂરીયાતમંદ સુધી પહોચે તે આશયથી ખાસ કરીને સીવીલ હોસ્પિટલોમાં આ બ્લડ પહોચાડવામાં આવશે. આ ઉપરાંત બે હજાર બ્લડ સીવીલ હોસ્પિટલને આપવાનો સંકલ્પ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે અમારા ટ્રસ્ટ દ્વારા અન્ય સામાજીક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. જેમાં ખાસ કરીને ગયા વર્ષે અમે અંગદાનનો રેકોર્ડ તોડયો હતો. અમેરિકામાં ૫૪૦ લોકો અંગદાનમાં નોંધાયેલા છે. જયારે અને ૧૦૫૧ લોકોને અંગદાનના સંકલ્પ કરાવ્યા હતા આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં પછાત અને ગરીબ વર્ગની બાળકીઓને દરરોજ જમાડવામાં આવે છે. અને તેમને લ્હાણી આપી ખૂશ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ મહારકતદાન કેમ્પમાં રાજકોટની સામાજીક સંસ્થાઓ મંદિરના મહંતો ખાસ હાજરી આપશે.