કોર્પોરેશનની પેરી-ફેરીમાં આવતા આઉટ ગ્રોથ એરીયાના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતું મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ
અબતક, રાજકોટ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચના મુજબ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજ્યની 8 મહાનગર પાલિકાઓને આઉટ ગ્રોન્થ વિસ્તારમાં વિકાસકામો માટે રૂપિયા 187.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાઓને રૂા.62.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-2020-21 અંતર્ગત મહાપાલિકાઓને આઉટ ગ્રોંથ વિસ્તારના વિકાસ કામો માટે રૂા.250 કરોડની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.
જે પૈકી અમદાવાદ મહાપાલિકાને રૂા.70.50 કરોડ, સુરત મહાપાલિકાને રૂા.56.25 કરોડ, વડોદરા મહાપાલિકાને રૂા.21 કરોડ, રાજકોટ મહાપાલિકાને રૂા.18.75 કરોડ, ભાવનગર મહાપાલિકાને રૂા.7.50 કરોડ, જામનગર મહાપાલિકાને રૂા.7.50 કરોડ, જુનાગઢ મહાપાલિકાને રૂા.3.75 કરોડ અને ગાંધીનગર મહાપાલિકાને રૂા.2.25 કરોડ સહિત 8 મહાપાલિકાને રૂપિયા 187.50 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે નગરપાલિકાઓને રૂા.62.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગ્રાન્ટ ફાળવણી માટે સૈધ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ તમામ સંસ્થાઓને ચેક આપી દેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પૈસાના વાંકે વિકાસ કામો ન અટકે તે માટે મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. તાજેતરમાં કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા વર્ષ-2021-22માં ફાયનાન્સ બોર્ડ પાસેથી મળવાપાત્ર ગ્રાન્ટ માટે વિવિધ કામો સૂચવી ઠરાવ કરવામાં આવ્યો હતો. રાજ્યની વર્તમાન રૂપાણી સરકારને ગત મહિને પાંચ વર્ષ પૂરા થતાં ફાયનાન્સ બોર્ડ દ્વારા મહાપાલિકા, નગરપાલિકાઓને વિકાસ કામો માટે 1000થી વધુ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. પૈસાના વાંકે વિકાસના કામો અટકે નહીં તેની પૂરતી તકેદારી ફાયનાન્સ બોર્ડ દ્વારા રાખવામાં આવી રહી છે. સમયાંતરે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નિયત કરાયેલી ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવે છે.