માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માધવપુરનો મેળો સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે: કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની થીમ પર આયોજિત “માધવપુરના મેળા”નો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. તેના માધ્યમથી ભારતના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાની અદભુત પ્રસ્તુતિ થઈ રહી છે, જે ભરોસો આપે છે કે ભારતની એકતા પર ક્યારેય કોઈ આંચ નહિ આવે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી, આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, આ મેળા થકી આપણે ઉત્તર પૂર્વના રાજ્યોને આપણી સાથે જોડ્યા છીએ. કલા, સંસ્કૃતિ, સંગીત, કળા અને ઉદ્યોગ વગેરે થકી વિવિધ રાજ્યોને જોડવાના પ્રયાસોના ભાગરૂપે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ પણ કરવા જઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજીજુએ મેળામાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાતો આ મેળો આજે સંસ્કૃતિ, કલાની સાથે સાથે રમત ગમત, મીડિયા આદાન પ્રદાન વગેરે થકી વ્યાપક બન્યો છે. માત્ર ભૌગોલિક સ્થળો જ નહીં પરંતુ સાંસ્કૃતિક ભાવનાઓનું જોડાણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું કાર્ય વડાપ્રધાનશ્રી આ પ્રકારના કાર્યો થકી કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રૂકમણીજીના વિવાહનું આ પવિત્ર સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારૂ છે. આ મેળો સમય જતાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું મિલન જ નહીં પરંતુ સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે.ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ મોદી જેવા વ્યક્તિત્વો જ નહીં, પરંતુ મહેનત તથા ખંતથી દેશને કઈ રીતે વિકાસની રાહે આગળ વધારી શકાય તેની શીખ પણ લોકોને આપી છે. દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ અને ગુજરાતીઓની મહેનતને-પરિશ્રમને પણ તેઓએ બિરદાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઉત્તર પૂર્વના કલાકારો-દરિયાઈ રમતોના ખેલાડીઓને ગુજરાતની ધરતી પર પ્લેટફોર્મ મળે તે માટે કરાયેલા આયોજનને આવકાર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014 પૂર્વે ઉત્તરપૂર્વી રાજ્યો માટે ઓળખનો પ્રશ્ન હતો. પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં વડાપ્રધાન બનતા આજે ઉત્તરપૂર્વી રાજ્યોને આખી દુનિયામાં ઓળખતી થઈ છે. માધવપુરના મેળા થકી ઉત્તરપૂર્વી રાજ્યની કલા સંસ્કૃતિ જાણવાનો – માણવાનો મોકો અહીંના લોકોને મળ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગમાં તમારો અને અમારો નાતો પિયર અને સાસરીયા પક્ષનો એમ કહીને ઉત્તરપૂર્વ અને ગુજરાતના ભાવનાત્મક જોડાણ અંગે ખુશી વ્યક્ત કરી હતી. મેઘાલયના પ્રવાસન, કળા અને સંસ્કૃતિ વિભાગના મંત્રી પોલ લિંગડોહએ આ તકે ઉપસ્થિત રહી તેમણે માધવપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ આપવાનું કામ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું તેમ જણાવી શ્રીકૃષ્ણ રુક્મિણીજીના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવુ છું તેમ કહ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ માધવપુર મેળાને વર્ષ 2018 થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે.ભગવાન શ્રી કૃષ્ણ અને વિદર્ભના રાજકુમારી શ્રી રૂકમણીજીના પવિત્ર વિવાહનું આ સ્થળ ખૂબ જ ઐતિહાસિક અને દર્શનિય હોવાની સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનને પણ ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માધવપુર ઉપર 03 ભાષામાં અને 01 ઉપભાષામાં લિખિત પુસ્તકનું લોન્ચિંગ કરાયું હતું. ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ઓળખ સમા ગરબા, અરુણાચલ પ્રદેશનું ડાન્સફોર્મ, આસામ તેમજ અન્ય રાજ્યોના 150થી વધુ કલાકારોએ સુંદર વેશભૂષામાં કલા, સંગીત અને નૃત્યની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ ઉપરાંત ગુજરાત અને ઉત્તરપૂર્વી રાજ્યના કલાકારો દ્વારા શ્રીકૃષ્ણ અને રુક્મિણીના જીવન પર આધારીત મલ્ટીમીડિયા શો રજૂ કર્યો હતો.માધવપુર મેળાના પ્રસંગે ઉત્તર પૂર્વ તેમજ ગુજરાતના ખેલાડીઓએ દરિયાઈ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં 100 મીટર દોડ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, જૂડો અને ટેકવેન્ડો રમતનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, પોરબંદર પાસે આવેલા માધવપુર ઘેડમાં, ચૈત્ર શુક્લ નવમી, રામનવમીથી પાંચ દિવસીય મેળો યોજાય છે. આ મેળો પૌરાણિક કાળથી દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિના સંગમ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમાન છે.