અધિક કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું: વિદ્યાર્થીઓએ પલળતા પલળતા પોતાની કૃતિઓ રજૂ કરી
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76માં સ્વાતંત્ર્ય દિનની શહેર કક્ષાની શાનદાર ઉજવણી રાજકોટ સ્થિત ચૌધરી હાઈસ્કુલ ખાતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કરએ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.
આ મહામુલી આઝાદીના 76માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે સહભાગી થવા અનુરોધ કરતાં અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કરએ 15 ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની આઝાદીના નામી અનામી લડવૈયાઓ-શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેતન ઠક્કરએ વધુમાં ઉમેર્યું હતું કે આજે આપણા ભારત દેશનો 76 મો ઐતિહાસિક સ્વાતંત્ર્ય દિવસ છે.
1947ના આ જ દિવસે આપણા ભારત દેશે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું હતું. ગૌરવવંતા તિરંગાનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ પવિત્ર દિવસ છે. સ્વતંત્ર રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે અને આપણા દેશના સીમાડાઓ ઉપર શિયાળા, ઉનાળા અને ચોમાસાની વિપરીત પરિસ્થિતિઓમાં ફરજ બજાવી જાન ગુમાવનાર જવાનોની શહાદતને આપણે ખરા દિલથી નમન કરીએ અને સાચી દેશદાઝથી ભરપુર વાતાવરણનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, મામલતદાર કથીરિયા,જાનકી પટેલ, અગ્રણી યશવંતભાઈ જનાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.