૧૨૫ મેઘાણી જયંતિ વર્ષ નિમિતે જરૂરતમંદ પરિવારો માટે સેવાયજ્ઞ તેમની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સામાજિક સમરસતા મંચ ગુજરાત કલ્યાણ પરિષદ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનંકભાઈ મેઘાણીનું ચોટીલા ખાતે અભિવાદન-સન્માન કરાયું હતું. ૧૨૫મી મેઘાણી જયંતી વર્ષ નિમિત્તે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનો સેવાયજ્ઞ પિનાકી મેઘાણીની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે. ફરજ પર કોરોનાને લીધે શહીદ થયેલા વાલ્મીકિ સમાજનાં ‘કોરોના વોરિયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરીયાતમંદ પરિવારોને વિશેષરૂપે સહાય આપવામાં આવી છે. આ સેવાયજ્ઞમાં સતત સવિશેષ સહયોગ આપનાર સેવાભાવી કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલાનું પણ સન્માન કરાયું હતું. ચોટીલા નગરપાલિકામાં સેવા આપતાં ૬૦ જેટલાં ‘કોરોના વોરિયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોને સન્માન-પત્ર અને કીટ અપાયાં હતાં.
રવિભાણ સંપ્રદાયના સંત અક્કલદાસજી સાહેબ સમાધી સ્થળ (થાનગઢ)ના મહંત કૃષ્ણવદનજી સાહેબ ગુરુ હરિપ્રસાદજી સાહેબ, નંદિનીપુરમ્ (ચાણપા)ના સાધ્વીજી નીલા ચૈતન્યજી અને સાધ્વીજી ઈલા ચૈતન્યજી, ચોટીલા નગરપાલિકાના પ્રમુખ શક્તિસિંહ ઝાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિનયભાઈ ચાવડા, ડો. ગોધાણી, ડો. પુનિતભાઈ શુક્લ, કરણભાઈ કરથિયા, રમેશભાઈ જાનીની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભક્તિના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધારમાં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે. માણસ માત્રને ઝવેરચંદ મેઘાણી એક સમાન ગણતા.
૨૩ માર્ચ ૧૯૩૧ — ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી ‘રોટી ખાવાની ઈચ્છા અમર ક્રાંતિવીર શહીદ ભગતસિંહે વ્યક્ત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ ‘રોટીનું ઋણ અને મૂલ્ય ક્યારેય વીસરાશે નહિ તેમ પિનાકી મેઘાણીએ આ સાથે જણાવ્યું હતું.