ટોરન્ટોના મેયર દ્વારા 7 ડિસેમ્બરને ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દિન’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો

પ્રમુખસ્વામી મહારાજે વૈશ્વિક સ્તરે લાખોના જીવનમાં આધ્યાત્મિકતાનું સિંચન કર્યું હતું, જેમાં કેનેડા ને પણ પ્રમુખસ્વામી મહારાજે 13 વાર પોતાના આધ્યાત્મિક વિચરણ થી લાભાન્વિત કર્યો હતો . પ્રમુખસ્વામી મહારાજના આ પ્રદાનને 1988 માં કેનેડાની પાર્લામેન્ટ દ્વારા વધાવવામાં આવ્યું હતું. ઉપરાંત 2000 માં ટોરોન્ટોમાં તેમને ’કી ટૂ ધ સીટી’ ના  બહુમાનથી  પણ સન્માનવામાં આવ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજના વિરલ જીવન અને કાર્યને અંજલિ આપવા તા: 26-27 નવેમ્બરના રોજ ટોરોન્ટોમાં ’ઇન્ટનેશનલ સેન્ટર કોન્ફરન્સ હોલ’ માં કેનેડાની પાર્લામેન્ટના અનેકવિધ મંત્રીઓ, અનેક મહાનુભાવો અને હજારો ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.બીએપીએસ કેનેડા ના 700 કરતાં વધુ સ્વયંસેવકોએ ’પરમ શાંતિ’  થીમ પર યોજાયેલ  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું,જેમાં રોચક પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ત્રણ ગુણોનું દર્શન કરાવવામાં આવ્યું  હતું : નમ્રતા, વૈશ્વિક પ્રેમ, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા.

કેનેડાના મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ ડાયવર્સિટી એન્ડ ઈંકલુઝન, એવા  અહમદ હુસેને પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પતાં જણાવ્યું,

“આપણે સૌ આજે પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક અને કેનેડા પ્રત્યે પ્રદાનને યાદ કરવા ઉપસ્થિત છીએ. પ્રમુખસ્વામી મહારાજ નિરપેક્ષ અને  નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ હતા,   કેનેડા ખાતેના ભારતીય રાજદૂત શ્રી સંજય કુમાર વર્માએ જણાવ્યું, ” પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ માત્ર આ સ્થળે નહીં, પરંતુ સમગ્ર વિશ્વના 140 કરોડ ભારતીયોના હૃદયમાં ઉજવાઈ રહ્યો છે.

આજે આપણને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષોની જરૂર છે જે આપણને સૌને એકતાથી જોડે. જો આપણે તેમણે ચીંધેલા મૂલ્યોને આત્મસાત કરીશું તો તે આપણી સ્વયંની અને સમગ્ર સમાજની ખુબ મોટી સેવા કરી ગણાશે.” કેનેડાના પ્રધાનમંત્રી શ્રી  જસ્ટિન ટુડ્રો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આદર્શો અને જીવનને અંજલિ આપતો વિડિઓ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

સમગ્ર કેનેડામાં યોજાઈ રહેલા શતાબ્દી મહોત્સવોમાં આ 19 મો મહોત્સવ હતો. અત્યારે સમગ્ર અમેરિકા, આફ્રિકા , યુરોપ , ઓસ્ટ્રેલિયા, અને એશિયાના અનેકવિધ દેશોમાં ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવોના આયોજનો થઇ રહ્યા છે, જેની ચરમસીમારૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી દરમિયાન ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.