તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય હાજર ન રહેતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગામડાના લોકોને જાતિના દાખલા મેળવવા માટે હાલાકી ભોગવવી પડતી હોવાથી તાત્કાલિક દાખલો મળે એવી માંગ ઉઠી છે. પ્રાપ્તવિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ગામડાના લોકોને જાતિના દાખલા મેળવવા માટે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં જવુ પડે છે ત્યારે ગામડામાંથી આવતા લોકોને પ્રમુખ તથા ચુંટાયેલા સભ્યો હાજર નહીં મળતા હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. તેથી જાતિનો દાખલો મેળવવા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના ગવરીબેન નવઘણભાઈ અને દેવકરણભાઈ સહિતના અનેક લોકોએ જાતીના દાખલા મેળવવા માટે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અંસારીને તમામ જરૂરી કાગળો સાથે અરજી કરેલ છે પરંતુ પુત્ર-પુત્રીના દાખલા મેળવવા માટે લોકોને તમામ જાતના કાગળો અને સોગંદનામા સહિતના કાગળો રજુ કરેલ છે તેમ છતાંય ટીડીઓ દ્વારા અરજદારોને જાતિ અંગેના દાખલા ના આપતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ઠાકોર સમાજના આગેવાન ચકુજી ઠાકોરે જણાવેલ કે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં ગામડામાંથી આવતા લોકોને જાતિનો દાખલો કાઢવામાં ટીડીઓ ભેદભાવ રાખતા હોવાથી અરજદારોને ધરમના ધકકા ખાવા પડે છે. જેથી ગામડાના લોકોને ભારે હાલાકી પડતી હોવાથી તાત્કાલિક જાતિના દાખલા મળે એવી માંગ ઉઠી છે.