પાંચ વરસનું બાળકને તેના દાદા-દાદીનો સંગમ એટલે સંસ્કારોની પાઠશાળા. જમી પરવારીને ખાટલે પડીને દાદા-દાદીના ખોળામાં માથુ રાખીને વિવિધ વાર્તા થકી જ બાળકોમાં ઘણું જ્ઞાન વધતું હતું, આ એ જમાનાની વાત છે જ્યારે ટીવી-મોબાઇલ ન હતા ને સૌ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. આજે જેને ફીફ્ટી પુરી કરી છે તેને આ જોયેલું કે માણેલું હશે. બાળકના સંર્વાગી વિકાસમાં તેમના ઘરના પ્રથમ પાંચ વર્ષનો ઉછેર સૌથી મહત્વનો છે. બાળકોને નવી-નવી વાતો-ચિત્રો રંગબેરંગી રમકડા આસપાસનું વાતાવરણ સાથે કલ્પના વડે સરળશૈલીમાં સમજણ સૌથી શ્રેષ્ઠ હોય છે.
બાળવાર્તા એટલે કલ્પનાની દુનિયા સાથેનો અતૂટ સંબંધ બાળવાર્તા દરેકના બચપણનો વૈભવ હોય છે. વાર્તા જ સમજણ અને સંસ્કારોનું સિંચન કરે છે. આજે પણ બાળકોને આ ઇન્ફર્મેશન યુગમાં તમે બાળવાર્તા કરો તો તે બધું જ બાજુએ મુકીને સાંભળવા બેસી જાય છે. વાર્તામાં પ્રાણીઓ, કુદરત, જંગલો જેવી વિવિધ બાબતો આવતી હોવાથી તેમના રસ-રૂચી-વલણો જળવાઇ રહે છે. સૌથી અગત્યની બાબત એકાગ્રતા જોવા મળે છે. એટલે જ શિક્ષણમાં વાર્તા પધ્ધતી સૌથી સફળ રહી છે. બાળક સાંભળીને 85% શીખે છે પણ ધ્યાનથી સાંભળેલ વાત 100 ટકા યાદ રહી જાય છે. વાર્તાની સાથે બાળગીતો જોડાયેલા હોવાથી ક્યારેક તો બાળગીત ગાતા-ગાતા વાર્તા કરવા માંડે છે.
સવારથી સાંજ ઘરનું વાતાવરણ આસપાસનું વાતાવરણ જોઇને બાળક ઘણું શિખતો હોય છે. તેમાં બાળવાર્તા થકી તેમનામાં ઘણા ગુણો જેવા કે પ્રેમ-હૂંફ-લાગણી-કરૂણા-મદદ-સત્ય આચરણ વિગેરે તમે તેમનામાં સિંચન કરી શકો છો. ‘ચકા-ચકી’ બાળવાર્તા આજે પણ આપણને યાદ છે કારણ કે બચપણમાં સાંભળેલી શાંત ચિત્તે બાળ વાર્તા જીવનભર ક્યારેય ભૂલાતી નથી. આજના મા-બાપોને જ વાર્તા નથી આવડતી, શાળામાં પણ કોર્ષ પૂરો કરવાની ઉતાવળમાં શિક્ષકો કરતાં ન હોવાથી બાળક ‘જાયે તો જાયે કહાં’ જેવી સ્થિતિમાં મુકાયો છે. બાળકનાં આહર-ઉછેર-લાલન-પાલનમાં આ બાળવાર્તાનું સ્થાન પ્રથમ નંબરે છે.
કહેવાય છે કે બાળકોનો સાચા મિત્ર પુસ્તક છે પણ આજના વાતાવરણમાં પુસ્તક સાથે મૈત્રી કેળવી હોય તેવા બાળકો કેટલા હશે. પહેલા તો પડીકામાં આવેલ છાપાના કાગળમાં પણ વાંચવા બેસી જતાં હતાં. શાળાઓ એ દર શનિવારે ‘મારે વાર્તા કહેવી છે’ આવો કાર્યક્રમ યોજવો પડે છે. જે તમે તેને ભણાવવા કે શિખડાવવા મ)ંગો છે તે બાળવાર્તાથી શીખ આપી શકો છો. જીવરામ જોશી-ગિજુભાઇ બધેકા-પંચતંત્ર, વિવિધ દેશોની બાળવાર્તાઓમાંથી તમે તેમાં ઘણા સંસ્કારો રેડી શકો છો. આજે તો પી.ડી.એફ. ફોર્મેટમાં ઘણી વાર્તાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તેમાં મા-બાપે વાંચીને અત્યારના સમય પ્રમાણે ફેરફાર કરીને બાળકોને કહેવી જોઇએ.
હિતોપદેશ અને બિરબલની ચતુરાઇ-જંતર મંતરની અને અંધશ્રધ્ધા દૂર કરતી ઘણી વાર્તાઓની આજના બાળકોને જરૂરીયાત છે પણ તેને સંભળાવે કોણ ? આ પ્રશ્ન ચિંતા અને ચિંતનનો છે. આજે મોટાભાગનાં બાળકોને કાર્ટૂન ગમે છે તેનું કારણ આજે 21મી સદીમાં પણ તેને કલ્પનાની દુનિયાની વિવિધ વાતોમાં જીજ્ઞાસા છે. બાળ પુસ્તકાલયો આજે ક્યાંય જોવા મળતાં નથી, શાળામાં બાળવાર્તાની બુક્સ છે પણ ડેડસ્ટોકની બિકે કોઇ શાળા તાળું ખોલતા નથી.
વાર્તા બાળકને જીવતો કરી દે છે એની એટલી તાકાત છે કે તેને જે બનવું છે તેના વિકાસ માટેની સમજ આ બાળવાર્તા જ પુરી પાડે છે. જે આજે શિક્ષણવિદ્ો પણ સમજતા નથી. વાંચે ગુજરાત અભિયાનથી સરકારે પ્રયત્નો કર્યો પણ પછી શું ? વેણીભાઇ પુરોહિત અને યશવંતભાઇ મહેતાના બાળ સાહિત્યની આજે કેટલા મા-બાપો કે શિક્ષકોને ખબર છે. વીસમી સદીના એંશીના દાયકા પછી પ્રવાહ પલટાયોને પછી તો નવુ બાળ-સાહિત્ય રચાયું કે ન તો જુના પાત્રોની નવી વાર્તા લખાય. આજ દાયકામાં મોટા ભાગના બાળ સાપ્તાહિકો બંધ થઇ ગયા હતાં.
મિયાંફૂસકી અને તભાભટ્ટની બાળવાર્તાઓ એટલી બધી રસપ્રદ સાથે જ્ઞાન વર્ધક હતી કે એક જ બેઠકે વાંચી કે સાંભળી લઇએ. આજે તો ગુજરાતી બાળ સાહિત્યનો સુવર્ણ કાળ સમાપ્ત થઇ ગયો છે. બાળકો પણ ટીવી-મોબાઇલના દૂષણોમાં જકડાઇ ગયોને મા-બાપ પાસે સંતાનો માટે ટાઇમ નથી. આવા વાતાવરણમાં ઉછરેલ બાળકને આપણે જો એક બાળવાર્તા સંભળાવીએ તો ઇશ્ર્વરની પ્રાર્થના સમાન છે, કારણ કે નાના બાળકોમાં ઇશ્ર્વર સમાયેલો છે.
આજના બાળકના જીવનમાં સૌથી મોટી ખોટ હોય તો તે બાળવાર્તા અને બાળગીતો છે. સુવાના સમયે સાંભળેલી બાળવાર્તા ખૂબ જ અસરકાર બને છે. સુતા-સુતા ઘોડિયામાં બાળક હાલરડું સાંભળે ત્યારે ઘોડીયાની આરોહ-અવરોહની ગતી માતાનો ગીતનો અવાજ જ તે પરમસુખ-શાંતિ આપે છે. એટલે બાળવાર્તાને બાળગીત સાથે અને આ બંનેને સંગીતના સાત સુરો સાથે સંબંધ છે. બાળકોની આખી જનરેશન ઉપર વાર્તાનો અભાવ નકારાત્મક અસર છોડે છે, કદાચ એટલા માટે જ બાળ અપરાધનું પ્રમાણ વધ્યું હશે.
બાળકો વાર્તાની દુનિયાની અંદર જ પોતાની એક દુનિયા બનાવે છે, બસ એ જ રીતે આજે કાર્ટૂનની અંદર બનાવે છે. દરેક મા-બાપે બાળકો માટે સમય કાઢીને તેને વાર્તાની દુનિયામાં લઇ જવાની આજે તાતી જરૂરીયાત છે. બાળકોના સપનાની વાત-પરીઓના દેશની વાત સાથે વિવિધ ગુણોનું સિંચન બાળવાર્તા કહેવાની જગ્યા જ નથી. દાદા-દાદી, નાના-નાની સાથે ઘરનાં આંગણાના પક્ષીઓનો કલરવ સાથે બાળવાર્તાનો સંગમ થાય તો ઇશ્ર્વરે આપણા પર લખેલા પ્રેમપત્ર (બાળક) સુવર્ણ અંકિત થઇ જાયને તેનું બચપન કે બાળપણ 16 કલાઓથી નીખરી ઉઠશે.
બાળકો માટેની ‘વાર્તા’ ક્યા ગુમ થઇ ગઇ?
આજે બાળવાર્તા ક્યાંય જોવા કે સાંભળવા મળતી નથી. શું ‘વાર્તા’ ખતમ થઇ કે શું ? આપણે તો બધા ભૂલી ગયા છીએ પણ આ બાળકો તો જીદ કરે છે કે મને વાર્તા સંભળાવો ? આપણે ક્યાંથી સંભળાવીએ, યાદ જ નથી કે આવડતી નથી. આ વ્યથા આજે દરેક મા-બાપોની છે. આજે આપણાં સંતાનોને સવારથી સાંજ એટલા વ્યસ્ત શેડ્યુલમાં જકડી રાખ્યા છે કે તેમાં વાર્તા કહેવાની જગ્યા જ નથી, ખરેખર તો બાળકો વાર્તાની દુનિયાની અંદર જ પોતાની દુનિયા બનાવે છે. આપણે તેને તેની દુનિયામાં કે કલ્પનાની દુનિયામાં લઇ જવાનો છે. આજના બાળકના જીવનમાં સૌથી મોટી ખોટ હોય તો તે બાળવાર્તા અને બાળગીતો છે.