વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગણી
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાની બેફામ નુકશાની થવા પામી છે. આવામાં વાહન ચાલકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે રસ્તા રિપેરીંગ માટે તાત્કાલીક અસરથી તમામ મહાપાલિકાઓ સહિતની સ્થાનિક સંસ્થાઓને વિશેષ ગ્રાન્ટ આપવા અને એક વર્ષનો વાહન વેરો માફ કરવાની માંગણી કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા કરવામાં આવી છે.
તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લખેલ પત્રમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પડ્યો હોય ત્યારે ઠેક-ઠેકાણે રોડ-રસ્તાઓ ઉપર મસમોટા જીવલેણ ખાડાઓ પડી ગયા હોય તેમજ આ ખાડાઓને કારણે ઘણા માર્ગ અકસ્માત થઇ રહ્યા હોય અને ખાડાઓને કારણે અનેક લોકોને કમ્મરમાં ઇજા થઇ રહ્યું છે અને વાહનોમાં નુકશાન થયું છે તેમજ અનેક વાહનો વરસાદી માહોલમાં ભૂવામાં પડ્યા છે, દીવાલો પડી છે અને ધરાશાયી વૃક્ષોની નીચે દટાઇ ગયા છે. આ પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોને માર્ગ મરામત માટે ખાસ ગ્રાન્ટ અથવા સહાય ચુકવવા તેમજ વાહનોમાં ભારે નુકશાન થયેલ હોય જેથી એક વર્ષનો વાહન વેરો માફ કરવા અને માર્ગ અકસ્માત થયા હોય તે તમામને વળતર ચુકવવા માંગ કરી છે.