સાધના કેન્દ્રી શરૂ થયેલા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરમાં આજે સાયન્સ કોલેજ, વિદ્યાપીઠ કાર્યરત: પૂ.ગુરૂદેવ ૪ વર્ષની ઉંમરે જૈન ધર્મના તત્વ જ્ઞાન વિશે માહિતીગાર થયા હતા
શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીના જન્મદિન નિમિતે તેમના જીવનમાં ડોકિયું કરીએ તો તેમનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૬૬ ના રોજ બોમ્બે ખાતે થયો હતો. બચપણથી જ તેઓ આધ્યાત્મ તરફ વળ્યા હતા. તેઓ હર હંમેશ માટે શ્રીમદ રાજચંદ્રને અનુસરતા હતા. તેમણે આત્મસિદ્ધિ પર પોતાનું ડોક્ટરેટ ઓસ્માનિયા યુનિવર્સિટિ બોમ્બે ખાતેથી કર્યું હતું. ગુરુદેવનું પૂરું નામ રાકેશ ઝવેરી છે અને તેમના માતા પિતાનું નામ અનુક્રમે રેખાબેન ઝવેરી અને દિલિપભાઈ ઝવેરી છે. તેમના માતા પિતા સ્વેતાંબર મુર્તિ પૂજક જૈન ધર્મનું પાલન કરતાં હતા. ગુરુદેવના માતા પિતાએ બચપણથી જ તેમનામાં આધ્યાત્મિક જ્ઞાન ઉભરતું હોય તેવું જોયું હતું. ફક્ત ૪ વર્ષની વયે તેઓ જૈન ધર્મના તત્વજ્ઞાન વિષે માહિતગાર થઈ ચૂક્યા હતા. જે તેમના માતા પિતા સહિત સમગ્ર પરિવાર માટે આશ્ચર્યની બાબત હતી. વર્ષ ૧૯૭૮માં હમ્પી ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્રના આશ્રમ ખાતે ૮ મહિના સુધી રહી તેમણે જૈન ધર્મ વિષે જ્ઞાન મેળવ્યું હતું, ફક્ત ૨ વર્ષમાં જ તેમણે ગુરુ ની પદવી મેળવી હતી. શ્રીમદ રાજચંદ્રજીના નિધન બાદ માતાજી એ હમ્પી આશ્રમનો કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષ ૧૯૮૩માં જ્યારે તેઓ ફરીવાર હમ્પી આશ્રમ ખાતે પહોચ્યા ત્યારે તેમણે પોતાના જ્ઞાનથી સર્વ ગુરુજન તેમજ અનુયાયીઓનું દિલ જીતી લીધું.
તેમણે વર્ષ ૧૯૯૪ માં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રની સ્થાપના કરી હતી. જે પાછળથી શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર નામે પ્રખ્યાત બન્યું હતું. ૧૩ મે ૧૯૯૩ ના દિવસથી આશ્રમનું બાંધકામ શરૂ કરાયું હતું કે જે ૨૨૩ એકરની અંદર ફેલાયેલું છે. હાલ તેઓ મહિનામાં એક વાર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત અંગે આધ્યાત્મિક પ્રવચન આપે છે. જેનો લાભ લેવા ઠેર ઠેરથી ભાવિ ભક્તો ઉમટી પડે છે. વર્ષ ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા યુગપુરુષ : મહાત્મા ના મહાત્મા નાટકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીના વ્યક્તિગત સંબંધોનું વર્ણન કરતું હતું. ૧૯૯૪ માં શરૂ કરાયેલા સાધના કેન્દ્રથી માંડી હાલ સુધીમાં મિશન દ્વારા ધરમપુર ખાતે સાયન્સ કોલેજ, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠની સ્થાપના સુધી પહોચ્યો છે. વર્ષ ૨૦૧૭માં શ્રીમદ રાજચંદ્રની ૩૪ ફૂટ ઊંચી પ્રતિમાનું આશ્રમ ખાતે અનાવરણ કરાયું હતું.
૨૩ વર્ષની યાત્રામાં મિશન દ્વારા ૧૦૨ સત્સંગ કેન્દ્રો ૩૯ યુવા કેન્દ્ર, વિશ્વ સ્તરે ૨૨૭ ડિવાઇન ટચ સેંટરની સ્થાપના કરી દેવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ માં સંગીત નાટક એકાદમી અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા રજૂ કરાયેલા નાટક ભારત ભાગ્ય વિધાતા માં મહાત્મા ગાંધીના સત્ય અને અહિંશાના મૂલ્યોનું વર્ણન કરવામાં આવ્યું હતું. શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા “લવ એન્ડ કેર નામની એનજીઓની સ્થાપના કરવામાં આવી હતી જે આરોગ્ય, શિક્ષા, માનવતાવાદી સેવા નિશ્વાર્થ ભાવે વર્ષ ૨૦૦૩ થી આપી રહી છે. પૂજ્ય ગુરુદેવના જન્મદિન નિમિતે તેમના જન્મસ્થાન મુંબઈ ખાતે તેમના અનુયાયીઓ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી જન્મદિનને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમજ સમગ્ર દેશ માથી અનુયાયીઓ સમગ્ર દેશમાથી જન્મદિવસની શુંભેચ્છાઓ આપવા મુંબઈ પહોચ્યા છે.