સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ થઈ ગયો છે. ગુજરાતની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. આગામી 19મી ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે 21મી ડિસેમ્બરે મતગણતરી યોજાવાની છે. આજરોજ રાજ્ય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રાજ્ય ચૂંટણી કમિશનરે આ માહિતી આપી છે. 10,879 ગ્રામ પંચાયતોમાં આજથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની પ્રથમ સ્તરની ગામડાંઓની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફાળો ભજવશે. વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેની તૈયારીના ભાગરૂપે આ ચૂંટણીઓ મોટી અસરકર્તા રહેશે. રાજ્યભરની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. આગામી 29મી નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રહેશે. જ્યારે ઉમેદવારી પત્રકની ચકાસણી 6 ડિસેમ્બરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર રહેશે.
ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ
- 29 નવેમ્બરે પ્રસિદ્ધ થશે જાહેરનામું
- 4 ડિસેમ્બર- ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ
- 6 ડિસેમ્બર- ઉમેદવારી પત્રકની ચકાસણી
- 7 ડિસેમ્બર- ઉમેદરવારી પરત ખેંચવાની તારીખ
- 19 ડિસેમ્બર- મતદાન
- 21 ડિસેમ્બર- મત ગણતરી
CM પદની જવાબદારી સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં પ્રથમ મોટી ચૂંટણી
રાજ્યની હાલની સ્થિતિ પ્રમાણે દર વખતની જેમ આ વખતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આડકતરો જંગ જોવા મળશે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળ્યા બાદ તેમની આગેવાનીમાં આ પ્રથમ મોટી ચૂંટણી હશે.