અગાઉ આંદોલનના ભાગરૂપે ધરણા, રેલી બાદ હવે એક સપ્તાહ સુધી શિક્ષકો-આચાર્ય અને કર્મીઓ કાળા કપડાં ધારણ કરી ફરજ બજાવશે
રાજકોટ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો, આચાર્યો સહિતના જુદા જુદા પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે, પરંતુ પડતર પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકાર દ્વારા હજુ આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવતા રાજ્યભરમાં તાલુકા મથકો પર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા અગાઉ મૌન ધરણાં કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ હવે આજથી એક સપ્તાહ સુધી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો સહિતના કર્મચારીઓ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જણાવાયું છે કે,
આજથી 24 ઓગસ્ટ દરમિયાન તમામ શાળાઓમાં તમામ સંચાલકો, આચાર્યો, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના તમામ કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવી હતી અને પડતર માગણીઓ અંતર્ગત બ્લેક સપ્તાહના આ કાર્યક્રમને સો ટકા સફળ બનાવ્યો હતો. અગાઉ રાજકોટ શહેરના 400થી વધુ આચાર્યો, શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓએ શુક્રવારે બહુમાળી ભવન, રેસકોર્સ ખાતે મૌન ધરણાં કર્યા હતા. શિક્ષકોએ શિક્ષણ બચાવો, શિક્ષકોની કાયમી ભરતી કરો, ક્લાર્ક અને પટાવાળાની ભરતી કરો, શિક્ષકને સ્વતંત્ર કરો, શિક્ષકને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપો જેવા પ્લેકાર્ડ બતાવીને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યું હતું.