ત્રંબામાં રૂ.2 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
ગુજરાતના રાજયકક્ષાના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ રાજકોટ તાલુકાના ત્રંબા, કસ્તુરબાધામ સ્થિત ત્રંબકેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં રૂ. 2 કરોડના ખર્ચે થનારા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્માણ પામનારા ત્રંબકેશ્વર મહાદેવ મંદિર અને આસપાસની જગ્યાઓ ખાતે થનારા વિકાસકાર્યો થકી આ જગ્યાનો યાત્રાધામ તરીકે વિકાસ થશે, ચાર વર્ષ અગાઉ પણ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ રૂ. 2.25 કરોડના ખર્ચે મંદિરની આસપાસ વિકાસકાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં ઘાટનું નિર્માણ સહિતના વિકાસકામો કરાયા હતા. હવે વધુ વિકાસ કામો થઈ રહ્યા છે. તેમાં ફેન્સીંગ, ટોયલેટ બ્લોક, ગૌશાળા સહિતનાં રીનોવેશનના વિકાસકામો કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળે પાંડવો રોકાયા હોવાથી આ સ્થળનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે.
આ પ્રસંગે મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ તકતીનું અનાવરણ પણ કર્યું હતું. આ સ્થળે નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોવાથી, લોકો ધાર્મિક કાર્યો માટે પણ આવે છે. અને દર વર્ષે અહીંયા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ કાકડીયા, માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન જયેશભાઈ બોઘરા, આર્કિટેક્ટ જોય ચટવાણી, આગેવાનો રાજુભાઈ ધ્રુવ, મનસુખભાઇ ખાચરિયા, બાબુભાઈ નસિત, મુકેશભાઈ તોગડિયા, મનસુખભાઈ રામાણી, અલ્પાબેન તોગડિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.