સરકારના નિર્ણયથી રાજયની પ30 શાળાની શિક્ષિકાઓને લાભ મળશે

રાજયની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષીકાને પ્રસૂતિ રજાનો લાભ આપવા અંગે તાજેતરમાં ઠરાવ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આ ઠરાવ મુજબ રાજયની ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષીકાઓને પણ લાભ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેથી રાજયમાં આવેલી પ30 જેટલી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી મહિલા શિક્ષીકાઓને પણ પ્રસૂતિ રજાનો લાભ મળશે.

રાજય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓ માટે ઠરાવ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો. ર4 સપ્ટેમ્બર 2022 ના રોજ જાહેર કરવામાં આવેલ ઠરાવ અનુસાર મહિલા કર્મચારીઓની 180 દિવસના પ્રસૂતિની રજા માન્ય રાખવામાં આવશે. આ મહિલાઓને 180 દિવસનો પગાર પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે. આ ઠરાવનો લાભ સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાને મળતો હતો. પરંતુ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકાને મળતો ન હતો.

સરકારનો આ ઠરાવનો ગ્રાન્ટેડ શાળમાં ફરજ બજાવતી મહિલા વિધાસહાયકો અને શિક્ષિકાઓને પણ લાભ મળે તે માટે માંગ ઉઠી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા રાજયમાં આવેલી માન્ય અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકાઓને પણ પ્રસૂતિની રજાનો લાભ આપવા માટે ઠરાવ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. જેથી હવે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની મહિલા શિક્ષિકાઓને પણ 180 દિવસ પ્રસુતિનો રજા મળવા પાત્ર છે. રાજયમાં હાલ પ30 પ્રાથમિક ગ્રાન્ટેડ શાળા આવેલી છે. તેમાં ફરજ બજાવતી શિક્ષીકાઓને લાભ મળવા પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.