શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્રમાં જગતજનની અંબાનું ધામ જગ વિખ્યાત છે. માં અંબાના દર્શનાથે દરરોજ હજારોની સંખ્યમાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. આજે માં જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેલાની શરૂઆત થઈ છે. આજ થી 10 સેપ્ટેમ્બર સુધી ચાલનાર મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો સંઘો સાથે અને પગપાળા માં અંબાના દર્શનાથે આવશે.
આજે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત શરૂઆત થઈ છે. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે માતાજીના રથને કલેક્ટર આનંદ પટેલના હસ્તે રથ ખેંચી મેળાની શરૂઆત કરાઈ હતી. માં અંબાની આરતી અને પૂજા સાથે નારિયળ વધેરી ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત શરૂઆત કરી છે.બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ , જિલ્લા પોલીસ વડા , જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લાના અધિકારી મહામેળાના શુભારંભે હાજર રહ્યા હતા .
વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારની આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન કરાવાયું હતું પ્રથમવાર આદિવાસી દીકરીઓના હસ્તે માતાજીના રથનું અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવી અને આજે વહીવટી તંત્ર દ્વારા ભાદરવીના મહામેળાને ખુલ્લો મુકાયો છે ગુજરાત ભરમાંથી 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાની વહીવટી તંત્રને આશા છે ત્યારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વહીવટી તંત્રએ પણ તમામ પ્રકારની પૂરતી તૈયારીઓ કરી છે અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ પણ શરૂ થયો છે અને આ પ્રવાહને લઈને સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબેમય માહોલ પણ જામ્યો છે.